Oct 6, 2020

ભાગવત રહસ્ય -૪૧૦

મહાત્માઓ કહે છે કે-ઈશ્વરનાં દર્શન થયા પછી પણ જપ વગેરે જે કંઈ સાધન કર્યું હોય 
તે છોડશો નહિ,સાધન છોડે તેને માયા ત્રાસ આપે છે.
ભક્તિમાં દૈન્ય-ભાવ જરૂરી છે,સર્વ સાધન (જપ-વગેરે) કરે પણ સાધનનું કે 
“સાધ્ય” (ઈશ્વર) મળી ગયા છે,તેનું અભિમાન નથી તે દૈન્ય-ભાવ.
ચમત્કાર પછી તો સહુ નમસ્કાર કરે પણ ચમત્કાર વગર નમસ્કાર કરે એમાં સૌજન્યતા છે.
એ જ ભક્તિ છે.ભક્તિમાં પહેલાં શ્રદ્ધા રાખવાથી અનુભવ થાય છે અને પછી તે
અનુભવનું જ્ઞાન મળવાથી ભક્તિ દૃઢ થાય છે.

પરમાત્માનું મિલન થયા પછી પણ ઘણીવાર કોઈ પૂર્વ પ્રારબ્ધના કારણે અભિમાન આવે છે.
રાસલીલા રમતાં ગોપીઓને પલભર અભિમાન થયું છે.
ગોપીઓ તો બોલી છે કે અમે સર્વ વિષયો છોડીને આવ્યાં છીએ.તો અભિમાન ક્યાંથી આવ્યું ?
અભિમાન બહાર નહોતું,અંદર હતું.વિકારો સૂક્ષ્મ રીતે મનમાં રહેલા હોય છે.
મનુષ્યનો શત્રુ બહાર નથી,અંદર જ બેઠેલો છે.

ગોપીઓને અભિમાન આવ્યું કે કૃષ્ણ ભગવાને તેઓને માન આપ્યું,અને તેઓને અપનાવી.
ગોપીઓને એવું લાગ્યું કે ભગવાન તો ઉપર ઉપરથી ના પાડતા હતા બાકી અમારા સ્વરૂપમાં આસક્ત છે,
અમારા જેવી જગતમાં કોઈ નથી.ગોપીઓમાં આવો લૌકિક ભાવ જાગ્યો,અભિમાન થયું ,એટલે
ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા છે.અભિમાન દૂર કરવા ભગવાન અદ્રશ્ય થાય છે.

ભગવાન તો સર્વવ્યાપક છે,સર્વત્ર છે –તો તે અંતર્ધાન થઇ શકે નહિ.
પણ અહીં અંતર્ધાનનો અર્થ એટલો જ છે કે-અભિમાન-રૂપી-પડદો આંખ પર આવ્યો એટલે તે દેખાતા નથી.

ગોપીઓની નજર શ્રીકૃષ્ણ પરથી હટીને જગત પર નથી ગઈ પણ પોતાના પર (સ્વ-રૂપમાં) ગઈ છે.
જ્ઞાનમાર્ગમાં આત્મ-સ્વરૂપમાં દ્રષ્ટિ રાખવી તે ખોટી નથી પણ ભક્તિમાર્ગમાં તે બાધક છે.
ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યે “મધુર ભાવ” છે.અને
“મધુર ભાવ” માં શ્રીકૃષ્ણ સિવાય બીજે ક્યાંય દૃષ્ટિ જાય તે અપરાધ છે.
“વાત્સલ્યભાવ” માં એવું નથી,યશોદાજીની દૃષ્ટિ લાલા ઉપરથી દૂધ પર ગઈ તે ખોટું નથી.
“સખ્યભાવ” માં બાળકોની નજર લાલા પરથી વાછરડાં પર ગઈ તે પણ બહુ ખોટું નથી.

એક સંત મહાત્માએ કહ્યું છે કે-
ગોપીમાં અભિમાન હોય નહિ,અભિમાન હોય તો શ્રીકૃષ્ણ તેમને મળે નહિ.
પણ હવેની આ લીલા આપણા માટે,આપણને બોધ આપવા માટે છે.
ગોપીને અભિમાન થાય નહિ પણ ગોપીમાં અભિમાન પ્રભુએ ઉત્પન્ન કર્યું છે.
આ અભિમાન ભગવદ-ઈચ્છાથી પ્રગટ થયું છે.હવે ભગવાન વિયોગની લીલા કરવાના છે.

વ્રજવાસીઓ એવો ભાવ બતાવે છે કે-
ભગવાને તે સમયે પીતાંબરથી ગોપીઓની જેમ જ લાજ કાઢીને મુખ છુપાવ્યું છે.
એટલે ગોપીઓ એમ માને છે-કે-આ તો અમારામાંથી જ એક છે.
પરમાત્મા તો વ્યાપક છે.પણ ગોપીઓ શ્રીકૃષ્ણને બહાર શોધે છે.
વૃક્ષોને,વેલીઓ ને પૂછે છે પણ અંદર હૃદયમાં શોધતી નથી.
ભગવાન તો હૃદયમાં અંદર જ છે પણ અજ્ઞાન ને લીધે,(અહમ ના પડદાને લીધે) એ સુઝતું નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE