Feb 2, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૦-અધ્યાય-૪

અધ્યાય-૪-જ્ઞાન કર્મ સંન્યાસયોગ 
અર્જુન પ્રત્યેનો શ્રીકૃષ્ણ નો પ્રેમ અલૌકિક છે.
જે પરમાત્મા  વેદોના અધ્યયનથી  જાણવામાં આવતા નથી,કે પછી,યોગીઓને ધ્યાનમાં પણ જેનાં દર્શન થતાં નથી,તે પરમાત્મા (સાકાર સ્વ-રૂપે) કયા કારણથી અર્જુન પર કૃપા કરે છે,તે જાણી શકાતું નથી.જે વાત તેમણે,માતા,પિતા,ભાઈ કે પત્નીને પણ કહી નહોતી તે વાત આજે તેમણે અર્જુનને કહી. 

એમ -એક વાત તો ચોક્કસ છે-કે-અર્જુન એ કૃષ્ણનો પરમ મિત્ર અને પરમ ભક્ત છે. અને માત્ર “પ્રેમ” થી જ શ્રીકૃષ્ણના પ્રેમનો  અધિકારી થયો છે.અને શ્રીકૃષ્ણ પ્રેમને વશ (આધીન) થયા છે.
અને માલિક પોતાની “ઠકુરાઈ” ભૂલીને એક સામાન્ય સારથી બની આજે અર્જુનનો રથ હાંકે છે,
વળી તેને જ્ઞાનયોગ ને કર્મયોગનો ઉપદેશ પણ કરે છે.

આ અધ્યાયની શરૂઆતમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે-કે-
આ કર્મયોગ મેં અગાઉ સૂર્યને કહી સંભળાવ્યો હતો,સૂર્યે ,તે મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો.
પરંપરાથી આ યોગ કેટલાક રાજર્ષિઓ (રાજાઓ) જાણતા હતા.પણ પછી તે ભૂલાઈ ગયો.
આજે તે યોગ કોઈને પણ યાદ નથી,કારણકે મનુષ્યો ની રુચિ (રસ) ---
શરીર અને તેના વિષયો (સ્વાદ-વગેરે) માં જ હોવાથી,આ યોગ ભૂલાઈ ગયો છે.

સંગીત ગમે તેટલું સુંદર હોય, દિલને ડોલાવી દે તેવું હોય –પણ તે સંગીત જો –
બહેરાઓ ની સભામાં જઈ ને સંભળાવવામાં આવે-તો તે સંગીત ને કોઈ માન આપશે નહિ.

જે મનુષ્યને “વિચાર એટલે શું?” તેની જ ખબર ન હોય,
શરીર અને વિષયોના આનંદ માં મગ્ન થઇને,
જેને પરમાત્મ તત્વનો વિચાર કરવાની પણ ફુરસદ ન હોય, તે ઉપર બતાવ્યું તેવો,બહેરાની સમાન છે.
તેની આગળ કર્મયોગનું સંગીત ગમે તેટલું સુમધુર હોય,પણ તે સંગીતને કોઈ માન મળશે નહિ,
અને સમયને વહી જવાથી –સમયની સાથે સાથે-તે-કર્મયોગનું- સંગીત ભૂલાઈ જાય છે.

મોહમાં પડેલા અને- જાણે - બહેરા અને આંધળા બની ગયેલા માનવીઓ
આ કર્મયોગ (તત્વબોધ)ને ભૂલી ગયા છે.
પણ આ પુરાતન (જુનો) અને ઉત્તમ રહસ્ય-રૂપ યોગ મેં તને આજે કહી સંભળાવ્યો--.
કારણ કે તું મારો પ્રિય, ભક્ત અને મિત્ર (સખા) છે.(૧-૨-૩)

“સૂર્યને આ યોગ, શ્રીકૃષ્ણે કેવી રીતે કહ્યો હશે ?”
અર્જુનને -આવી શંકા થતાં તે શ્રીકૃષ્ણને પ્રશ્ન કરે છે.-કે-
આપે ભૂતકાળમાં સૂર્યને આ કર્મયોગ કહ્યો હતો,તે વાત મારી સમજમાં આવતી નથી.
સૂર્ય તો ઘણા જુના સમયથી છે. જયારે તમારો જન્મ તો આધુનિક (હમણાંના) જમાનામાં થયો છે.
આપ ખોટું કહો છો-તેમ તો એકદમ કેવી રીતે કહી શકાય ?
પણ આ ના સમજાય તેવી વાત જે આપે કહી,તેના વિષે વધુ સ્પષ્ટતાથી મને કહો.(૪)

શ્રીકૃષ્ણ કહે છે-જે વખતે સૂર્ય હતો,તે વખતે આપણે નહોતા,
એવી જે શંકા તારા મનમાં આવેલી છે, તે સાચી નથી,કારણ કે-
તું જાણતો નથી,કે તારા અને મારા અનેક જન્મો થઇ ગયા છે,
તને કોઈ પણ પાછલા જન્મ યાદ નથી.
પણ જે વેળાએ જે જે અવતારો મેં ધારણ કર્યા હતા તે સઘળા મને યાદ છે.(૫)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત 
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE