Feb 4, 2020

ભાગવત રહસ્ય-૧૭૯

હવે મિશ્ર વાસનાનું પ્રકરણ શરુ થાય છે. 
૧૧ અધ્યાયથી ૧૫ અધ્યાય સુધી મિશ્ર વાસનાનું વર્ણન છે.
--મનુષ્યની મિશ્ર વાસના છે.-હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ –તે મિશ્ર વાસના.--સંત ની સદવાસના છે-જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું-તે સદવાસના.--રાક્ષસોની અસદવાસના છે-કોઈ કારણ વગર બીજાને દુઃખ-ત્રાસ આપવો-તે અસદવાસના.

પ્રહલાદ ચરિત્ર સંભાળ્યા પછી ધર્મરાજા નારદજીને પ્રશ્ન કરે છે- મનુષ્યનો ધર્મ સમજાવો.
૧૧ થી ૧૫ અધ્યાયમાં ધર્મની કથા છે.મનુષ્યનો સાચો મિત્ર ધર્મ છે. 
કોઈ પણ સાથ ન આપે ત્યારે ધર્મ સાથ આપે છે. સર્વ સુખનું સાધન ધન નથી પણ ધર્મ છે.
માનવ સૃષ્ટિ નું સંચાલન કરવા ભગવાને જે કાયદા બનાવ્યા છે-તે ધર્મ છે.
ભાગવતમાં સાધારણ ધર્મ અને વિશિષ્ઠ ધર્મનું વર્ણન છે.
ધર્મની કથાની શરૂઆત સત્યથી કરી છે અને સમાપ્તિ કરી છે આત્મસમર્પણથી.

નારદજી કહે છે-કે-આ ધર્મની કથા મોટી છે. મેં નારાયણના મુખેથી આ કથા સાંભળી છે-તે તમે સાંભળો.
--સત્ય-એ ઈશ્વરનું સ્વરૂપ છે.સત્ય એ સાધન છે. સત્યમાં દૃઢ શ્રધ્ધા રાખો.યથાર્થનું નામ સત્ય છે.
-- દયા-સર્વમાં દયાભાવ રાખવો-બને ત્યાં સુધી બીજાના ઉપયોગમાં આવો. દયા પણ વિવેકથી કરો.
   (કેટલીક વધુ પડતી દયા,ઘણી વખત - ઈશ્વરભજનમાં વિક્ષેપ પણ કરે છે.)
-- પવિત્રતા- શરીરની સાથે સાથે –મનશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ જરૂરી છે.


--તપશ્ચર્યા-વાણી,વર્તન અને વિચારને શુદ્ધ રાખવા તે તપશ્ચર્યા છે.
-- તિતિક્ષા-સહનશક્તિનું નામ તિતિક્ષા છે.ભગવદકૃપાથી જે સુખ-દુઃખ આવે તેને સહન કરવા–તે તિતિક્ષા.
-- અહિંસા- કાયા ,વાણી અને મનથી કોઈને દુભાવવું નહિ તે અહિંસા.
-- બ્રહ્મચર્ય-કાયા,મન અને આંખથી બ્રહ્મચર્યથી મન સ્થિર થાય છે.
-- ત્યાગ-કંઈક પણ ત્યાગ -તે ધર્મ છે.

-- સ્વાધ્યાય-સદગ્રંથનું ચિંતન –મનન એ સ્વાધ્યાય છે.
-- આર્જવં-સ્વભાવને સરળ રાખવો તે આર્જવં.
-- સંતોષ- પ્રભુએ જે આપ્યું છે-તેમાં સંતોષ.
-- સમદ્રષ્ટિ-સર્વમાં સમદ્રષ્ટિ રાખવી.ક્રિયામાં કદાચ વિષમતા થાય પણ ભાવમાં વિષમતા નહિ કરવી.
-- મૌન-વ્યર્થ કંઈ પણ નહિ બોલવું, મનથી પણ નહિ બોલવું તે મૌન.


-- આત્મ ચિંતન- રોજ “હું કોણ છું ?” તેનો વિચાર કરવો એ સર્વનો ધર્મ છે. હું શરીર નથી –પણ હું પરમાત્મા નો અંશ છું.જન્મ પહેલાં કોઈ સગાં નહોતાં.અને મર્યા પછી કોઈ સગાં રહેવાનાં નથી.આ વચલા કાળમાં સગાં આવ્યાં ક્યાંથી ? આત્મસ્વરૂપને જે ઓળખે છે-તેને આનંદ મળે છે.

મનુષ્યને આ જગત નથી એનો ઘણી વખત અનુભવ થાય છે-પણ- હું નથી-તેનો અનુભવ થતો નથી.
શરીરથી અલગ થઇ જાવ. દૃશ્યમાંથી (સંસાર-શરીરમાંથી) દૃષ્ટિ હટાવી,દ્રષ્ટા (પરમાત્મા –આત્મા) પર મનનેસ્થિર કરશો તો સાચો આનંદ-પરમાનંદ મળશે.
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE