Feb 15, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૧

જગતના સર્વ તત્વમાં,પ્રાણીમાં,મનુષ્યમાં-એક-જ ચૈતન્ય (બ્રહ્મ) રહેલું છે.
આ રહસ્ય સમજીને જ્ઞાની મનુષ્ય સર્વમાં સર્વેશ્વર (ઈશ્વર-પરમાત્મા) જુએ છે.
ત્યારે તેની દૃષ્ટિ એ સમદૃષ્ટિ (સમાન દૃષ્ટિ) થઇ છે-એમ કહી શકાય.
આવો મહાત્મા-એ પોતે જ –બ્રહ્મ (પરમાત્મા) થઇ જાય છે.(શિવોહમ-અદ્વૈત)
એટલે –કે-જેમ બ્રહ્મમાં કોઈ દોષ નથી,તેવી જ રીતે તે કોઈ પણ દોષ વગરનો થઇ જાય છે.તેણે,જન્મ-મરણને જીતી લીધાં છે-તેનાં બધાં બંધનો છૂટી જાય છે -અને-તે મુક્ત રીતે ફરે છે. (૧૯)

આવો મહાત્મા –કે જેની બુદ્ધિ, સ્થિર થયેલી છે-તેને –
પ્રિય વસ્તુની પ્રાપ્તિ થતાં સુખ કે અપ્રિય ની પ્રાપ્તિ થતાં દુઃખ થતું નથી. 
એટલે કે-સુખ-દુઃખમાં પણ તેની  સમ-દૃષ્ટિ –આપોઆપ થઇ જાય છે. (૨૦)

આવા મહાત્માનું –મન બાહ્ય વિષયોના (સ્વાદ-વગેરે) સુખમાં આસક્ત રહેતું નથી, પણ –
તેને આત્મામાં રહેલા સુખની પ્રાપ્તિ (આત્માનંદ) થયેલી હોવાથી, અને
તે પોતે બ્રહ્મ-સ્વ-રૂપ થયેલો હોવાથી-અક્ષય સુખ (પરમાનંદ) મેળવે છે. (૨૧)

પણ-
જે મનુષ્યોએ -આત્મ-સ્વ-રૂપનો અનુભવ લીધો નથી,
તે મનુષ્યો,ઇન્દ્રિયો (મુખ-વગેરે) અને તેના વિષયો (સ્વાદ-વગેરે) થી મળતાં સુખમાં આસક્ત હોય છે.
આ ઇન્દ્રિયોથી મળતું સુખ તેમને –ખુબ જ આકર્ષક,મોટું અને સારું લાગે છે.

જેવી રીતે,
--જો કોઈ ગરીબ માણસ હોય-અને ભૂખથી વ્યાકુળ થયેલો હોય-તો –તેની પાસે  પૈસા ના હોવાથી,
અનાજ તો ના મળે-પણ જો અનાજના ફોતરાં જમીન પર મળે તો-તે અનાજના ફોતરાં -પણ ખાઈ જાય છે.
--તરસથી વ્યાકુળ હરણ,સાચા પાણીને ભૂલીને. –ઝાંઝવાના જળને જ સાચું પાણી માનીને-
તેના તરફ દોટ મૂકે છે.
તેવી જ રીતે-જેણે આત્મ-સુખનો અનુભવ લીધો નથી- તેને વિષય-સુખ સારું લાગે છે.
પણ આ વિષય સુખ તે ક્ષણિક છે-નાશવંત છે. વીજળીના ચમકારા જેવું છે.

જેમ,વીજળીના ચમકારા થી ક્ષણભર પ્રકાશ થાય છે-પણ તેનાથી જગતનો વ્યાપાર ચાલતો નથી.
(રાતના અંધારાને હટાવવા બીજો કોઈ ઉપાય તો કરવો જ પડે છે.)
કે જેમ,મૃગજળ ને “જળ” કહેવામાં આવે છે-પણ તે વાસ્તવિક રીતે જળ નથી.
તેવી જ રીતે વિષયોના ઉપભોગમાં સુખ છે-પણ તેને સુખ કહેવું –કે સમજવું વ્યર્થ છે.

જેમ,જો કોઈને ભોજનમાં લાડુ પ્રિય હોય,અને તેને લાડુ મળે–અને ખાય -તો તેને સુખ થાય છે.
પણ જ્યાં મુખમાંથી લાડુ અંદર (પેટમાં) જતા રહ્યા એટલે સુખ પણ વિદાય થાય છે.
તેમ,અહીં મુખ એ “ઇન્દ્રિય”  છે-તે “ઇન્દ્રિય”નો “વિષય”-તે લાડુનો સ્વાદ છે-
લાડુ મળ્યો (ભોગ)-તો-વિષય-સુખની ઉત્પત્તિ થઇ,અને તે પેટમાં ગયો-તે વિષય-સુખનો નાશ થયો.

જ્ઞાની-મહાત્માઓ –બરોબર –આ ચોક્કસ રીતે સમજે છે-કે-
ઇન્દ્રિયો (મુખ-વગેરે) અને વિષયો (સ્વાદ-વગેરે) ના સંબંધથી થનારા ભોગ (સુખનો અનુભવ)-
તે સર્વ ઉત્પત્તિ અને નાશને આધીન છે-ક્ષણિક છે-
અને એટલે જ આવા વિષય-સુખોને “વિષ” ના જેવા ગણી –દુરથી જ તેનો ત્યાગ કરે છે,
તેના પ્રત્યે નિસ્પૃહ (અનાસક્ત) બને છે.(૨૨)

આવા જ્ઞાની-મહાત્મા અંતરમાં સદા સુખી છે, આત્મ-સ્વ-રૂપમાં સ્થિર થવાથી,
તેમના હૃદયમાં બ્રહ્મનો પ્રકાશ થઇ સર્વ અજ્ઞાન (અંધારા)નો નાશ થાય છે,
તેમનાં સર્વ પાપો નષ્ટ થાય છે.

તેમનું ચિત્ત સ્વાધીન થયેલું હોવાથી,કામ-ક્રોધ વગેરે નું નામોનિશાન રહેતું નથી. અને
જ્યાં સુધી જીવે છે-તે જીવનકાળ દરમિયાન અને જીવનના અંત (મૃત્યુ) પછી પણ-
તે શાંત-બ્રહ્મ-સ્વ-રૂપ જ હોય છે.(મુક્ત)  (૨૪-૨૫-૨૬)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
      NEXT PAGE       
       INDEX PAGE