Dec 2, 2012

રામાયણ-૪૬

      PREVIOUS PAGE
     NEXT PAGE


હનુમાનજી એ વાનરસેના સહિત દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે. જાંબવાન પાસે હનુમાનજી આવ્યા છે.
ત્યાં સમાચાર મળ્યા કે-સીતાજી અશોકવન માં છે.દરિયો ઓળંગી ને જે જશે તેને જ સીતાજી મળશે.
આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે. બધા વિચારમાં પડી ગયા છે.કોણ દરિયો ઓળંગે?

ત્યારે જાંબવાન ,હનુમાનજી ને તેમની શક્તિ નું ભાન કરાવે છે. (પોતાની શક્તિ ની ઓળખાણ કરાવે છે)
“રામનામ ના અને સંયમ ના બળે દરિયો તો શું સંસાર સગર તરી જવાય છે.”
હનુમાનજી ને આવેશ આવ્યો છે-તમે કહો તો આખી લંકા ને પાણી માં ડૂબાડી દઉં.
જાંબવાન કહે છે-કે ધીરજ થી કામ લેવાનું છે,લંકાને ડૂબાડી દેશો તો સીતાજી પણ ડૂબી જશે.

હનુમાનજી એ રામનું નામ લઇ ને ત્યાંથી ઉડાણ કર્યું છે.રસ્તા માં સુરસા મળી, તેનો નાશ કર્યો છે.

સુરસા એ જીભ છે.એ જીભ જો લૌકિક રસમાં અટવાઈ જાય તો,એ, પ્રભુનામસ્મરણ નો રસ જાણી શકતી નથી. લૌકિક રસ માંથી વિરક્ત થાય તો જ –જીભ પ્રભુનામસ્મરણના રસ ને માણી શકે છે.

હનુમાનજી સાયંકાળે લંકા માં આવ્યા છે,લંકાને ચારે તરફથી નિહાળે છે.લંકા નો વૈભવ અલૌકિક છે.
તે વખતે લંકિની તેમને અટકાવે છે, હનુમાનજી લંકિની ને મારે છે.
લંકિની એ કહ્યું કે-મને બ્રહ્માજી એ કહ્યું હતું કે-જયારે તને કોઈ વાનર મુષ્ટિપ્રહાર કરે ત્યારે માનજે કે રાવણ મરશે.તમે લંકા માં જજો, પણ રામ ને હૃદય માં રાખીને જજો.કારણ રાક્ષસ-રાક્ષસીઓ નો વિહાર જોતાં કદાચ તમારી આંખો માં વિકાર આવશે.

માનવ સમજ માં રહી માનવ થવું સહેલું નથી,એકાંત માં બેસી બ્રહ્મ નું ચિંતન કરવું કદાચ સહેલું હશે.
વિલાસી લોકો વચ્ચે રહી નિર્વિકાર રહેવું અતિ મુશ્કેલ છે.ભલે શરીર થી નહિ પણ આંખ થી પાપ થાય છે.

હનુમાનજી ને કોણ બોધ આપી શકે ?તેઓ તો સકળ વિષય ના આચાર્ય છે.
જેનામાં શક્તિ અને બુદ્ધિ નો સમન્વય છે-એનું નામ જ હનુમાન.

ત્યાંથી ઇન્દ્રજીત ના મહેલ માં આવ્યા,અતિ સુંદર સુલોચના ને જોઈ તેમને થયું કે –કદાચ આ સીતાજી હશે ?
પણ વિચારે છે-કે- ના-ના,આ દિવાલો માંથી રામ-રામ નો ધ્વનિ ક્યાં સંભળાય છે ?

એકનાથજી મહારાજે સુંદરકાંડ નું ખૂબ સરસ વર્ણન કર્યું છે.
હનુમાનજી -એ સાક્ષાત શિવ નું સ્વરૂપ છે. શિવજી એ હનુમાનજી નો અવતાર લીધો,ત્યારે પાર્વતી જી એ પણ અવતાર લેવાની હઠ કરી.શિવજી કહે છે-કે- ના,મારે બ્રહ્મચારી રહેવું છે.
પાર્વતી કહે છે-કે-હું તમારાં વગર રહી શકીશ નહિ.
એટલે શિવજી થયા હનુમાન અને પાર્વતીજી થયાં તેમનું પૂંછડું.

આખી રાત હનુમાનજી એ સૂક્ષ્મ રીતે પરિભ્રમણ કર્યું છે પણ ક્યાંય સીતાજી દેખાતાં નથી.
સવારના સમયે વિભીષણ ના મહેલ માં આવે છે.જાગતાં વેંત વિભીષણ રામનામ નું સ્મરણ અને ઉચ્ચારણ કરે છે. હનુમાનજી ને આશ્ચર્ય થયું-કે રાક્ષસોની દુનિયા માં આ કોણ વૈષ્ણવ હશે ?

હનુમાનજી એ બ્રાહ્મણ નું રૂપ ધારણ કર્યું અને વિભીષણ ના મહેલ માં પ્રવેશ કર્યો.
વિભીષણ પૂછે છે-કે-આપ કોણ છો ?રામ તો નથી ને ?સવારે આપના દર્શન થયા તેથી મારું કલ્યાણ થશે.
હનુમાનજી એ બધી વાત કહી અને પૂછે છે-કે-સીતાજી ક્યાં હશે ?
વિભીષણ –સીતાજી ક્યાં અને કેવી રીતે મળશે તેની માહિતી આપે છે.
અને કહે છે-કે- તમારાં દર્શન થયા એટલે હવે જરૂર મને રામ ના દર્શન થશે.હું તો અધમ છું પણ તમારે લીધે રામ મને અપનાવશે.

      PREVIOUS PAGE
     NEXT PAGE