Jan 30, 2020

ભાગવત રહસ્ય-૧૭૪

પ્રહલાદ નૃસિંહસ્વામીની સ્તુતિ કરે છે-હે નાથ,તમારાં મંગલમય સદગુણોનું હું શું વર્ણન કરું? બ્રહ્માદિ દેવો પણ તમારી લીલાને જાણી શકતા નથી.હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા કંટકરૂપ હતા,તેથી આપે તેનો વધ કર્યો,તે સારું થયું.આ તમારું ભયંકર સ્વરૂપ જોઈને દેવોને પણ બીક લાગે છે.પરંતુ મને બીક લાગતી નથી. ખરું કહું તો મને આ સંસારની બીક લાગે છે. સંસારને જયારે હું નિહાળું છું ત્યારે મને ગભરામણ થાય છે.

(જગતને બે દૃષ્ટિ –સ્નેહ દૃષ્ટિ અને ઉપેક્ષા દૃષ્ટિ -થી જોઈ શકાય છે.સંસારને સ્નેહ દૃષ્ટિ-આસક્તિથી જોવાથી
મન ચંચળ થાય છે,મન ગભરાય છે, માટે જગતને ઉપેક્ષા દૃષ્ટિથી જોવું જોઈએ)

હે દિનબંધુ,આ અસહ્ય અને ઉગ્ર સંસાર ચક્રમાં પિસાઈ જવાની બીકથી હું કેવળ ભયભીત છું.
મારા કર્મપાશોથી બંધાઈને આ ભયંકર જંતુઓની વચ્ચે મને નાખવામાં આવ્યો છે.હે નાથ,તમે પ્રસન્ન થઈને મને ક્યારે તમારાં તે ચરણ કમળોમાં બોલાવશો? કે જે સર્વ જીવો નું એકમાત્ર શરણ(મોક્ષરૂપ) છે.
આપ જ સર્વના પરમ સાધ્ય છો,સહુનું શરણ છો,અમારા પ્રિય અને સુહ્રદ છો, (ભા-૭-૯-૧૬)

હે ભગવાન,જેને માટે સંસારી લોકો ઉત્સુક રહે છે-તે સ્વર્ગમાં મળવા વાળા –આયુષ્ય,લક્ષ્મી અને ઐશ્વર્ય –
મેં જોઈ લીધા છે.મારા પિતા પાસે કોઈ વસ્તુની ત્રુટી નહોતી,તેમ છતાં તેમનો નાશ થયો.
તે ભોગોના પરિણામ મેં જાણી લીધા છે. માટે તેમાંનું કંઈ પણ હું ઈચ્છતો નથી.
આ સંસાર એક એવો અંધારો કુવો છે-કે-જેમાં કાળરૂપ સર્પ હંમેશા કરડવાને માટે તૈયાર રહે છે.વિષયભોગોની ઈચ્છાવાળા પુરુષો આ કુવામાં પડેલા છે. (ભા-૭-૯-૨૩)

હે વૈકુંઠનાથ,આ બધું હું જાણું છું,પણ મારું મન આપની લીલા કથાઓથી પ્રસન્ન ન થવાને બદલે,કામાતુર જ રહે છે.મારું મન અતિ દુષ્ટ છે.તે-હર્ષ-શોક,ભય,લોક-પરલોક,ધન,પત્ની,પુત્ર વગેરેની ચિંતાઓમાં અને જાત જાતની ઈચ્છાઓથી દૂષિત છે.તે જ્યાં-ત્યાં ભટકતું રહે છે-તેને વશમાં રાખવું કઠિન છે. 
તેથી હું દીન બની ગયો છું.અને આવી સ્થિતિમાં આપના- તત્વનો – વિચાર કેવી રીતે કરું ?
હે નાથ,આ મન ને વશ કરવાની મને શક્તિ આપો અને મારું રક્ષણ કરો.

હે પ્રભો, હું પાંચ વર્ષનો છું-પણ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠું મન –એમ છ ઇન્દ્રિયો જોડે મારું લગ્ન થયું છે.
મારી આ છ પત્નીઓ મને સુખ લેવા દેતી નથી,બહુ નાચ નચાવે છે,મારું વિવેકરૂપી ધન લુંટી મને ખાડામાં ફેંકી દે છે.મારી એવી દશા છે -કે-જાણે કોઈ એક પુરુષને અનેક પત્નીઓ હોય અને તે દરેક તેને પોતપોતાના શયનગૃહમાં લઇ જવાને માટે ચારે તરફથી ઢસડતી હોય.

હે નાથ, આપ કહો છો-કે સંસારનો મોહ ન રાખો અને મારું ભજન કરો.પણ ભજન કરવું કેવી રીતે ?
આપે આ સંસારના સુંદર વિષયોમાં એવું આકર્ષણ રાખ્યું છે-કે મોટા મોટા વિદ્વાનો પણ આમાં ભાન ભૂલે છે.
મન ચંચળ થાય છે,વિવેક રહેતો નથી. અને સંસારનું સુખ અમૃત જેવું લાગે છે.
આપે જગતમાં આવા સુંદર પદાર્થો બનાવ્યા જ શા માટે ? કે જેનાથી ઇન્દ્રિયો લલચાય અને તેમાં ફસાય ?

આપ કહો છો કે-ઇન્દ્રિયોને કાબુ માં રાખો-પણ આ સુંદર પદાર્થો દેખાય છે-એટલે ડહાપણ રહેતું નથી.
આપે આ સંસાર સુંદર બનાવીને ગોટાળો કર્યો છે. તમારી ભૂલ તો ન કહેવાય-પણ ગોટાળો જરૂર થયો છે.
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE