Oct 14, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧-અધ્યાય-1-Gita Rahasya-Gnaneshvari-1-Adhyaya-1

સંત જ્ઞાનેશ્વર
જ્ઞાનેશ્વર, પ્રથમ ગણપતિની અને પછી સરસ્વતી દેવીની સ્તુતિ અને વંદન કરે છે.
ત્યાર બાદ ગુરુ (નિવૃત્તિનાથ)ને વંદન કરી,અને ગીતાની શરૂઆત કરે છે.
અધ્યાય -૧ માં ગીતા  પ્રસ્તાવના છે.
ગીતા,મહાભારતના “ભીષ્મ પર્વ “ નામના પ્રકરણમાંથી લેવામાં આવેલી છે.
મહાભારતની કથા લખતા વ્યાસજી –તેમનું વેદોનું તત્વજ્ઞાન લખ્યા વગર રહી શક્યા નથી.
એટલે જ “ભીષ્મ પર્વ” નામના પ્રકરણમાં તેમણે –વેદોના સાર-રૂપે “ગીતા” લખી છે.

એક લીટર દૂધ પીવાનું કોઈને કદાચ પચે નહિ,પણ તે જ દૂધમાંથી એક ચમચો માખણ બને
તો તે એક લીટર દૂધ જેવું જ કામ કરે છે. અને તે માખણ કોઈને પણ પચે છે.
તેમ,વ્યાસજીએ “વેદો”ને પોતાની “બુદ્ધિ” ના વલોણાથી ખૂબ વલોવ્યા અને તેના પરિણામ રૂપે
જે માખણ બન્યું-તે “ગીતા”  છે.આ ગીતાને તેમણે મહાભારતની કથામાં વચ્ચે ગોઠવી દીધી.
અને ભગવાનના અવતાર શ્રીકૃષ્ણના મુખેથી તે બોલાવી છે.શ્રીકૃષ્ણ વક્તા છે-અને અર્જુન છે શ્રોતા.

આમ -ગીતા -કે -જે –મહાભારતમાંથી લેવામાં આવી છે-
તેમાં -પહેલા અધ્યાયમાં- મહાભારતના એક પ્રસંગનું- વર્ણન છે.અને આ પ્રસંગ છે –મહાભારતના યુદ્ધનો.
મહાભારતના યુદ્ધમાં મુખ્ય બે પક્ષો છે. કૌરવો અને પાંડવો.

પાંડવોએ રાજ્યમાં પોતાનો ભાગ-પોતાનો હક્ક માગ્યો,પણ કૌરવોએ (દુર્યોધને) ભાગ આપવાની ના પાડી.
ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો તરફથી  શાંતિદૂત બન્યા. પણ સમજાવટ અસફળ રહી.અને યુદ્ધ ના મંડાણ,
કુરુક્ષેત્રમાં થયા છે.શ્રીકૃષ્ણ અર્જુન પ્રત્યેના અતિ પ્રેમને કારણે અર્જુનના રથના સારથી બન્યા છે.

પહેલા અધ્યાયની શરૂઆતમાં -કૌરવોના પિતા ધ્રુતરાષ્ટ્ર,કે જે અંધ છે અને યુદ્ધમાં સામેલ થયા નથી,
તેમને, તેમનો સારથી “સંજય” કે જેની પાસે દૂરદૃષ્ટિની શક્તિ છે. તે યુદ્ધનો અહેવાલ આપે છે.
ધ્રુતરાષ્ટ્રના પૂછવાથી,બંને પક્ષના જુદા જુદા યોદ્ધાઓનું સંજયે વર્ણન કર્યું છે.
પછી આવે છે-ગીતાના બે મુખ્ય પાત્રો-શ્રી કૃષ્ણ અને અર્જુનનું વર્ણન.
અર્જુન ,પોતાના સારથી બનેલા શ્રીકૃષ્ણ ને બંને સેનાઓની વચ્ચે રથ લેવાનું કહે છે-
કે જેથી તે બધાને જોઈ શકે. શ્રીકૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે લાવ્યા છે.

અર્જુન સામા પક્ષમાં ઉભેલા પોતાના સગાં-સંબંધી-ગુરુ-વગેરેને જુએ છે.
બચપણમાં દાદા જોડે વિતાવેલો સમય યાદ આવે છે-ગુરુની અસીમ કૃપા યાદ આવે છે,
સાથે સાથે બીજા ઘણા બધા સગાં-સંબંધીની “મમતા”-થી “મોહ” પેદા થાય છે,અને વિચારમાં પડી જાય છે.(૨૬)
 
સગાં-સંબંધીઓને મારવાના વિચાર માત્રથી તે “શોક”મય બને છે.અર્જુનનું મન,વિષાદથી (શોકથી) 
ભરાઈ ગયું.તેનું શરીર ઢીલું પડી ગયું,મુખ સુકાણું અને શરીરમાં કંપ થયો. (૨૯)

અર્જુન –શ્રીકૃષ્ણને કહે છે-યુદ્ધમાં સામે ઉભેલા સગાં-સંબંધીઓ ભલે તે મને મારી નાખે–પણ ત્રણે લોકના  
રાજ્ય માટે પણ પણ  હું તેમને મારવા ઇચ્છતો નથી.હું યુદ્ધ નહિ કરું.(૩૫)
કારણકે કુળનો નાશ થતાં કુળધર્મો નાશ પામે છે.કુળધર્મ નાશ પામતાં કુળ અધર્મમાં દબાઈ જાય છે.(૪૦)
આમ શોક (વિષાદ)થી વ્યાકુળ અર્જુન ધનુષ્ય-બાણ છોડી રથમાં બેસી ગયો.(૪૭)

અધ્યાય-૧- સમાપ્ત 


  INDEX PAGE