Jan 3, 2020

ભાગવત રહસ્ય-૧૪૭

જે વસ્તુ ના દેખાય-- તેનું નામ પકડી રાખો- તો નામમાંથી સ્વ-રૂપ પ્રગટ થશે. સ્વ-રૂપ,નામને આધીન છે.ભગવાનના નામનું કિર્તન કરો-તેમના નામનો આશ્રય કરો--એટલે ભગવાને પ્રગટ થવું જ પડે છે.સીતાજી અશોકવનમાં ધ્યાન સાથે નામસ્મરણ એવી રીતે કરે છે-કે-ઝાડના પાંદડે-પાંદડામાંથી રામનો ધ્વનિ નીકળે છે.કલિકાલમાં અનેકોના ઉદ્ધાર પરમાત્માનું –નામ-કરે છે.

પરંતુ કળિયુગના માણસની વિધિ-વિચિત્રતા જુઓ-કે તેને પ્રભુ નામમાં પ્રીતિ થતી નથી.
પ્રભુનામમાં પ્રીતિ ના થાય ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી.
પ્રભુનામમાં નિષ્ઠા થવી કઠણ છે.પૂર્વજન્મના કોઈ સંસ્કારોને લીધે પ્રભુનામમાં નિષ્ઠા થતી નથી.
ને,નામ સ્મરણ થતું હોય તો જીભ અટકી પડે છે.
માનવની આ જીભથી જ બહુ પાપ થાય છે, જીભ-નિંદા કરે છે, જીભ પોતાના વિષે વ્યર્થ ભાષણ કરે છે.
એટલે જીભથી પરમાત્માના નામનો જપ થતો નથી.પાપ જીભને પકડી રાખે છે.


ક્ષણે ક્ષણે-ભગવાનનું નામ લેવું સુલભ છે -પણ માનવથી આ થતું નથી.નામમાં દૃઢ નિષ્ઠા રાખો. નામનિષ્ઠા થાય તો-મરણ સુધરે છે. બ્રહમનિષ્ઠા અંત સુધી ટકવી મુશ્કેલ છે.
સગુણ-નિર્ગુણ બ્રહ્મ કરતાં નામ-બ્રહ્મ કળિયુગમાં શ્રેષ્ઠ છે. માટે મનને સતત પ્રભુના નામમાં રાખવું જોઈએ.
પરમાત્માના નામનો જે સતત જપ કરે છે-તેનો બ્રહ્મ-સંબંધ થાય છે.

પાપના સંસ્કાર અતિશય દૃઢ હોવાથી પાપ છૂટતું નથી. મનુષ્ય થોડો સમય ભક્તિ કરે છે-અને પાપ પણ ચાલુ રાખે છે.પાપ છુટે એવી ઈચ્છા હોય તો –પરમાત્માના જપ કરો.જપ કરવાથી-માનવમાં પરમાત્માની દિવ્ય શક્તિ આવે છે. પરમાત્માના નામમાં બહુ શક્તિ છે.રામનામથી પથ્થર તરી ગયા છે.
પણ રામે નાખેલ પથ્થર ડૂબી ગયા છે. રામાયણમાં કથા આવે છે.

એક વખત રામચંદ્રજીને વિચાર આવ્યો-કે મારા નામથી પથ્થર તરેલા અને વાનરોએ સમુદ્ર પર સેતુ બાંધેલો.
મારા નામથી પથ્થર તરે છે તો જો હું પથ્થર નાખું તો શું તે નહિ તરે ? ચાલ ખાતરી કરી જોઉં.
તેઓ કોઈ ન દેખે તેમ દરિયા કિનારે આવ્યા છે-અને પોતે પથ્થર ઊંચકીને દરિયા માં નાખ્યો-તો પથ્થર ડૂબી ગયો.રામચંદ્રજી ને આશ્ચર્ય થયું-આમ કેમ બન્યું ? મારું નામ માત્ર લખવાથી તો પથ્થરો તરેલા !!


આ બાજુ રામજી દેખાયા નહિ એટલે તરત જ હનુમાનજી તેમને ખોળવા નીકળ્યા. દરિયા કિનારે રામજીને જોયા.વિચારે છે-એકલા શું કરતા હશે ? હનુમાનજી માલિક પર નજર રાખી રહ્યા છે.રામજીએ બીજો પથ્થર નાખ્યો-તે પણ ડૂબી ગયો. રામજીને દુઃખ થયું-નારાજ થયા છે. પાછળ દૃષ્ટિ ગઈ તો હનુમાનજી ......
“આ અહીં ક્યાંથી આવ્યો ? બધું જોઈ ગયો હશે ?” તેમણે પૂછ્યું-તું અહીં ક્યારથી આવ્યો છે ?
હનુમાનજી કહે-મારા માલિક જ્યાં જાય ત્યાં મારે આવવું જ જોઈએ.
રામજીએ પૂછ્યું -મારા નામે પથ્થરો તર્યા ને મેં જે નાખ્યા તે ડૂબી ગયા –આમ કેમ ?

હનુમાનજી નો અવતાર રામજીને રાજી રાખવા માટે છે.રામજીને ઉદાસ જોઈ હનુમાનજીને દુઃખ થયું.
એટલે તે બોલ્યા-જેનો રામજી ત્યાગ કરે તે ડૂબી જ જાય ને ? જેને રામજી અપનાવે તે ડૂબે નહિ. પથ્થરોનો આપે ત્યાગ કર્યો-એટલે તે ડૂબી ગયા. જે પથ્થરો વડે સેતુ બાંધવામાં આવ્યો હતો તેના પર- રામ-લખવામાં આવેલું-તેથી તે તર્યા.

આ સાંભળી રામજી બહુ પ્રસન્ન થયા. હનુમાનજી ની બુદ્ધિના બહુ વખાણ કર્યા. “બુધ્ધિમતાં વરિષ્ઠ”
તે પછી હનુમાનજી બોલ્યા-મહારાજ-આ તો આપને પ્રસન્ન કરવા મેં તેમ કહ્યું-પણ હકીકતમાં તો તમારા નામ માં તમારા કરતાં યે વધુ શક્તિ છે. તમારા નામમાં જે શક્તિ છે-તે તમારા હાથમાં નથી.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE