Dec 20, 2019

ભાગવત રહસ્ય-૧૪૫

જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો.અને પછી ભવાટવીનું વર્ણન કર્યું.જ્ઞાન અને ભક્તિને દૃઢ કરવા વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્યનો ઉપદેશ આપવા ભવાટવીનું વર્ણન કર્યું છે.એક એક ઈન્દ્રીય આત્માનું વિવેકરૂપી ધન લુટે છે, છ ગઠિયાઓ સમજાવે છે-કે સંસાર બહુ મીઠો છે.ભવાટવીના રસ્તે તેને હંસોનું ટોળું મળે છે.(હંસોનું ટોળું એ પરમહંસોનું ટોળું છે) પણ હંસોના ટોળામાં તેને ગમતું નથી. હંસોના ટોળાને છોડી તે વાનરના ટોળા માં આવે છે. તે ટોળામાં તેને ગમે છે.વાનરો જેવું સ્વેચ્છાચારી જીવન તેને ગમે છે.

સંસારનું સુખ તુચ્છ છે-એવી જેને ખાતરી થઇ ગઈ છે-એવા કોઈ સદગુરુ મળે તો ભવાટવીમાંથી બહાર કાઢે.
ટૂંકમાં-આ સંસારમાર્ગ દારુણ,દુર્ગમ અને ભયંકર છે.વિષયોમાં –મનને આસક્ત કર્યા વગર શ્રી હરિની સેવાથી તીક્ષ્ણ બનેલી-જ્ઞાનરૂપ તલવાર લઇ –આ સંસારમાર્ગ ને પાર કરવાનો છે.
ભરતજીએ પહેલાં શિક્ષા અને પછી દીક્ષા આપેલી છે.

પ્રભુનું ધ્યાન કરતાં –જડભરતજી શરીરનો ત્યાગ કરે છે-તેમને મુક્તિ મળી છે.તે પછી ભરતવંશી રાજાઓનું વર્ણન આવે છે-અને ત્યાર બાદ ભારતવર્ષના ઉપાસ્ય દેવો-અને ઉપાસ્ય ભક્તો નું વર્ણન છે.

માનવ શરીરની નિંદા ભાગવતમાં ઠેર ઠેર છે-પણ માનવ શરીરની સ્તુતિ એકલા પાંચમા સ્કંધમાં જ છે.-અને તે પણ દેવોએ કરેલી છે.માનવ શરીર મુકુન્દની સેવા કરવા માટે છે,માનવ ધારે તો –નરનો નારાયણ થઇ શકે છે.
દેવો ભારતવર્ષમાં જન્મેલા મનુષ્યોનો આ પ્રમાણે મહિમા ગાય છે-
“અહો-ભારતવર્ષના મનુષ્યોએ શું પુણ્ય કર્યા હશે?(અથવા શ્રી હરિ તેઓના પર શું પ્રસન્ન થયા હશે)
કે-ભારતવર્ષમાં ભગવાનની સેવા ને યોગ્ય જન્મ પ્રાપ્ત કરી, તે ભગવાનની સેવા કરી શકે છે.
આ મનુષ્ય જન્મ શ્રી હરિની સેવા માટે ઉપયોગી હોઈ,અમે પણ તેની(મનુષ્ય શરીરની) ઝંખના કરીએ છીએ.
એ સૌભાગ્ય માટે તો અમે પણ હંમેશ ઈચ્છાવાળા રહીએ છીએ.” (ભાગવત-૫-૧૯-૨૧)

તે પછી ભૂગોળનું વર્ણન છે-પૃથ્વીના સાત ખંડોનું વર્ણન છે.સપ્તદ્વીપ અને સાત સમુદ્રનું વર્ણન કર્યું છે.
ભરતખંડના માલિકદેવ નરનારાયણ છે. ભરતખંડ કર્મભૂમિ છે-યોગભૂમિ છે.બીજા ખંડો ભોગ ભૂમિ છે.
ભરતખંડમાં દેવો ને પણ જન્મ લેવાની ઈચ્છા થાય છે.

ગ્રહોની સ્થિતિ –ગતિનું વર્ણન કર્યું છે. સપ્ત પાતાળનું પણ વર્ણન છે. સહુથી નીચે શેષનારાયણ છે.
નરકલોકનું વર્ણન છે. જેટલાં પાપ એટલાં નરક છે.કયા પાપથી કયા નરકલોકમાં જીવ પડે છે-તેનું પણ વિગતવાર વર્ણન છે.આ પ્રમાણે સેંકડો અને હજારો નરકોનું વર્ણન કરી પાંચમો સ્કંધ પુરો કર્યો છે.

પાંચમો સ્કંધ સમાપ્ત.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE