Feb 8, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૫


“આપણે તો ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યે જવાનું-ફળ આપવું કે ન આપવું તે તેના (ઈશ્વરના) 
હાથમાં છે” આવી વાત રોજ ને રોજ ઘણાં મનુષ્યો પાસેથી સાંભળવા મળતી હોય છે.પણ આવા લોકો સાચું શું છે ? તે સમજ્યા છે,કે નહિ તેની ખબર પડતી નથી.
કોઈ પણ વ્યક્તિ કર્મ કરે એટલે તેનું ફળ મળવાનું જ છે, ભલે તે સારું હોય કે ખરાબ.
પણ જયારે સારું ફળ મળે,ત્યારે મનુષ્ય તે ફળને ભોગવવામાં આસક્ત થઇ જાય છે,

અને પછી,બધી ગીતાના-કર્મની વાતો ભૂલી જાય છે.તેના મનમાં અભિમાન આવી જાય છે-કે –
“મેં કર્મ કર્યું “ અને મને ફળ મળ્યું.જે ફળ ઈશ્વરે આપ્યું-તે ઈશ્વરને  ભૂલી જાય છે,
ગીતામાં જે લખ્યું છે-તેનો સાચો અર્થ ભૂલાઈ જાય છે.

મનુષ્ય ને માત્ર- કર્મ કરવાનો જ અધિકાર છે-તેના ફળ ઉપર મનુષ્યનો અધિકાર નથી.
ફળની આશા (ઈચ્છા) વગર કર્મ કરવાનો –જ-અધિકાર છે-તેમ જે સમજે છે-તે સાચું છે-
પણ જયારે કર્મ કરે એટલે ફળ તો –આપોઆપ આવવાનું જ છે-અને તે વખતે-
ફળ ઉપર અધિકાર  જમાવી બેસવો-અને “મેં કર્મ કર્યું” એમ માનવું તે ખોટું છે.

ધારો કે –કોઈ ગરીબ પણ ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીને કોઈ અ-ભાઈ,ભણવામાં મદદ કરે,
અને તે વિદ્યાર્થી –આગળ જઈ અત્યંત ધનવાન બને-તો-
અ-ભાઈએ જયારે વિદ્યાર્થી ને  મદદ કરી તે વખતે તો-તેમને ફળની કોઈ આશા નહોતી-તે વાત સાચી,
પણ જયારે અ-ભાઈ,એમ માનવા માંડે કે મેં મદદ કરી (મેં કર્મ કર્યું)
ત્યારે તે વિદ્યાર્થી આટલો ધનવાન બન્યો, તે વાત ખોટી.
અ-ભાઈ પોતે કર્મના કર્તા (કર્મના કરનાર ) છે જ નહિ,પણ ઈશ્વર (આત્મા) કર્મના કર્તા છે,
એવું જે માને- તો તે જ વસ્તુ સાચી છે.

જેમ,સૂર્ય,સવારે ઉગે છે અને સાંજે આથમે છે,એટલે તે આપણને ચાલતો જણાય છે,
આખા જગત પર તે,તેના તેજથી તે અડકવાનું કર્મ કરે છે,તેમ છતાં,
તે પોતે કંઈ એમ સમજતો નથી,
કે હું કાર્ય કરું છું, (તે પોતે ઇલેક્ટ્રિક નું બિલ મોકલતો નથી,)
તે તો માત્ર પરમાર્થનું કર્મ (બીજાના ભલાનું કામ) કર્યે જાય છે,ને તેમ છતાં –
પોતે કર્મ કરતો નથી એમ માને છે.અને માત્ર પોતાનું કર્મ કર્યે જાય છે.

જેમ,રેલગાડીમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે બારીમાંથી જોતાં બહારના વૃક્ષો –વગેરે દોડતાં દેખાય છે,
પણ સાચી રીતે તો –તે વૃક્ષો દોડતાં નથી,

તેમ,(ઉપરનાં ઉદાહરણમાં  બતાવ્યા મુજબ) સૂર્યની અને વૃક્ષની અચળતા –
જેને સાચી રીતે સમજાય છે,તે,
પોતે મન અને ઇન્દ્રિયોથી કર્મ કરતો હોવાં છતાં પોતાને કર્મનો અકર્તા (હું કર્મ કરતો નથી)
તેમ માને છે, અને તેને જ માત્ર કર્માંતીતપણું (કર્મ કરતા હોવાં છતાં –કર્મથી અલિપ્ત)
સુંદર રીતે (બરોબર) સમજાયેલું છે.

તે આત્મ સ્વ-રૂપમાં સ્થિર થાય છે, તેને કર્મો કે ફળમાં આસક્તિ રહેતી નથી,
તેને કોઈ જ ઈચ્છા નથી,કે પછી,કોઈ ફળની ઈચ્છા નથી,
તેને સાચે જ કંઈ કરવાનું રહેતું નથી, પણ લોક દૃષ્ટિથી તે તેના કર્તવ્ય કર્મો કરતો હોય છે,
એટલે તે કર્મો કરતો દેખાય છે,પણ ઉપર જેમ સૂર્ય નું ઉદાહરણ બતાવ્યું-તેમ-
સૂર્ય ની જેમ જ તે પોતાનું કર્તવ્ય કર્મ  જ કરતો હોય છે.સૂર્ય જેમ અચળ છે,તેમ તે પણ અચળ છે.

દિવસ અને રાતનું જે કર્મ થાય છે-કે
દિવસ- રાતનું કર્મ થતું જેમ-સૂર્યના ઉગવાથી કે આથમવાથી દેખાય છે,
તે સૂર્યનું કર્મ દેખાય છે,પણ ખરેખર તે સૂર્યનું નથી.

તે જ રીતે, શરીર,મન અને ઇન્દ્રિયો જે વ્યાપાર કર્મ (કર્તવ્ય કર્મ) કરે છે-
એમાં આત્મા નું જે અકર્તાપણું (આત્મા કશું કરતો નથી -તેમ માનવું તે) છે,
એવું જે સમજી જાય છે,તે,
લૌકિક (સામાજિક) રીતે સર્વ કર્મ કરતો હોવાં છતાં કર્મ કરતો નથી.(કર્મમાં અકર્મ)..(૧૮)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત 
     PREVIOUS PAGE    
      NEXT PAGE    
       INDEX PAGE