ભારતભૂમિ એ કર્મભૂમિ છે. આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.
અભિમાન મૂરખા ઓ ને ત્રાસ આપતું નથી,
પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –અભિમાન પજવે છે.
માન ની પાછળ અભિમાન ઉભું જ છે.
વિષ્ણુસહસ્ત્રનામ માં ભગવાન ને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.
ભરતજી કૈકેયી ને કહે છે- કે મા,મોટાભાઈ સમર્થ છે પણ મને માન આપે છે.
રામજીએ બાળલીલા માં પણ મર્યાદા નો ભંગ કર્યો નથી. રામજી ની બાળલીલા સરળ છે.
મા પાસે પણ કંઈ માગતા નથી,કે મા ને કદી પજવ્યાં નથી.
કન્હૈયા એ વિચાર કર્યો-કે રામાવતાર માં મેં બહુ મર્યાદાનું પાલન કર્યું –એટલે દુઃખી થયો.
હવે કૃષ્ણાવતાર માં મર્યાદાનું પાલન નહીં કરું.કન્હૈયો મા ને પજવે છે.
“મા તું મને છોડીને જઈશ નહિ,તું ઘરકામ છોડી ને મને જ રમાડ્યા કર”
રામ નો અવતાર –મર્યાદા પુરુષોત્તમ નો છે,કૃષ્ણાવતાર એ પુષ્ટિ પુરુષોત્તમ છે. કૃષ્ણ લીલા માં પ્રેમ છે.
કન્હૈયો કહે છે-કે-રામાવતાર માં બહુ મર્યાદાઓ પાળી,સરળ રહ્યો પણ જગતે મારી કદર કરી નહિ,
એક-પત્નીવ્રત પાળ્યું-તો પણ જગતે મારી નિંદા કરી,. આ કૃષ્ણાવતાર માં મેં મર્યાદાઓ ને ખીંટી એ
મૂકી દીધી છે. હું હવે પુષ્ટિ પુરુષોત્તમ છું, જીવ મારી પાસે આવે તો હું તેને અપનાવવા તૈયાર છું.
શ્રીકૃષ્ણ ની બાળલીલા બહુ અટપટી છે,લાલાજી કૃપા કરે તો જ તે સમજાય.
રામજી ને કોઈ ઘેર આવવાનું આમંત્રણ આપે તો તેઓ કહે છે-કે- હું માતાજી ની આજ્ઞા માં છું,
મા કહેશે તો આવીશ.
કન્હૈયો તેવું કહેતો નથી. તે તો વગર આમંત્રણે આવે છે.કનૈયો બધાને ઘેર જતો નથી, જે ઘરનો તે ધણી
હોય –તેના ઘેર જાય છે. જે પોતાનું સર્વસ્વ અર્પણ કરે તેના ઘેર જાય છે.
કૃષ્ણલીલા માં અલૌકિક શુદ્ધ પ્રેમ છે,રામજી ની લીલા માં વિશુદ્ધ મર્યાદા છે.
મર્યાદા વગર પ્રેમ થાય નહિ, તેથી રામજી ની કથા પહેલી કરી છે.
કૃષ્ણ ને તે-જ સમજી શકે જે રામજી ની મર્યાદા સમજી શકે.
રામજી ની બાળલીલા બહુ ઓછી છે.
રામજી સૂર્ય ઉગતાં પહેલાં ઉઠે છે,સ્નાન કરી માતપિતાને વંદન કરે છે,
રામાયણ માં લખ્યું છે-કે-રામજી સૂર્યનારાયણ ને અર્ઘ્ય આપે છે. સંધ્યા કરે છે.
જગતને સઘળું શિક્ષણ આપવા રામ કામ કરે છે-“ હું ઈશ્વર છું,છતાં સૂર્ય ની ઉપાસના કરું છું”
તે પછી-રામચંદ્રજી વશિષ્ઠ ઋષિ ને ત્યાં આશ્રમમાં ભણવા ગયા છે. જેના શ્વાસ માંથી વેદો પ્રગટ થયા છે-
તે પરમાત્મા વેદો ભણવા ગયા છે. પ્રાચીન કાલ માં મર્યાદા હતી કે-મોટા રાજા નો દીકરો હોય પણ કોઈ
ગુરૂ રાજમહેલ માં ભણાવવા આવે નહિ.શિષ્યે ગુરૂ ને ત્યાં ભણવા જવું પડતું.
પ્રાચીન કાળમાં રાજા ના પુત્રો પણ ગુરુકુળ માં રહેતા. વિદ્યા સાથે સંયમ,સદાચારનું શિક્ષણ મળે તો-
વિષય સફળ થાય છે. ઋષિઓ સંયમ અને સદાચારી હતા –એટલે-તે ગુણો શિષ્યો માં પણ આવતા.
સંસાર એ માયામય છે-આ માયામાં આવ્યા પછી-ઈશ્વરને પણ ગુરૂ ની જરૂર પડી છે.
શ્રીરામ એ પરમાત્મા છે-તેમણે માયા નો સ્પર્શ થાય નહિ-છતાં જગતને બતાવવા ગુરૂ ને ત્યાં જાય છે.
ગુરૂ ની સેવા કરી જ્ઞાન સંપાદન કર્યું. સદગુરૂ પાસેથી મેળવેલું જ્ઞાન –વિનય અને વિવેક લાવે છે.