Oct 31, 2020

ભાગવત રહસ્ય -૪૩૨

તેની ભક્તિ સાચી, કે જેને ભગવાન યાદ કરે.દુઃખી જીવ આનંદ મેળવવા પ્રભુનું સ્મરણ કરે,તો તેમાં કોઈ આશ્ચર્ય નથી.પણ આનંદ-રૂપ પરમાત્મા કોઈ જીવનું સ્મરણ કરે ત્યારે તે જીવ કૃતાર્થ થાય છે.તે જીવ ધન્ય છે.
રામાયણમાં ચિત્રકૂટમાં બેઠેલા રામજી,ભરતજીને યાદ કરે છે,તેમ આજે શ્રીકૃષ્ણ યશોદા ને યાદ કરે છે.ભક્તિ એવી હોવી જોઈએ કે પરમાત્મા ને તે ભક્ત વગર ચેન ના પડે.

યશોદાજીનો પ્રેમ પણ એવો જ હતો,કે જે દિવસથી કનૈયો ગોકુલ છોડીને ગયો છે,તે દિવસથી ખાધું નથી.
તે દિવસે તો ગાયોએ પણ અપવાસ કર્યો છે,ખડ ખાતી નથી, પાણી પીતી નથી અને મથુરાના માર્ગ તરફ
જોઈ જોઈ ને ભાંભરે છે.”અમારો ગોપાલ ગયો છે”

બીજા દિવસે બપોરે ગોપબાળકો કહે છે કે-લાલા તું અમને મથુરા નગરી નહિ બતાવે ?
શ્રીકૃષ્ણ કહે છે કે આપણે સાંજે મથુરા નગરી જોવા જઈશું.તે વખતે નંદબાબાએ કહ્યું કે –
અહીં તો કંસ રાજાની જય બોલાય છે,આ તો મોટું શહેર છે,શહેરમાં તોફાન કરવું નહિ.
અને અંધારું થતા પહેલાં પરત આવી જજો.

સાંજના સમયે બલરામ-કૃષ્ણ અને ગોપબાળકોએ મથુરા નગરીમાં પ્રવેશ કર્યો છે.
રોજની આદત પ્રમાણે,બાળકો કનૈયાની જય બોલાવે છે.”કનૈયા લાલકી જય”
મથુરાની સ્ત્રીઓ ને કાને આ શબ્દ પડ્યો,તેઓ દોડતી શ્રીકૃષ્ણના દર્શન કરવા આવી છે.
શુકદેવજી મહારાજ આ દૃશ્યના પ્રત્યક્ષ દર્શન કરે છે અને વર્ણન કરે છે.
જે લીલા થઇ રહી હોય તે લીલા પ્રત્યક્ષ થઇ રહી છે,
એવી ભાવના શ્રોતા અને વક્તા બંને કરે તો કથામાં અતિ-આનંદ આવે છે.

મથુરાની સ્ત્રીઓ શ્રીકૃષ્ણ દર્શન કરતાં અનેક વાતો કરે છે.
મથુરાના રાજમાર્ગે આગળ ચાલતાં કંસ રાજાનો માંનીતો ધોબી મળ્યો.તે કંસના નવા કિંમતી કપડાં લઇને 
જતો હતો. આ એ જ ધોબી છે જેને રામાવતારમાં રામજીની નિંદા કરી હતી.
ધોબી અક્કડ ચાલતો હતો. ધોબી પાસે શ્રીકૃષ્ણે કપડાં માગ્યાં.મને અને મારા મિત્રોને કપડાં આપો.
ધોબી અક્કડમાં બોલવા લાગ્યો કે-હું કંસ રાજાનો ધોબી છું અને આ કપડાં કંસ રાજાના છે. આ કંઈ
તમારું ગોકુળિયું ગામડું નથી,તમે શું તમારા બાપદાદાએ પણ આવાં કપડાં કદી શું જોયાં હતાં?
લો,બોલ્યા કે કપડાં આપો,વધારે બોલશો તો કંસના સિપાઈઓને બોલાવીશ,તેઓ તમને પકડીને લઇ જશે.
ગામડાના ગમારો,જીવવાની ઈચ્છા હોય તો અહીંથી ચાલતી પકડો.

બળદેવજીથી આ સહન થયું નહિ,”કનૈયા,આને મરણકાળનો સન્નિપાત થયો છે,તું એને માર”
મોટાભાઈનો હુકમ થયો એટલે કનૈયાએ ધોબીના મુખ પર લપડાક મારી,ને ધોબીનું મસ્તક પડી ગયું અને
રામ-શરણ થયો.ધોબીની આવી દશા જોઈને તેના ગુમાસ્તાઓ ગભરાયા અને કપડાંના પોટલાં ત્યાં જ છોડીને નાસી ગયા. કનૈયો હવે મિત્રોને કહે છે-કે આ બધાં મારાં  જ કપડાં છે, તમે પોટલાં છોડો અને
કપડા પહેરો. ત્યારે એક મિત્રે કહ્યું કે-કનૈયા.તને ચોરી કરવાની ટેવ પડી છે તે હજુ ગઈ નહિ.

શ્રીકૃષ્ણ કહે છે કે-હું ચોરી કરતો નથી,હું તો આ બધાનો માલિક છું,આ બધું જગતમાં મે આપેલું છે,
એટલે તે મારું જ છે. તેમ છતાં ગોપબાળકો ને પોટલાં છોડવાની હિંમત થતી નથી.
એટલે કનૈયાએ જાતે પોટલાં છોડીને ગોપમિત્રોને કપડાં આપે છે.
કનૈયો જેને જે કપડું આપે તે તેને બંધબેસતું જ આવી જાય છે. કનૈયાના મિત્રો ખુશ થયા છે.
કૃષ્ણની પ્રતિજ્ઞા હતી કે –મારાં મિત્રોને સારાં કપડાં પહેરાવીશ અને પછી હું પહેરીશ.
શ્રીકૃષ્ણનો પ્રેમ અલૌકિક છે,મિત્રો સાથે ગોપ-બાળક થઇને રમ્યા,ત્યારે ભૂલી ગયા કે હું ઈશ્વર છું.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE