Mar 28, 2020

ભાગવત રહસ્ય -૨૨૮

મારીચ આવ્યો હતો યજ્ઞમાં વિઘ્ન કરવા પણ રામજીના દર્શન માત્રથી તેની બુદ્ધિ સુધરી ગઈ છે-તે વિચારે છે-કે મારે રામ જોડે યુદ્ધ કરવું નથી.તેથી તે બીજા દ્વારે ગયો-ત્યાં પણ તેણે રામ-લક્ષ્મણને પહેરો ભરતા જોયા,ત્રીજા ચોથાના એ સર્વ દ્વાર પર રામજી જ દેખાય છે.મારીચને આશ્ચર્ય થાય છે.
યજ્ઞ કે કોઈ પણ સત્કર્મમાં –ઇન્દ્રિયોના પ્રત્યેક દ્વાર ઉપર રામને પધરાવવાથી તે સત્કર્મ પૂર્ણ બને છે.નામ-જપ કરવો,કથા સાંભળવી,મનથી નારાયણ ને મળવું,,, વગેરે પણ યજ્ઞો જ છે.ગરીબમાં ગરીબ માણસ પણ આ યજ્ઞ કરી શકે છે.

બીજા બધા યજ્ઞોમાં ખુબ ધન જોઈએ,અધિકાર જોઈએ,પ્રાયશ્ચિત કરવું પડે,અમુક યજ્ઞ માત્ર અગ્નિહોત્રી જ કરી શકે,અમુક યજ્ઞમાં દેશ-કાળની મર્યાદાઓ છે...વગેરે...વગેરે..
પરંતુ ઉપનિષદમાં એક એવો યજ્ઞ બતાવ્યો છે-કે-જે કોઈ પણ કરી શકે છે,કોઈ પણ સમયે,કોઈ પણ સ્થળે,
કોઈ પણ જાતિ નો મનુષ્ય આ યજ્ઞ કરી શકે છે- અને તે યજ્ઞ છે-જપ-યજ્ઞ.
સર્વ યજ્ઞોમાં જપ-યજ્ઞ શ્રેષ્ઠ છે.આંખથી દર્શન કરતાં,કાનથી સાંભળતા,મનથી સ્મરણ કરતાં-
જપ કરવામાં આવે તો –આપોઆપ સમાધિ લાગી જાય છે.

આ યજ્ઞમાં -”આત્મા” એ યજમાન (યજ્ઞ કરનાર) છે. “શ્રદ્ધા” એ યજમાનની પત્ની છે. અને “શરીર” એ યજ્ઞ ભૂમિ છે. અને આ જપ-યજ્ઞથી ચિત્ત-શુદ્ધિ કરી-પરમાત્માનો મનમાં લય કરીને-તેમને પ્રાપ્ત કરવાના છે.
પ્રત્યેક ઇન્દ્રિય (આંખ,મુખ,કાન વગેરે) ના દ્વાર ઉપર રામ (પરબ્રહ્મ) અને લક્ષ્મણ (શબ્દબ્રહ્મ) ને 
પધરાવવામાં આવે તો તે યજ્ઞમાં મારીચ (વિષયો) વિઘ્ન કરી શકતો નથી.

રામ-લક્ષ્મણની સહાયતાથી વિશ્વામિત્રનો યજ્ઞ પુરો થયો છે.તે વખતે જનક્પુરીથી કુમ-કુમ પત્રિકા 
આવી છે કે સીતાજીનો સ્વયંવર છે. વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને લઇ ને જનકપુરી તરફ જવા નીકળ્યા છે.
ગૌતમઋષિનો આશ્રમ વચ્ચે આવ્યો,ત્યાં શિલા જોઈ,વિશ્વામિત્રે રઘુનાથજીને આજ્ઞા કરી કે-
આ શિલાને તમારા ચરણથી સ્પર્શ કરો, અને શિલા-રૂપ બનેલી અહલ્યાનો ઉદ્ધાર કરો.

રામજી વિચારમાં પડ્યા છે

રામજી કહે છે-કે-પરસ્ત્રીને હું સ્પર્શ કરતો નથી,હું ચરણથી સ્પર્શ કરું તો તેને સદગતિ મળશે પણ પરસ્ત્રીને અડકવાથી, મને પાપ લાગશે તેનું શું ? પરસ્ત્રીને હું વંદન કરું છું.
રામજી કોઈ પરસ્ત્રી ને સ્પર્શ કરતા નથી,લખ્યું છે-કે- વિના કારણ સગા ભાઈને પણ સ્પર્શ ન કરવો.
સ્પર્શ કરવાથી સ્પર્શ કરનારનાં પરમાણુઓ આપણામાં આવે છે.

મહાપુરુષોએ –કવિઓએ કલ્પના કરી છે- રામજીએ અહલ્યાનો ચરણથી સ્પર્શ કર્યો નથી પણ –
તે વખતે પવનને કારણે,રામજીના ચરણની રજ (ધૂળ) ઉડીને શિલા પર જઈ ને પડી અને
ચરણ રજનો સ્પર્શ થતાં શિલામાંથી અહલ્યા બેઠી થઇ છે.અહલ્યાનો ઉદ્ધાર થયો છે.

અહલ્યા ચરિત્રનુ રહસ્ય એ છે-કે-
અહલ્યા એ “બુદ્ધિ” છે. જે બુદ્ધિ કામસુખનો વિચાર કરે તે –પથ્થર જેવી જડ બને છે. જડ બુદ્ધિ ઈશ્વર પાસે જઈ શકતી નથી. આવી જડ બુદ્ધિ જયારે સત્સંગ-સંત-સમાગમ થી પવિત્ર બને ત્યારે જ તે ઈશ્વર પાસે
જઈ શકે છે-ભગવાનના ચરણ ની રજ જયારે મળે ત્યારે તે –બુદ્ધિ પવિત્ર બની જાય છે.
શિલા પણ રામ ચરણ રજ થી અહલ્યા બની તેમ રામ-નામ ના સ્પર્શથી,માનવીનું મેલું મન પવિત્ર બને છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE