Oct 21, 2020

ભાગવત રહસ્ય -૪૨૩

અક્રૂર કોણ ?જે ક્રૂર નથી તે અક્રૂર.
જે ક્રૂર છે તે શ્રીકૃષ્ણ ને લાવી શકે નહિ,જેનું મન અક્રૂર હોય તે ભગવાનને ઘેર લઇ આવે.
કંસે અક્રૂરને કહ્યું કે-કાકા,મારું એક ખાસ કામ કરવાનું છે. નારદજીએ કહ્યું છે કે દેવકીનો આઠમો પુત્ર શ્રીકૃષ્ણ એ મારો કાળ છે.વસુદેવે દગો કર્યો છે,અને દેવકીના તે આઠમા પુત્રને ગોકુળમાં મૂકી આવ્યા છે.હું પણ દગો કરીને શ્રીકૃષ્ણને મારી નાખીશ.મેં આ તો યજ્ઞનું એક બહાનું કર્યું છે,મારા કાળને મારવા માટે મેં પણ ષડયંત્ર રચ્યું છે,જ્યાં સુધી મારો કાળ જીવે છે,ત્યાં સુધી મને સુખ નથી.

નંદબાબાને ધનુષ્યયજ્ઞમાં આમંત્રણ આપવા જાવ,નંદબાબાને કહેજો,યજ્ઞના દર્શન કરવા,
બલરામ-શ્રીકૃષ્ણ ને સાથે લઈને આવે.નંદજી ને ખાતરી થાય કે-કંસ ને અમારા પર બહુ પ્રેમ છે,
તેટલા માટે મારો સોનાનો રથ તેમને લઇ લાવવા લઇ જજો.
કાકા,આ ગુપ્ત વાત બીજા કોઈને કહેશો નહિ,મારું આટલું કામ તમે કરો.

અક્રૂરજીએ કહ્યું-વિચાર કરવા એ મનુષ્યના હાથની વાત છે,પણ તે સફળ થાય કે નહિ તે ઈશ્વરાધીન છે.
પ્રારબ્ધ અનુકૂળ હોય,પરમાત્માની કૃપા હોય તો વિચાર સફળ થાય છે,
પણ આપની આજ્ઞા છે તો આવતી કાલે હું ગોકુળ જઈશ.

અક્રૂરજી  ઘેર આવ્યા છે.તેમને રાત્રે નિંદ્રા આવતી નથી.
આજની રાત ક્યારે પુરી થશે? આવતીકાલે મારે ગોકુળ જવાનું છે,આવતી કાલે મને કનૈયાના દર્શન થશે.
મારો બ્રહ્મ-સંબંધ થશે. વિચારોમાં ને વિચારોમાં અક્રૂરજી શ્રીકૃષ્ણના દર્શન માટે વ્યાકુળ થયા છે.

પ્રાતઃકાળ થયો છે.અક્રૂરજી સ્નાન-સંધ્યાદિક કર્મથી પરવાર્યા છે.કંસનો સોનાનો રથ લેવા આવ્યો છે.
કંસના પોતાના ખાસ રથમાં અક્રૂર ગોકુળ જવા નીકળ્યા છે.
રસ્તે જતાં અક્રૂર ભગવાનના જ વિચાર કરે છે. “હું ભાગ્યશાળી કે આજે મને ભગવાનના દર્શન થશે.
હું અધમ છું,,પાપી છું,નાલાયક છું,પણ શરણાગત છું.શું મારા ભગવાન મને નહિ અપનાવે ?
મારા ભગવાન મને જરૂર અપનાવશે,આજે હું શ્રીકૃષ્ણનો થઈશ,આજે મારો જન્મ સફળ થશે.”

રસ્તે ચાલતાં અક્રૂરજી પરમાત્માનું સ્મરણ કરે છે.તે વિચારે છે કે-મારો ભાગ્યોદય થયો છે,મારા જેવા કામીને શ્રીકૃષ્ણના દર્શન થાય નહિ,પણ મારા ઉપર ઠાકોરજીની કૃપા ઉતરી છે,શ્રીકૃષ્ણે મને અપનાવ્યો છે,
તેથી જ મને કંસે મોકલ્યો છે.મારા જેવાને શ્રીકૃષ્ણના દર્શન તો અતિદુર્લભ છે,પણ પૂર્વજન્મમાં મેં કોઈ
પુણ્ય કર્યાં હશે.તે પુણ્યનો ઉદય થયો છે,તેથી પરમાત્માનાં દર્શન કરવા જાઉં છું.

અક્રૂરજીને શુભ શુકન થવા લાગ્યા છે,જમણી બાજુએ વાછડાં સાથે ગાયનાં દર્શન થયાં છે,
જમણી આંખ ફરકે છે, અક્રૂરજી વિચારે છે કે-સાયંકાળે હું ગોકુળ પહોચીશ,તે વખતે શ્રીકૃષ્ણ ગૌશાળામાં પધાર્યા હશે,ગાયો દોહવાની તૈયારી થતી હશે,ગોપાળમિત્રો પણ ત્યાં હશે,હું શ્રીકૃષ્ણ સાથે ગોપબાળકોને પણ વંદન કરીશ.તેઓ ભગવાન સાથે રમે છે,એટલે તે પણ વંદનીય છે.હું તો ઇન્દ્રિયો સાથે રમતો હતો.
મારા શ્રીકૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરીશ,મારે પ્રભુ પાસે કશું માગવું નથી,મારે તો પ્રભુને કહેવું છે,કે-
હજારો જન્મથી વિખુટો પડેલો જીવ તમારા શરણે આવ્યો છે,આ જીવને અપનાવો.
કૃપાનાથ,કૃપા કરો,એક વાર કહી દો કે હું તમારો છું.કનૈયો મને સ્નેહાળ દૃષ્ટિથી નિહાળશે એટલે હું
પવિત્ર થઇ જઈશ.હું વંદન કરીશ એટલે પ્રભુની પ્રેમભીની નજર મારા પર પડશે.

અક્રૂરજી શ્રીકૃષ્ણના વિચારો માં એવા તન્મય થયા છે કે-તેમને થયું કે પોતે ગોકુળ પહોંચી ગયા છે,અને
પ્રભુએ કૃપા કરી પોતાનો વરદહસ્ત મારા મસ્તક ઉપર પધરાવ્યો.એમ વિચારોમાં પોતાનો જ હાથ
પોતાના મસ્તક પર મુક્યો છે.અક્રૂરજીનું તન રસ્તામાં છે પણ મન ગોકુળ પહોંચી ગયું છે.
ચિંતનમાં આવી એકાગ્રતા થાય ત્યારે ભગવાન મળે છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE