દશરથ ને વંદન કરી રામજી કૌશલ્યા મા ને વંદન કરવા આવ્યા છે.
કૌશલ્યા એ બધું સાંભળ્યું-પણ ધીરજ ધારણ કરી ને બોલ્યાં-
બેટા ભરત રાજા બને અને તું વનમાં જાય તેમાં કોઈ વાંધો નથી, કૈકેયી ના મનમાં ભલે વિષમતા હોય-
પણ મારા મનમાં કોઈ વિષમતા નથી, મને ચિંતા એક જ છે-કે
તારા વિના તારા પિતાનું શું થશે ?
તારા વિના તારા પિતાનું શું થશે ?
ભરત નું અને અયોધ્યા નું શું થશે ? તારો વિયોગ ભરત થી સહન થશે નહિ.
બેટા, હું તારી સાથે આવું,પણ પતિવ્રતા નો ધર્મ મને ના પડે છે.વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે.
તે જ વખતે સીતાજી ત્યાં આવ્યા છે-સાસુજી ને વંદન કરી ધરતી પર નજર રાખી ને ઉભાં છે.
કૌશલ્યા મા કહે છે-કે-બેટા, તારે વન માં જવું હોય તો જા,પણ મારી સીતા મારી પાસે રહેશે,મારો દીકરો દુઃખી થાય તો વાંધો નહિ પણ મારા ઘરે પારકી દીકરી આવી છે તે કોઈ રીતે દુઃખી ન થવી જોઈએ,
તેનું તો મારે પલકો જેમ આંખ નું રક્ષણ કરે છે-તેમ રક્ષણ કરવાનું છે.તારા પિતાની એવી આજ્ઞા છે.
વળી તે ઘરમાં હશે-તો મને તેનો આધાર રહેશે.
રામજી સીતાજી ને કહે છે-સાસુ-સસરાની સેવા કરવી એ તમારો ધર્મ છે.વનવાસ મારા માટે માગ્યો છે.
સીતા મનમાં વિચારવા લાગ્યા-કે –
પ્રાણનાથ ની સાથે શરીર અને પ્રાણ બંને જશે કે કેવળ એકલા પ્રાણ જશે.
સીતાજી ધીરજ ધારણ કરી બોલ્યાં.”આપે સુંદર ઉપદેશ આપ્યો,પણ સ્ત્રીનો આધાર કેવળ એક તેના પતિ છે.
સ્ત્રીના માટે પતિ પરમાત્મા છે.મારા પતિ વિના સ્વર્ગ પણ નરક સમાન છે,તમે જ્યાં જશે ત્યાં હું આવીશ.
તમે વન માં દુઃખ સહન કરો અને હું રાજમહેલ માં સુખ ભોગવું-તે મારો ધર્મ નથી.મારો ત્યાગ ન કરો.
તમને એવી ખાતરી હોય કે તમારાં વિયોગમાં સીતા ચૌદ વર્ષ જીવશે –તો મને ઘરમાં રહેવા આજ્ઞા આપજો.
વધારે શું કહું ?નાથ તમે તો અંતર્યામી છો.”
રામચંદ્રજી એ વિચાર્યું-કે વધારે આગ્રહ કરીશ તો તે પ્રાણ-ત્યાગ કરશે. એટલે કહ્યું-
દેવી,હું તમને વન માં સાથે લઇ જઈશ.
કૌશલ્યા કહે છે-બેટા,એક ક્ષણ પણ સીતા ને અળગી મુકીશ નહિ,તમારી જોડી ને હું હવે કયારે જોઇશ ?
તે વખતે લક્ષ્મણજી પણ ત્યાં આવ્યા છે,અતિ ગુસ્સા માં છે. બોલે છે-કે-
દશરથ મહારાજ સ્ત્રી ને આધીન છે,તેમના વચન માં વિશ્વાસ રાખવો યોગ્ય નથી,હું રામ નો રાજ્યાભિષેક કરીશ, રાજ્યાભિષેક માં કોઈ વિઘ્ન આવશે તો હું તેને મારી નાખીશ.
રામજી લક્ષ્મણ ને સમજાવે છે-લક્ષ્મણ ,ક્રોધ કરીશ નહિ,આ બધું દેખાય છે-તે મિથ્યા છે,કોણ રાજા અને કોણ પ્રજા ?રાજ્ય નું સુખ તુચ્છ છે,સંસારનું સુખ વીજળીના ચમકારા જેવું ક્ષણિક છે,સત્ય ને માટે પ્રયત્ન કરવો તે જ યોગ્ય છે. તારે સર્વનું રક્ષણ કરવાનું છે,માતપિતાની સેવા કરવા તારે ઘરમાં રહેવાનું છે.
લક્ષ્મણ કહે છે-મારે મન તો તમે જ મારા માતપિતા છો.આપ મારો ત્યાગ કરશો તો હું કોને શરણે જઈશ ?
મારો ત્યાગ ન કરો,હું સીતારામ સિવાય જીવી શકીશ નહિ.હું તમારી સાથે વન માં આવીશ.
તમને એકલા હું વનમાં જવા દઈશ નહિ.
રામજી જાણતા હતા કે લક્ષ્મણ રામસીતા વગર જીવી શકે નહિ.એટલે લક્ષ્મણ ને કહ્યું-કે-
તમે મા સુમિત્રા ની આજ્ઞા લઇ આવો.
લક્ષ્મણજી મા સુમિત્રા પાસે આવ્યા છે.માતાજી ને સંક્ષેપ માં કથા કહી સંભળાવી અને કહે છે-કે-
મા મને રામજી સાથે જવાની આજ્ઞા આપો.
સુમિત્રા કહે છે-કે-બેટા તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકે છે,તારું સુખ રામજી ના ચરણ માં છે.
અનન્ય ભાવે રામસીતાજી ની સેવા કરજે.
ઉર્મિલા (લક્ષ્મણ ના પત્ની) તે વખતે ત્યાં આવ્યા છે,એક શબ્દ મનથી બોલી શક્યાં નહિ,