Feb 28, 2020

ભાગવત રહસ્ય-૨૦૩

પરમાત્મા સર્વના હૃદય માં રહી,દીવાની જેમ-માત્ર સાક્ષીરૂપે પ્રકાશ આપે છે.
જીવ પાપ કરે કે પુણ્ય કરે તેની અસર –સાક્ષી પરમાત્માને થતી નથી.
ઈશ્વરને ન કહેવાય-નિષ્ઠુર કે ન –કહેવાય દયાળુ. ઈશ્વરના માટે કોઈ ધર્મ નથી.
ઈશ્વર આનંદરૂપ છે,સર્વવ્યાપક છે.આપણી બુદ્ધિથી પર પરમાત્મા બેઠા છે. 
બુદ્ધિમાં પ્રકાશ ઈશ્વર આપે છે.ઈશ્વરને પ્રકાશ આપનાર કોઈ નથી.ઈશ્વર સ્વયં પ્રકાશ છે. ઈશ્વર સિવાય સર્વ પરપ્રકાશ્ય છે.

આ ઈશ્વરનું એક સ્વરૂપ બતાવ્યું છે-કે જે દીવા જેવું છે.જે આપણને પ્રકાશ આપે છે.
જ્ઞાની પુરુષો તે સ્વ-રૂપનો અનુભવ કરવા,બ્રહ્માકાર વૃત્તિ ધારણ છે,
મન જયારે ઈશ્વરના આકારનું ચિંતન કરે છે,વૃત્તિ જયારે બ્રહ્માકાર-કૃષ્ણાકાર બને.ત્યારે શાંતિ મળે છે.
ઈશ્વર વિના મનોવૃત્તિને જ્યાં રાખો ત્યાં તેને જગ્યા સાંકડી પડે છે. ઈશ્વર સિવાય બધું અલ્પ છે.
તેથી કોઈ પણ વૃત્તિમાં મનોવૃત્તિ શાંત થતી નથી.

લાકડામાં અગ્નિ છે,પણ તેનો સાચો ઉપયોગ કરતાં આવડતું નથી.
લાકડાંના છુપાયેલા અગ્નિમાં બહારનો લૌકિક અગ્નિ મુકો તો ભડકો થશે.
સ્વયં પ્રકાશ પરમાત્મા સર્વના હૃદયમાં રહી માત્ર પ્રકાશ જ આપે છે,બીજું કંઈ કરતા નથી.
પ્રભુ નું સગુણ સ્વરૂપ હૃદયમાં પધરાવો અને તેમાં વૃત્તિ તદાકાર બને –ત્યારે જ શાંતિ મળે છે.

મત્સ્યનારાયણે (માછલાએ) કહ્યું,કે-આજ થી સાત દિવસ પછી પ્રલય થવાનો છે,પ્રલયમાં સર્વનો નાશ થશે. રાજા ,હું તારું કલ્યાણ કરવા આવ્યો છું, રક્ષણ કરવા આવ્યો છું.મારા શિંગડામાં તારી નાવડી બાંધી દેજે.
મનુ મહારાજ (સત્યવ્રત) પરમાત્માનું ધ્યાન કરતા હતા.તેમની વૃત્તિઓ બ્રહ્માકાર થઇ.
અને જયારે પૃથ્વી જળમય થઇ,ત્યારે મત્સ્યનારાયણે તેમનું રક્ષણ કર્યું.

મત્સ્યનારાયણ અવતારનું રહસ્ય એવું છે-કે-
વૃત્તિ ને હંમેશાં બ્રહ્માકાર બનાવો. સત્ય નું પાલન કરો.સત્યનિષ્ઠ જીવ એટલે સત્યવ્રત મનુ.
કૃતમાલાના કિનારે રહો-એટલેકે સત્સંગની પરંપરામાં રહો તો –
સત્યવ્રત-જીવાત્માની વૃત્તિ બ્રહ્માકાર બને છે.અને ત્યારે મત્સ્યનારાયણ તેના હાથમાં આવે છે.
એવા અધિકારી જીવને જ પરમાત્મા મળે છે.

પ્રલયમાં સર્વનો નાશ થાય પણ સત્યનિષ્ઠનો નાશ ભગવાન થવા દે નહિ.
સત્યનિષ્ઠા રાખનાર અને સત્કર્મ કરનાર –પ્રલયમાં પણ મરતો નથી.
પ્રલયમાં સર્વનો નાશ થયો પણ સત્યવ્રતનો થયો નહિ.
કારણકે તેમણે મત્સ્યનારાયણ જોડે સંબંધ જોડ્યો હતો.
શરીર એ નાવડી છે,પરમાત્માના ચરણ એ તેમનું શીંગડું છે.શરીરને પરમાત્માના ચરણમાં બાંધી રાખો.

સમાપ્તિમાં આદિ મત્સ્યનારાયણ ભગવાનને શુદેવજી વારંવાર પ્રણામ કરે છે.
મહાત્માઓ મત્સ્યનારાયણની સ્તુતિ ને ગુરુષ્ટકી કહે છે.
મત્સ્યનારાયણ ભગવાને-વેદને ચોરી જતા હયગ્રીવ દૈત્યનો સંહાર કર્યો.
મનુ મહારાજને મત્સ્યસંહિતાનો ઉપદેશ આપ્યો.
એવા પ્રભુને વંદન કરી આઠમો સ્કંધ સમાપ્ત કરવામાં આવ્યો.

આઠમો સ્કંધ સમાપ્ત.
      PREVIOUS PAGE      
       NEXT PAGE               
    INDEX PAGE