Nov 18, 2019

ભાગવત રહસ્ય-૧૧૩

પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગવી,તેનું પાપ-અને પુણ્ય –જો સરખું થાય તો તે ચન્દ્રલોકમાં જાય છે.ત્યાંથી સૂક્ષ્મ જીવ –વાદળમાં વર્ષા-રૂપે આવે છે. વરસાદ પૃથ્વી પર પડે છે. ને તે અન્નમાં દાખલ થાય છે.અન્નમાંથી વીર્ય થાય છે. અને જીવ મનુષ્ય યોનિમાં આવે છે.(આ બિલકુલ સીધીસાદી ભાષામાં વર્ણન છે-જેના પર વિચાર કરવામાં આવે તો-ઘણું બધું સમજવામાં આવી શકે !!!)

(ભાગવતમાં ગર્ભ-અવસ્થાનું લંબાણથી વર્ણન –અદભૂત છે,જેનું સાદી રીતે-નીચે મુજબ વર્ણન કર્યું છે)
જે દિવસે ગર્ભ રહે છે-તે દિવસે પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે.
દસ દિવસમાં તે ફળ જેવડો મોટો થાય છે.
માના શરીરની જે નાડીમાં થી અન્ન રસ વહેતો હોય તે નાડી સાથે ગર્ભની નાડી જોડવામાં આવે છે.
એક મહિનામાં સાત ધાતુ મળે છે. અને પાંચ મહિનામાં ભુખ તરસનું જ્ઞાન થાય છે.

છ મહિનાનો ગર્ભ થાય એટલે-માતાના પેટમાં ભ્રમણ કરે છે. જ્યાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે-
તે માતાના મૂત્ર વિષ્ટામાં તે આળોટે છે. નાનકડી જગ્યામાં તેને બહુ સહન કરવું પડે છે.
તેને અનેક જંતુઓ કરડે છે,ત્યારે કેટલીક વાર તે મૂર્છા પામે છે.
વળી માતા એ ખાધેલા તીખા,ઉના,ખારા,ખાટા વડે તેના અંગમાં વેદના થાય છે.
આ પ્રમાણે તે ગર્ભમાં અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે. પાંજરામાં પંખી પુરાયું હોય તેમ તે રહે છે.
કંઈ પણ કરવાને માટે તે અસમર્થ હોય છે.માટે ગર્ભવાસ અને નરકવાસ સરખો છે.

સાતમે મહિને માથું નીચે અને પગ ઉંચે થાય છે.
આઠ માસના જીવાત્માને પૂર્વજન્મ નું જ્ઞાન થાય છે. તે ગર્ભમાં પ્રભુને સ્તુતિ કરે છે.
'નાથ,મને જલ્દી બહાર કાઢો,હવે હું બિલકુલ પાપ નહિ કરું,મને બહાર કાઢશો, તો હું તમારી ખુબ સેવા –ભક્તિ કરીશ.' ગર્ભ માં જીવ જ્ઞાની થાય છે. ભગવાન આગળ તે અનેક પ્રતિજ્ઞાઓ કરે છે.
પરમાત્મા કહે છે-આજ સુધી તેં મને અનેક વાર છેતર્યો છે.
જીવ કહે છે-ના-ના- હવે હું નહિ છેતરું. મને બહાર કાઢો.

પ્રસવપીડા વખતે અતિશય વેદનામાં તે પૂર્વજન્મનું જ્ઞાન ભૂલી જાય છે. ગર્ભનું જ્ઞાન પણ ભૂલી જાય છે.
માને જે વેદના થાય છે-તેના કરતાં હજાર ગણી વેદના જીવાત્માને થાય છે.
રાજા ને ઘેર જન્મ થાય કે રંકના ઘેર જન્મ થાય-જન્મ એ જ મહાન દુઃખ છે.
જન્મ એનો સફળ છે-કે જેણે ફરીથી કોઈ મા ના પેટમાં જવાનો પ્રસંગ ના આવે.
કોઈ ના પેટમાં જાય તેની દુર્દશા થાય છે.

કપિલ ભગવાન કહે છે-કે- મા જન્મ અને મરણનું દુઃખ ભયંકર છે.
આ બંને દુઃખ સરખાં છે. આ દુઃખોનો અંત આવતો નથી.
આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો –જ- આ દુઃખનો અંત આવે છે.    
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE