Jan 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૭

મનમાં વિષયો (સ્વાદ-વગેરે) નું જેવું -સ્મરણ થયું –એટલે –(૧) જીભને (ઇન્દ્રિયને)–વિષય (સ્વાદ-વગેરે) ની પ્રાપ્તિ માટે રસ (રાગ-પ્રીતિ) ઉત્પન્ન થાય છે.(૨) મનને થોડો રસ પડ્યો-કે તરત જ –તેને તે વિષય(સ્વાદ-વગરે)ને પામવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે.અને આમ જે પોતાની પાસે નથી તે પામવાની ઈચ્છા-એટલેકે –કામ-ઉત્પન્ન થાય છે.(૩) કામ(ઈચ્છા)ને આડે કોઈ હરકત આવે તો-“ક્રોધ” ઉત્પન્ન થાય છે.(૪)  ક્રોધની સાથે “અવિચાર” રહેલો છે.કે જેનાથી “મૂર્ખતા” ઉત્પન્ન થાય છે.

(૫)  મૂર્ખતાને લીધે-સાચા જ્ઞાનનો (આત્મજ્ઞાનનો-સ્મૃતિનો) નાશ થાય છે.
(૬)  જ્ઞાનનો નાશ –એટલે અજ્ઞાનના આગમનથી બુદ્ધિ નો નાશ થાય છે.
(૭)  બુદ્ધિનો નાશ થવાથી સર્વસ્વનો નાશ થાય છે.(મહા-અનર્થની ઉત્પત્તિ થાય છે) (૬૨-૬૩)

સમજવામાં થોડી અઘરી લાગતી વાતને આપણે ઉદાહરણ થી સમજીએ.
કોઈ ભાઈ ને તીખું ખાવાનો શોખ છે.પણ બહુ તીખું ખાવાને લીધે કે બીજા કોઈ કારણને લીધે તેમને
એસીડીટીનું દર્દ થયું છે –અને ડોક્ટરે તેમને મરચું નહિ ખાવાની ચરી (પરેજી) આપી છે.
એટલે અહીં કહી શકાય કે –ભાઈએ જીભને (ઇન્દ્રિયને) પરાણે પણ વશ કરી છે-અને તીખું (સ્વાદ-વિષય)
ખાવાનું બંધ કર્યું છે. છતાં અહીં તેમને તીખું ખાવા પ્રત્યે રસ (રાગ) ઓછો થયો નથી.

હવે થાય છે-એવું-કે-બહાર કોઈ વરસાદની મસ્ત મૌસમ છે.
એટલે ભાઈને મનમાં “આવી મસ્ત મૌસમ માં મરચાનાં ગરમ ગરમ ભજીયાંનું ”સ્મરણ” થયું “
આવું સ્મરણ થયું –એટલે તેની લૂલીને (જીભને-ઈન્દ્રીયને) મરચાંના ભજિયામાં (સ્વાદમાં-વિષયમાં) રસ પડ્યો. અને તેમાંથી તે ખાવાની “ઈચ્છા” થઇ. પોતાને તો બનાવતા આવડે નહિ-એટલે પત્ની ને કહ્યું.
પત્ની જાણે છે-કે એસીડીટીમાં આ ન ખાઈ શકાય.એટલે તેના સારા માટે તે બનાવવાની ના પડે છે.
એટલે ભાઈને “ક્રોધ” આવે છે.ક્રોધમાં ભૂલી જાય છે-કે –પાછળથી એસીડીટીથી આખી રાત –જાગતા બેસી 
રહેવું પડશે.(જ્ઞાનનો નાશ) અને પત્ની સાથે ઝગડે છે.પત્નીને પણ ક્રોધ આવે છે-
“તેમના સારા માટે ના પાડું છું-પણ..” અને ક્રોધમાં તે મરચાનાં ભજીયા બનાવી આપે છે. 
(અજ્ઞાનથી બુદ્ધિનો નાશ).
ભાઈ આરામથી આરોગે છે-અને રાતે એસીડીટી જોર પકડે છે (અનર્થની ઉત્પત્તિ)

એટલા માટે-જ –મન (બુદ્ધિ) માંથી જો વિષયો (સ્વાદ-વગેરે) દૂર થાય-તો વિષયો (સ્વાદ-વગેરે)
તરફનો રાગ (અને દ્વેષ) આપોઆપ જ નાશ પામે છે.
અને એકવાર જો આ વિષયો (સ્વાદ-વગેરે) તરફનો રાગ (પ્રીતિ) કે દ્વેષ જતો રહે- તો –
તેના પછી જો ઇન્દ્રિયો (જીભ-વગેરે)  જો વિષયોમાં (સ્વાદ-વગેરે)માં પ્રવૃત્ત થાય-તો પણ તે
ઇન્દ્રિયો બાધક થતી નથી.

આવી પરિસ્થિતિનું નિર્માણ ધીરે ધીરે –પણ જરૂર થાય છે.
ધીરે ધીરે જો મનુષ્ય વિષયો (સ્વાદ-વગેરે) પ્રત્યે ઉદાસીન બને –(રાગ-દ્વેષ  દૂર કરે)
અને પોતાનામાં (આત્મ-સ્વરૂપમાં) નિમગ્ન બને (આત્મ-સ્વરૂપને ઓળખી –તેનામાં મગ્ન બને)-
ત્યારે તેના –કામ-ક્રોધ –વગેરે આપોઆપ દૂર થાય છે.

વિષયો (સ્વાદ-વગેરે)માં પણ તેને આત્મ-સ્વરૂપના દર્શન થાય છે.પોતે જ સર્વ-રૂપ બને છે.
અને તેથી તેની બુદ્ધિ સ્થિર (સ્થિતપ્રજ્ઞ) બને છે.

જેવી રીતે આકાશમાંથી સૂર્ય –પોતાના કિરણો રૂપી-હાથથી –
જગતની સર્વ વસ્તુઓનો સ્પર્શ કરે છે-પણ તેમ છતાં તેને –સંસર્ગ-દોષ લાગતો નથી.
એવી જ રીતે-
જેની બુદ્ધિ સ્થિર થઇ છે-જે પૂર્ણ બન્યો છે-જે વિષયો (સ્વાદ-વગેરે) પ્રત્યે ઉદાસીન બન્યો છે-
તેને વિષયો –સ્પર્શ પણ થાય તો-તેને સંસર્ગ-દોષ (બાધ) લાગતો નથી.
અને તે જો વિષયો (સ્વાદ-વગેરે) નું કદાચ-સેવન પણ કરે તો- પણ –તેને માટે હવે-
સુખ-દુઃખ વગેરે રહેતા નથી અને સદાયે તેનું અંતઃકરણ આનંદમાં (પ્રસન્નતા-ખુશમાં) જ રહે છે (૬૪)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE