Jan 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૬

આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે.
નામ પ્રમાણે –જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન મળે છે-કર્મેન્દ્રિયોથી કર્મ થાય છે.
અહીં ઇન્દ્રિયો અને તેના વિષયો સમજવા આપણે –હાલ પૂરતું–જ્ઞાનેન્દ્રિયો –વિષે જાણીએ.
પાંચ જ્ઞાનેન્દ્રિયો માં થી ચાર તો મસ્તક (માથા) માં આવેલી છે. 
અને એક ચામડી આખા શરીર પર છે.

(૧) આંખ-ઇન્દ્રિય--નો વિષય એ જોવાનો છે. (૨) કાન-ઇન્દ્રિય-નો વિષય એ સાંભળવાનો છે.
(૩) જીભ-ઇન્દ્રિય –નો વિષય એ સ્વાદ છે.     (૪) નાક-ઇન્દ્રિય નો વિષય એ સુગંધ-ગંધ-છે.
(૫) ચામડી-ઇન્દ્રિય-વિષય એ સ્પર્શ છે.

કોઈ યોગી પુરુષે- ભલે-યમ-નિયમ કરી “મન” ને મુઠ્ઠીમાં કર્યું હોય-મનને વશ કર્યું હોય-તેને પણ-
ઇન્દ્રિયો –વ્યાકુળ કરી નાખે –તેવો ઇન્દ્રિયોનો પ્રભાવ છે.આ ઇન્દ્રિયો પાસે એવી પ્રબળ શક્તિ છે- કે-
આ ઇન્દ્રિયોને વશ કરવા (નિગ્રહ કરવા ) મથતા પુરુષના “મન” ને –તે-
તેના વિષયો તરફ પરાણે ખેંચી જાય છે. (૫૯-૬૦)

દાખલા તરીકે –ઉપર જોયું તે મુજબ-
આંખ (ઇન્દ્રિય)નો વિષય એ “જોવાનો” છે. કાનનો વિષય એ “સાંભળવાનો” છે-વગેરે-
હવે આ બધી ઇન્દ્રિયો –એકબીજા સાથે “મન” થી જોડાયેલી છે.

કોઈ કહેશે –કે-ઇન્દ્રિયો (આંખ-જીભ વગેરે) ને વશ કરવામાં શું મોટી ધાડ મારવાની છે ?!!
આંખને બંધ કરી દો –એટલે આંખ વશમાં આવી જાય.
મોઢું બંધ કરો એટલે જીભ વશમાં આવી જાય.........વગેરે......

આ ઉદાહરણ માં-બહુ જ સામાન્ય વિચાર કરીએ-તો-
સમજો-કે કોઈ આંખ-અને- જીભ (મોઢું) બંધ કરીને બેસી ગયો છે.....પણ....
કાન ને એ કેવી રીતે બંધ કરી શકવાનો છે ? શ્વાસ ને તે કેવી રીતે બંધ કરી શકવાનો છે?
ચામડી તો આખા શરીર પર આવેલી છે-તેને તે કઈ રીતે બંધ કરી શકે ?

એટલે આવા સમયે કોઈ મોટો ધડાકો-કાન –સાંભળે - તો-આંખ ખુલી કરીને તે જોશે-કે શું થયું ?
કે પછી-ચામડી ઉપર કોઈ જીવ-જંતુ કરડે તો –આંખ ખોલીને જોશે-કે-વીંછી તો કરડ્યો નથી ને ?
કે એવું પણ બને કે નાકને કોઈ મિષ્ટાન્ન ની મીઠી સુગંધ આવે તો-લૂલી (જીભ)માં પાણી આવે –
અને આંખ ખોલે કે –પ્રભુજી એ અહીં મિષ્ટાન્ન ક્યાંથી મોકલ્યાં?

એટલે અહીં –એમ કહેવા માગે છે-કે-
ઉપવાસ વગેરે કરીને ભલે જીભની ઇન્દ્રિયનો નિગ્રહ (વશ) કરે પણ જો –
જીભની ઇન્દ્રિયનો જે વિષય કે-(જે ખોરાક ના જુદા જુદા સ્વાદો છે)-
તે વિષયની –જો ઈચ્છા –(વિષયેચ્છા) તેમની તેમ રહે-તો –
એમ સમજવું કે-તેની બુદ્ધિ -હજુ ઇન્દ્રિયો (જીભ- વગેરે) અને તેના વિષયો (મિષ્ટાન્ન-વગેરે) ને આધીન છે.
અને હજુ તેની ઇન્દ્રિયો –પોતાને (પોતાના આત્માને) સ્વાધીન થઇ નથી.
કે પછી એમ પણ કહી શકાય કે તેની બુદ્ધિ હજુ નિશ્ચળ થઇ નથી.

જેમ ઝેર થોડુંક જ હોય –પણ તે ઝેર જો શરીરમાં પ્રસરી જાય તો મનુષ્યનું મૃત્યુ થાય છે.
તેમ જો થોડીક પણ વિષય (સ્વાદ -વગેરે) ની ઈચ્છા રહી જાય તો-
બધા જ સારા-શુભ વિચારો નો નાશ થાય છે. (૬૧)
વિશ્વામિત્રે અનેક વર્ષોની તપશ્ચર્યા કરેલી પણ મેનકા-અપ્સરાથી ચળી ગયેલા.

અહીં આપણે એક માત્ર ઇન્દ્રિય –જીભ અને તેના વિષય –સ્વાદની વાત કરી .
પણ આ જ રીતે બીજી બધી ઇન્દ્રિયો (જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો) અને તેમના વિષયો વિષે સમજી શકાય.

ઇન્દ્રિયો અને તેના વિષયો –આ શબ્દ એટલી બધી વખત વારંવાર આવે છે-કે –
તેને સાચી રીતે સમજવામાં ગોથાં ખવાઈ જાય છે. બુદ્ધિની કસરત વધુ પડતી થઇ જાય  છે.
એટલે સરળતાથી સમજવા –હાલ પૂરતું-જ્ઞાનેન્દ્રિયોમાંની -
એક-“ઇન્દ્રિય”-એટલે “જીભ” અને તેનો “વિષય” એટલે “સ્વાદ” –
એમ એક માત્ર ઉદાહરણથી જ આગળ સમજવાનો પ્રયત્ન ચાલુ રાખીએ.                                    

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE