Jan 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૨

જેમ કમળનું પાન,રાત-દિવસ પાણીમાં રહે છે,પણ પાણી થી ભીંજાતું નથી.તે જ રીતે સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત રહેતો મનુષ્ય,બીજા મનુષ્યોના જેવો જ ભાસે છે.
ભલે બહારથી તે લોકાચાર પ્રમાણે વર્તે - પણ તેનું અંતર નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ હોય છે.જેમ,જો પાણીની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય તો –પાણીના સંગથી સૂર્ય પાણીમાં હોય તેમ લાગે છે.પણ સાચી રીતે સૂર્ય પાણી  નથી.તેમ,ઉપરથી જોતાં તે મનુષ્ય સાધારણ લાગે છે-પરંતુ તેની “આત્મસ્થિતિ” ઓળખી શકાતી નથી.

જે શ્રેષ્ઠ પુરુષ (ઈચ્છા વગરનો મુક્ત પુરુષ)   છે-તે –
--અંદરથી નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ રહે છે.પણ બહારથી તે સામાન્ય માણસ જેવું જ વર્તન રાખે છે.
--ઈન્દ્રિયોને (જીભ -વગેરેને) આજ્ઞા કરતો નથી,કે વિષયો નો (સ્વાદ-વગેરેનો) ભય રાખતો નથી.
   અને જે જે પ્રસંગે જે જે કર્મો સામે આવે (ઉપસ્થિત થાય) તેનો ત્યાગ કરતો નથી.
   (એટલે કે ઇન્દ્રિયો (જીભ-વગેરે)ને કર્મ કરતાં રોકતો નથી, અને તેના વિકારોને વશ પણ થતો નથી.
--વાસનાથી વ્યાકુળ થતો નથી,જેથી તેના મનને “મોહ”ની બાધા અસર કરી શકતી નથી.
--કમળના પાનની જેમ તે સંસારમાં અલિપ્ત-અનાસક્ત- નિસ્પૃહ રહે છે.

આવો મનુષ્ય જ યોગી છે,અને તે જ જગતમાં સ્તુતિપાત્ર છે.
માટે હે,અર્જુન, તું પણ એવો જ થા,તારા મનનું નિયમન કર,અને અંતરમાં સ્થિર થા,(પછી)
ભલેને ઇન્દ્રિયો તેમના પોતાના વ્યાપારો કરતી રહે. (૭)

આ સંસારમાં આમ જો કર્મ કર્યા વગરના થઈને રહેવું તે જો અસંભવિત જ હોય તો-અને
શરીરના નિર્વાહ માટે પણ જો કર્મ કરવાં જ પડતાં હોય તો.પછી, શાસ્ત્ર વિરુદ્ધ શા માટે વર્તવું ?
માટે જે કર્મો યોગ્ય હોય અને સમયને અનુસાર પ્રાપ્ત થયાં હોય,તે તે કર્મ તું, નિષ્કામબુદ્ધિથી કર.
મનુષ્યે પોતાના અધિકાર પ્રમાણે સ્વધર્મ-આચરણ (કર્મો) કરવાં જોઈએ.(૮)

(૧) --“હું –કર્મ કરું છું” એવું કર્તાપણાના અભિમાનથી કર્મ કરવામાં આવે -
(૨) --આ કરેલા કર્મનું ફળ જો ઈશ્વરને અર્પણ કરવાનો ભાવ (બુદ્ધિ) ન રાખવામાં આવે -
(૩) --ફળ ઉપર પોતાનો જ અધિકાર છે-તેવો ભાવ (બુદ્ધિ) રાખવામાં આવે -
(૪) --“મને ફળ મળવું જ જોઈએ “ એવી ઈચ્છાવાળી બુદ્ધિ થી કર્મ કરવામાં આવે-
(૫) --અને જયારે સ્વ-ધર્મ (પોતાનો ધર્મ) નો ત્યાગ કરીને –દુષ્કર્મો (ખરાબ કર્મો) કરવામાં આવે-
       ત્યારે જ તે કર્મો બંધનરૂપ થાય છે.

પણ,પોતાના ધર્મ (સ્વ-ધર્મ) પ્રમાણે નિત્ય આચરણ કરવું –તે નિત્ય યજ્ઞના સમાન છે.

બ્રહ્માજીએ જયારે સૃષ્ટિ નિર્માણ કરી, તે વખતે-
તેમણે સર્વ જીવો અને તેમને આચરવાના ધર્મો –એ સાથો સાથ જ ઉત્પન્ન કર્યા.
પરંતુ આ ધર્મો સમજવામાં અઘરા હોવાંથી મનુષ્યો તેને સમજી શક્યા નહિ.
આથી તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે- હે,દેવ,અમારે સંસારમાંથી તરવાનો ઉપાય શો ?
ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે-તમે સ્વ-ધર્મ રૂપી યજ્ઞથી ધર્માચરણ કરો. 
એટલે એ સ્વ-ધર્મ રૂપી યજ્ઞ તમારાં સર્વ મનોરથો પૂર્ણ કરશે.(૯-૧૦)

આ સ્વ-ધર્મના આચરણથી સર્વ દેવતા સંતુષ્ટ થશે અને તેઓ તમને ઈચ્છિત ફળ આપશે.
અને આ પ્રમાણે સ્વધર્માચરણ-રૂપી-પૂજાથી તમે સર્વ દેવ ગણનું પૂજન કરશો –એટલે-
તેઓ પ્રસન્ન થઇ -તમને અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ કરી આપશે.
અને પ્રાપ્ય વસ્તુનું સંરક્ષણ પણ તેઓ પોતે જ કરશે.

દેવતાઓએ આપેલા ભોગો –તેમને-જ પાછા અર્પણ કરી,આ સ્વ-ધર્મ રૂપી યજ્ઞનો બાકી રહેલો
પ્રસાદ –જેઓ ગ્રહણ કરે છે-તે શ્રેષ્ઠ પુરુષો,સર્વ પાપો માંથી મુક્ત થાય છે.

જેમ માછલાંને પાણી ની બહાર કાઢતાંની સાથે જ તેમણે મૃત્યુ ની પ્રાપ્તિ થાય છે-
તેવી જ રીતે સ્વ-ધર્મ છોડવાથી મનુષ્યની  સ્થિતિ પણ તેવી જ થાય છે.
માટે જ કહે છે-કે “તમારે સર્વે એ પોતપોતાના ધર્મ પ્રમાણેનાં કર્મો કરવા સદા તૈયાર રહેવું જોઈએ”
(૧૧-૧૨-૧૩)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)

     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE