Feb 23, 2020

ભાગવત રહસ્ય-૧૯૮

વામનજીએ બલિરાજાને સંકલ્પ મુકાવડાવ્યો.અને સંકલ્પ જેવો પત્યો –કે-
વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે.
ચરણ ધરતી પર અને મસ્તક બ્રહ્મલોક સુધી ગયું છે. શ્રીઅંગથી જગતને વ્યાપી લીધું છે.જગતમાં સર્વ ઠેકાણે વામન ભગવાનનું સ્વરૂપ દેખાય છે.
જગતની બહાર દશ આંગળ રહ્યા છે.

શંકરાચાર્યે અર્થ કર્યો છે-કે-દશ આંગળથી ભગવાન ના માત્ર વંદન જ થઇ શકે છે.વાણીથી તેમનું વર્ણનથઇ શકે નહિ.પરમાત્મા શબ્દથી પર છે.વેદો પણ પરમાત્માનું પ્રતિપાદન કરી શક્યા નથી.એટલે નિષેધાત્મક રૂપે “નેતિ-નેતિ” કહે છે.ભગવાન કૃપા કરી-અજ્ઞાન દૂર કરે છે-ત્યારેજ ભગવાનને જાણી શકાય છે.
પરમાત્માને જે વંદન કરે છે, આંખ બંધ રાખી જે પરમાત્માનું સ્મરણ કરે છે-તેને પરમાત્મા પોતાનું સ્વરૂપ બતાવે છે. વંદન કરો તો પરમાત્મા જેવા હશે તેવા દેખાશે.

વામનજીના વિરાટ સ્વરૂપના એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું.બીજા ચરણમાં બ્રહ્મલોક.
ત્રીજો પગ મુકવાની જગ્યા રહી નથી. તે સમયે દૈત્યો યુદ્ધ કરવા તૈયાર થયા છે.
“અમારા રાજાને છેતર્યો-મારો-મારો.”
બલિરાજા એ કહ્યું-આ સમય પ્રતિકુળ છે-શાંત રહો નહિતર માર પડશે.
વામનજી કહે છે-કે-બલિરાજા,તેં સંકલ્પ ,ત્રણ પગ પૃથ્વીનું દાન કરવાનો કર્યો છે.બોલ ત્રીજું પગલું મારે
ક્યાં મુકવું ? સંકલ્પ પ્રમાણે દાન ન આપે તો મનુષ્ય નરકમાં જાય છે. રાજા તું મને છેતરે છે.

જરા વિચાર કરો- કોણ કોને છેતરે છે ?
દાન લેવા આવ્યા ત્યારે સાત વર્ષના બટુક હતા અને પછી દાન લેવા ટાણે વિરાટ પુરુષ થયા છે.

ગણેશ પુરાણમાં –બલિરાજા એ વામન ભગવાનને પૂછ્યું છે કે-
આપે મારી સાથે આવું કપટ કેમ કર્યું ?મેં કોઈ પાપ કર્યું નથી.
(બલિરાજા નિષ્પાપ છે,તેથી પ્રભુએ તેની સાથે યુદ્ધ કર્યું નથી.)
આપે કપટ કર્યું અને મને પાતાળમાં ધકેલી દીધો.તે શું યોગ્ય છે ?તેનો નિર્ણય આપ જ કરો.

તે વખતે વામનજીએ ઉત્તર આપ્યો છે-તારા હાથે થોડું પાપ થયું છે.યજ્ઞની શરૂઆતમાં ગણપતિનું પૂજન કરવાની આજ્ઞા કરી ત્યારે તેં કહ્યું હતું કે -"હું ગણપતિની પૂજા નહિ કરું-વિષ્ણુનું પૂજન કરીશ”
ગણપતિ પણ વિષ્ણુ છે-તેમ તેં માન્યું નહિ.આ ભેદ દૃષ્ટિ તેં રાખી.
જ્યાં સુધી અનન્યભક્તિ સિદ્ધ થઇ નથી-ત્યાં સુધી અન્ય દેવોમાં પોતાના ઇષ્ટદેવનો અંશ માની 
વંદન કરવાના અને પૂજા કરવાની.અને ઇષ્ટ દેવમાં અનન્ય ભક્તિ રાખવી.માટે તેં શાસ્ત્રની મર્યાદા તોડી છે. 
તેં ગણપતિની પૂજા કરી નહિ.ગણપતિએ મારી પ્રાર્થના કરી.અને મને તારા યજ્ઞમાં વિઘ્ન કરવા કહ્યું-તેથી મેં વિઘ્ન કર્યું.ગણપતિ વિઘ્નહર્તા છે- ને વિઘ્નકર્તા પણ છે.

વામનજી કહે છે-તારા રાજ્યમાં મારા બે પગ સમાયા છે-ત્રીજો પગ ક્યાં મુકું તે મને બતાવ.
બલિરાજા તો વિરાટરૂપ જોઈ ગભરાયા હતા.તે સમયે તેમની પત્ની વિન્ધ્યાવલી પ્રાર્થના કરે છે-
આ સર્વ તમારી ક્રિયાભૂમિ છે.આ શરીર પર પણ મનુષ્યની સત્તા નથી,હક્ક નથી,તો પછી 
સંતતિ –સંપત્તિ પર તો હક્ક ક્યાંથી હોય ?શરીર પણ માટીનું બનેલું છે.
મનુષ્ય સમજે છે-કે આ સંપત્તિ-સંતતિ –શરીર મારું છે-પણ તેનું કાંઇ નથી.સર્વ તમારું છે.
      PREVIOUS PAGE           
       NEXT PAGE               
    INDEX PAGE