અનેક નાવડીઓ મંગાવી બધાને ગંગા પાર લઇ ગયા છે.
ગંગાપાર થયા પછી ભરતજી એ કહ્યું –કે-અહીંથી રામજી ચાલતા ગયા છે-એટલે હું હવે રથ માં નહિ બેસું,
હું ચાલતો આવીશ,અહીંથી મારા માલિક ચાલતા ગયા હોય અને હુ રથ માં બેસું તો મને પાપ લાગશે.
વશિષ્ઠજી સમજી ગયા છે, ભરત ને રથમાં બેસવાનો આગ્રહ કરવામાં આવશે તો તેને દુઃખ થશે.
સર્વ ના રથ આગળ કર્યા છે,પાછળ, ભરત.શત્રુઘ્ન અને ગુહક ચાલે છે. ભરત ની દશા દયાજનક છે.
શત્રુઘ્ન ના ખભા પર હાથ મૂકી-હે રામ-હે રામ-કરતાં ચાલે છે,આંખમાંથી આંસુ નીકળે છે.
ભરતજી સીતારામ સીતારામ બોલે છે ત્યારે માર્ગ ના પથ્થર પણ પીગળ્યા છે. ધન્ય છે ભરતને...
પિતાએ રાજ્ય આપ્યું છે પણ લીધું નથી અને રામજી ને મનાવવા જાય છે.
પગ માં જોડા નહિ,માથે છત્રી નહિ.તડકો પુષ્કળ પડ્યો છે,ભરતજી ના કોમળ પગ માં મોટા મોટા ફોલ્લા
પડ્યા છે,છતાં ભરતજી ને તેનું ભાન નથી. ભરતજી ને દેહભાન રહ્યું નથી.રામ માં તન્મય થયા છે.
ત્યાંથી ભરતજી પ્રયાગ આવ્યા છે,ત્રિવેણી સંગમ માં સ્નાન કર્યું છે.
ત્રિવેણી સંગમ માં ગંગા-જમુના નો સંગમ થાય છે. જ્ઞાન અને ભક્તિ નું મધુર મિલન થાય છે.
યમુનાજી શ્યામ અને ગંગાજી ગૌર છે,સરસ્વતી ગુપ્ત છે. પ્રયાગ-એ- તીર્થો નો રાજા છે.
ત્યાંના મુખ્ય માલિક –અધિષ્ઠાતા દેવ માધવરાય છે,ભરદ્વાજ મુનિ નો ત્યાં આશ્રમ છે.
લોકોએ કહ્યું-કે ભરદ્વાજ મુનિના આશ્રમ માં જવું પડશે.
ભરત કહે છે-કે-કૈકેયી,તેં મારું મુખ કાળું કર્યું,સંતો ની પાસે હું કેવી રીતે જાઉં ?
ભરદ્વાજ મુનિ પાસે જવા ની ભરતજી ની હિંમત થતી નથી,સંકોચ થાય છે.
વિચારે છે-કે-ઋષિ પૂછશે તો શું જવાબ આપીશ ?
વશિષ્ઠજીએ સમજાવ્યું કે તીર્થો નો નિયમ છે કે-તીર્થ માં જ્યાં સુધી સંતો નો સત્સંગ ન કરો ત્યાં સુધી યાત્રા ફળતી નથી, એટલે ભરતજી ભરદ્વાજ મુનિ ના આશ્રમ માં આવ્યા છે. દુરથી વંદન કરી ખૂણા માં બેઠા છે.
ભરદ્વાજ મુનિ ભરતજી ને સમજાવે છે-કે-ભરતજી શોક ના કરો,આ તો ઈશ્વરની લીલા છે. આજે ભ્રાતૃપ્રેમ નો
આદર્શ બતાવવા રામજી ને મનાવવા જાઓ તે ઉત્તમ છે,તમે આવ્યા ન હોત અને ગાદી પર બેસી રાજ્ય કર્યું હોત તો પણ ખોટું નહોતું. મને લાગે છે કે રામપ્રેમ નો આદર્શ બતાવવા તમારો જન્મ છે.
ઘણા વર્ષો સુધી અમે તપશ્ચર્યા કરી તેના ફળરૂપે અમને રામજી ના દર્શન થયા. સર્વ સાધન નું ફળ
રામજી ના દર્શન છે, પણ રામજી ના દર્શન નું ફળ –જો કોઈ હોય તો તે ભરતજી ના દર્શન છે.
રામજી ના દર્શન થયા પછી હું વિચારતો હતો કે રામ દર્શન નું ફળ શું મળશે ? હવે મને સમજાયું કે –
રામના દર્શન નું ફળ છે –ભરત-દર્શન.તમારાં દર્શન કરી અમે કૃતાર્થ થયા છીએ.
ભરતજી તમે તો ભાગ્યશાળી છો, રામજી નો તમારાં પર કેવો પ્રેમ છે તે હું જાણું છું.
રામજી અહીં પધારેલા-ત્યારે ત્રિવેણી સંગમ માં સ્નાન કરવાનું હતું,ત્યારે સંકલ્પ કરાવવા હું ગયો હતો.
સંકલ્પ માં આવે છે-કે-ભરત ખંડે—અને જેવો હું ભરતખંડે –એમ બોલ્યો ત્યારે રામજી ની આંખ ભીની થઇ હતી. મેં તેઓને પૂછ્યું –આપને શું થાય છે? ત્યારે રામજી એ જવાબ આપેલો કે-
“મારો ભરત મને યાદ આવે છે,બધા મળ્યા પણ મારો ભરત મને મળ્યો નહિ.”
ભરતજી ની દાસ્ય-ભક્તિ છે.ભરતજી બડભાગી છે,કે તેમને રામજી હંમેશાં યાદ કરે છે.
જીવ ઈશ્વરનું સ્મરણ કરે તે સ્વાભાવિક છે-પણ જયારે ઈશ્વર જીવ નું સ્મરણ કરે તે જીવનું જીવન ધન્ય છે.