Jan 12, 2020

ભાગવત રહસ્ય-૧૫૬ –સ્કંધ-૭

છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિ-અનુગ્રહની કથા આવી.ભગવદ-અનુગ્રહ થયા પછી-જીવ અનુગ્રહનો સદુપયોગ (વાસનાનો નાશ અને (પ્રભુસ્મરણમાં) કરે તો તે પુષ્ટ બને છે-અને દુરુપયોગ કરે તો તે દુષ્ટ બને છે.હવે આવશે-હિરણ્યકશિપુ અને પ્રહલાદ ની કથા.હિરણ્યકશિપુ -એ શક્તિ-સંપત્તિનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો-તેથી તે બન્યો દૈત્ય.પ્રહલાદે સમય, શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં કર્યો-તેથી તે બન્યો દેવ.

આ સાતમા સ્કંધમાં-વાસનાના ત્રણ મુખ્ય પ્રકારનું વર્ણન છે. અસદવાસના—સદવાસના—અને મિશ્રવાસના.
સાતમાં સ્કંધની શરૂઆતમાં પરીક્ષિતે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે.રાજા પૂછે છે કે-આપે કહ્યું –કે ઈશ્વર સર્વત્ર છે-અને સમભાવથી વ્યવહાર કરે છે-પણ જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે?

ઉંદરમાં ઈશ્વર અને બિલાડીમાં યે ઈશ્વર-- તો –બિલાડી ઉંદરને કેમ મારે છે?
ઈશ્વર સર્વમાં સમભાવથી રહેલા હોય તો –આ વિષમતા કેવી રીતે ઉત્પન્ન થાય છે?
સાસુ અને વહુ બંનેમાં પરમાત્મા છે-તો ઘરમાં ખટપટ કેમ થાય છે?
ભગવાન સમ-ભાવી હોય તો તે-કોઈનું યે બુરું ન ઈચ્છે.પણ દેવોનો પક્ષ લઇ વારંવાર દૈત્યોને કેમ મારે છે?
વૃત્રાસુર તો ભગવદભક્ત હતો, તેમ છતાં –ઇન્દ્ર માટે તેનો વધ શા માટે કર્યો?

શુકદેવજી કહે છે-કે –રાજન તે પ્રશ્ન સુંદર કર્યો પણ પ્રશ્નના મૂળમાં તું ગયો નથી.
પરમાત્માની 'ક્રિયા'માં વિષમતા દેખાય છે-પણ તેમના 'ભાવ'માં સમતા છે.
ક્રિયામાં વિષમતા એ વિષમતા નથી.ભાવમાં વિષમતા એ વિષમતા છે.
સમતા અદ્વૈત ભાવમાં છે. ક્રિયામાં એ ના સંભવે. ક્રિયામાં વિષમતા રહેવાની જ.

ઉદાહરણ તરીકે-ઘરમાં મા.પત્ની,પુત્રી-પુત્ર વગેરે હોય. પુરુષનો આ સઘળાં પર પ્રેમ તો સરખો હોય છે-પણ બધાની સાથે તે એક-સરખી રીતે વર્તી શકતો નથી.વર્તી શકે પણ નહિ. મા ને તે પગે લાગે છે-પણ પુત્રી-પુત્ર-પત્નીને પગે નહિ લાગે.ભાવનામાં અદ્વૈત રાખવાનું છે. ગીતાજીમાં પણ સમભાવ રાખવાનું કહ્યું છે-પણ સમવર્તી થવાનું કહ્યું નથી.સમદર્શી(બધામાં –એકના દર્શન) થવું જોઈએ.પણ સમવર્તી (બધાની સાથે એક સરખું વર્તન) ન થઇ શકાય.
ભાગવતને આધિ-ભૌતિક-સામ્યવાદ માન્ય નથી પણ અધ્યાત્મિક-સામ્યવાદ-માન્ય છે.

શુકદેવજી કહે છે-રાજન,ભગવાનની બે શક્તિઓ છે.નિગ્રહશક્તિ અને અનુગ્રહ શક્તિ.
નિગ્રહ શક્તિથી રાક્ષસો ને મારે છે-અને અનુગ્રહ શક્તિથી દેવો નું કલ્યાણ કરે છે.
રાજન,તને લાગે છે-કે-દેવોનો પક્ષ કરી અસુરોને માર્યા –પરંતુ અસુરોનો તે સંહાર તેમની પર કૃપા કરવા માટે જ હતો.શ્રીકૃષ્ણ જેને મારે છે-તેને મુક્તિ આપે છે.

એક ઉદાહરણ છે.એક ચોર ચોરી કરવા નીકળ્યો,રસ્તામાં ઠેસ વાગી,પગ ભાંગ્યો. તેથી તે ચોરી કરવા ન જઈ શક્યો.આને કૃપા માનવી કે અવકૃપા? પ્રભુની આ કૃપા જ છે-હા,પગ ભાંગ્યો-છતાં કૃપા-કારણ પાપ કરવા જતાં તે અટક્યો છે.

“રાજન,તમે જેવા હશો તેવું તમને ઈશ્વરનું સ્વરૂપ લાગશે.ઈશ્વરનું કોઈ એક માત્ર સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું નથી.જીવ જે ભાવથી ઈશ્વરને જુએ છે, તે જીવના માટે ઈશ્વર તેવા બની જાય છે”

વલ્લભાચાર્ય કહે છે-કે-ઈશ્વર લીલા કરે છે-તેથી અનેક સ્વરૂપ ધારણ કરે છે. (ભક્તિ-દ્વૈત)
જયારે શંકરાચાર્યજી કહે છે-બ્રહ્મ સર્વવ્યાપક અને નિર્વિકાર છે.બ્રહ્મને કોઈ ક્રિયા નથી. (જ્ઞાન-અદ્વૈત)
લોટામાંથી પાણી બહાર કાઢી શકાય પણ તેમાંનું -આકાશ -બહાર કાઢી શકાય નહિ.
ઈશ્વરમાં -માયાથી –ક્રિયાનો અધ્યારોપ કરવામાં આવે છે.(આ વેદાંત નો સિદ્ધાંત છે-અદ્વૈત).

ઉદાહરણ તરીકે-ગાડીમાં બેસી અમદાવાદ જાઓ,અને અમદાવાદ આવે ત્યારે કહેશો કે અમદાવાદ આવ્યું.
અહીં ક્રિયા અમદાવાદની નથી પણ ક્રિયા છે ગાડી ની.......અમદાવાદ તો ત્યાં હતું જ...અમદાવાદ પર ક્રિયા નો અધ્યારોપ થયો.ઈશ્વર નિષ્ક્રિય (ક્રિયા વગરના) છે. ક્રિયા એ માયા કરે છે.ઈશ્વર કોઈ ક્રિયા કરતા નથી તો પછી તેમાં વિષમતા ક્યાંથી આવે ?

મહાપ્રભુજીનો સિદ્ધાંત (દ્વૈત) પણ દિવ્ય છે.વૈષ્ણવો માને છે-કે-ઈશ્વરને ક્રિયા નથી એ બરોબર છે-પણ ઈશ્વર લીલા કરે છે.જે ક્રિયામાં ક્રિયાનું અભિમાન નથી.તે લીલા.ઈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે. “હું કરું છું” એવી ભાવના વગર –નિષ્કામ ભાવથી જે ક્રિયા કરવામાં આવે છે-તે લીલા.કેવળ બીજાને સુખી કરવાની ભાવનાથી કરવામાં આવે તે લીલા.કૃષ્ણની લીલા છે. તેમને સુખની ઈચ્છા નથી.લાલાજી ચોરી કરે છે-બીજાના માટે.

ક્રિયા બાંધે છે-પણ લીલા મુક્ત કરે છે.માયા એકલી કંઈ કરી શકતી નથી.માયા ક્રિયા કરે છે-ઈશ્વરને આધારે.
દ્વૈત અને અદ્વૈત બંને સિદ્ધાંતો સાચા છે. ખંડન મંડનની ભાંજગડ માં પડવા જેવું નથી.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE