Nov 13, 2019

ભાગવત રહસ્ય-૧૦૮

કપિલ ભગવાન માતા દેવહુતિને કહે છે-કે-મા,આ સંસાર સાચો દેખાય છે-પણ તેને સાચો માનશો નહિ. જેણે આ સંસાર સાચો દેખાય છે-તે સંસારનો મોહ છોડી શકતો નથી.જેને પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્માને છોડી શકતો નથી.
જેને જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે.

આ,જગત સ્વપ્ન જેવું છે, આ સિદ્ધાંત વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે-
જગતના પદાર્થોમાં મોહ ના થાય. સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ્ય આવે.
સંસારના સુખો ભોગવવાની લાલસા હોય ત્યાં સુધી માનવું કે હું સૂતેલો છું. જાગતાને લાલો મળે છે. (એક વાર મનુષ્ય જાગી જાય પછી બધું સાચા –ખોટાનું જ્ઞાન તેની પાસે છે-જ. તેનો બેડો પાર છે. તેને કંઈ શીખવાનું રહેતું નથી) કંસ એ -કામ અને અભિમાન છે-એ સહુને કારાગૃહમાં રાખે છે. સૂતેલા રાખે છે.

જગતમાં જાગ્યો કોણ ? તુલસીદાસજી વર્ણન કરે છે-કે-“જાનિએ તબહિ જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા” જયારે સઘળા વિષય-વિલાસો ઉપર વૈરાગ્ય આવે-સંસારસુખ તુચ્છ લાગે-ત્યારે સમજવું કે –એ જગતમાં જાગ્યો છે.માતા દેવહુતિને કપિલદેવે ધ્યાન કરવાની આજ્ઞા કરી છે.

ભગવદ-ધ્યાનમાં જયારે જગત ભુલાય,ત્યારે બ્રહ્મ-સંબંધ થાય છે.
ધ્યાનમાં પ્રથમ શરીર ને સ્થિર કરવાનું-પછી આંખને સ્થિર કરવાની અને પછી -મનને સ્થિર કરવાનું.
શરીર અને આંખ –સ્થિર ના થાય ત્યાં સુધી-મન સ્થિર થતું નથી.
ભોગભૂમિમાં રહી ભગવાનનું ધ્યાન કરવું કઠણ છે, ભૂમિની અસર મન ઉપર થાય છે. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત સ્થાન માં ધ્યાન કરવા બેસવું જોઈએ.(ઘરમાં જ કોઈ એક રૂમની વ્યવસ્થા હોય-તો તેને ધ્યાનરૂમ બનાવાય)

જેને પરમાત્માનું ધ્યાન કરવું છે તે પવિત્ર અને પરિમિત (માપનું) અન્નનું સેવન કરે. પેટ ભરીને જમવું નહિ કે અતિભૂખ્યા રહેવું નહિ. શરીર ને બહુ લાડ કરવા નહિ-કે બહુ ત્રાસ આપવો નહિ.
જેને ધ્યાન કરવું છે તે ચોરી ના કરે (અસ્તેય). અનેકવાર મનુષ્ય આંખ અને મનથી ચોરી કરે છે.
પારકી વસ્તુ જોઈ –મનથી તેનું ચિંતન કરવું –એ ચોરી છે.

જેને ધ્યાન કરવું છે-તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. શરીરથી બ્રહ્મચર્ય ઘણા પાળે છે-પણ-મન થી પાળતા નથી. મનથી બ્રહ્મચર્યનો ભંગ –શરીરના બ્રહ્મચર્ય નો ભંગ કર્યા બરાબર જ છે.લખ્યું છે-કે-એક દિવસ બ્રહ્મચર્યનો ભંગ થાય છે,તો ચાલીસ દિવસ સુધી મન સ્થિર થતું નથી.
જેને પરમાત્માનું ધ્યાન કરવું છે-તે સ્વ-ધર્મ નું પાલન કરે. દેહનું ભાન છે ત્યાં સુધી-સ્વ-ધર્મ છોડવો નહિ.
ધ્યાન કરતાં કરતાં –જેમ જેમ તન્મયતા વધે છે,તેમ તેમ –આનંદ વધે છે.
પછી ધ્યાનની વિધિ બતાવી છે(જેનું આગળ વર્ણન થઇ ગયું છે.)

કપિલદેવ કહે છે- મા,પરમાત્માનાં અનેક સ્વરૂપો છે.તેમાંથી કોઈને ઇષ્ટદેવ માની તેનું ધ્યાન કરો.
દેવહુતિ પૂછે છે-હું કયા સ્વરૂપનું ધ્યાન કરું ? કપિલ ભગવાન કહે છે-મા ,શંખ,ચક્ર,ગાળા અને પદ્મ –જેના હાથ માં છે-એવા ચતુર્ભુજ નારાયણનું તમે ધ્યાન કરો.

ધ્યાન કરતાં પહેલાં ઠાકોરજી –સાથે સંબંધ જોડવો પડે છે. દાસ્ય ભક્તિમાં(દાસ્યભાવ) પહેલાં ચરણમાં દૃષ્ટિ સ્થિર કરવી પડે છે.જેનો સખ્યભાવ છે,માધુર્ય ભાવ છે-વાત્સલ્યભાવ છે-તે જ્યાં સુધી પ્રભુના મુખારવિંદનાં દર્શન –ના કરે ત્યાં સુધી આનંદ આવતો નથી.આ જીવ પ્રેમથી પરમાત્મા નું ધ્યાન કરે છે- ત્યારે પરમાત્મા જીવ તરફ જુએ છે.વારંવાર મનને એક સ્વરૂપમાં સ્થિર કરો. 

પરમાત્માના સ્વરૂપમાં આસક્તિ ના થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી.સંસાર સુંદર છે-એ વિચારમાંથી કામ નો ઉદ્ભવ થાય છે-પ્રભુ સુંદર છે-એમ વિચારવાથી-ભક્તિનો ઉદ્ભવ થાય છે.
પરમાત્માના એક એક અંગ માં મનને સ્થિર કરો.ઠાકોરજીના એક એક અંગમાંથી કમળની સુગંધ નીકળે છે-
એટલે તો –કર-કમળ,ચરણ-કમળ ,મુખ-કમળ એમ કહે છે. ઠાકોરજીના ચરણમાં –દ્રષ્ટિને સ્થિર કરો.આંખ સ્થિર થાય એટલે મન સ્થિર થાય છે. ધ્યાનમાં તન્મયતા થાય –એટલે સંસાર ભુલાય છે.દેહભાન ભુલાય છે-અને આનંદ આવે છે.

મા, એવી ભાવના કરવી-કે મારા પર ભગવાનની કૃપા થઇ છે. પ્રભુના કિરણો મારા પર પડે છે. ધ્યાન કરતાં-દેહની વિસ્મૃતિ થાય છે, ત્યારે આત્મા દેહથી છુટો પડે છે,ત્યારે તન્મયતા થાય છે,ત્યારે ધ્યાન કરનાર ને પરમાનંદ મળે છે-તે આનંદનું કોઈ વર્ણન કરી શકે નહિ.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE