Nov 26, 2019

ભાગવત રહસ્ય-૧૨૧

શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બહુ આનદમાં છો.!! સતી કહે છે-તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે.શિવજી-કહે-છે-દેવી,આ સંસાર છે.કોઈના ઘેર લગ્ન તો કોઈના ત્યાં છેલ્લા વરઘોડાની તૈયારી થાય છે, રડારડ થાય છે.સંસારમાં સુખ નથી. સુખરૂપ એક પરમાત્મા છે.તારા અને મારા પિતા નારાયણ છે.
સતી વિચારે છે-જયારે જયારે હું-કોઈ વાત કરુછુ,ત્યારે શિવજી વૈરાગ્યની જ વાતો કરે છે. મને પિયર માં જવાની ઉતાવળ છે-અને આ તો વૈરાગ્યનો ઉપદેશ આપે છે.

સતીએ કહ્યું-મહારાજ,તમે કેવા નિષ્ઠુર છો.તમને કોઈ સગાંસંબંધીઓને મળવાની ઈચ્છા થતી નથી.
શિવજી કહે-છે-દેવી, હું બધાને મનથી મળું છું. કોઈને શરીરથી મળતો નથી. કોઈને મળવાની મને ઈચ્છા પણ નથી.સતી બોલ્યાં-તમે તત્વનિષ્ઠ –બ્રહ્મરૂપ છો.પણ નાથ, મને ત્યાં જવાની બહુ ઈચ્છા છે.તમે પણ આવો.તમારું સન્માન થશે.શિવજી કહે-મને કોઈ સન્માનની ઈચ્છા નથી.

સતી-કહે-તમને બધું જ્ઞાન છે-પણ તમને વ્યવહારનું જ્ઞાન બરાબર નથી. આપણે કોઈને ત્યાં નહિ જઈએ તો આપણે ત્યાં કોઈ નહિ આવે.શિવજી કહે-તો તો બહુ સારું-કોઈ નહિ આવે તો બેઠા બેઠા રામ-રામ કરશું.
પછી શિવજી અણબનાવની બધી વાત કરે છે. છતાં સતી હઠ પકડી બેઠાં છે. પિતૃસ્નેહ અને પતિનિષ્ઠા વચ્ચે ખેંચતાણ ચાલે છે.સતી કહે છે-આપે મારા પિતાને માન કેમ ના આપ્યું ? શિવજી કહે-મેં મનથી તારા પિતાને માન આપેલું. હું કોઈનું અપમાન કરતો નથી.

સતી કહે-આ વેદાંતની ભાષા છે.મનના વંદનની મારા પિતાને કેવી રીતે ખબર પડે ? તમે એ વાત હવે ભૂલી જાવ.શિવજી કહે છે-દેવી,હું ભૂલી ગયો છું પણ તારા પિતા હજુ ભૂલ્યા નથી.
શિવજી સમજાવે છે-જ્યાં મને માન નથી ત્યાં જવાથી તમારું પણ અપમાન થશે. તમે માનિની છો, અપમાન સહન નહિ કરી શકો.તમે ત્યાં ન જશો,અનર્થ થશે.

સતીજીએ માન્યું નહિ.વિચારે છે-કે-હું યજ્ઞમાં નહિ જાઉં તો પતિ અને પિતા વચ્ચે નું વેર વધશે,સર્વને વેરની જાણ થશે.હું ત્યાં જઈ પિતાજીને કહીશ કે હું તો વગર આમંત્રણે આવી છું પણ મારા પતિ વગર આમંત્રણે નહિ આવે. માટે ભાઈને લેવા મોકલો.પિતા અને પતિની વેરની શાંતિ કરીશ. આજે પતિની આજ્ઞા નથી તો પણ પિયરમાં જઈશ.સતી એ ઘરનો ઉંબરો ઓળંગ્યો છે.

શિવજી એ જોયું-કે હવે જાય છે-તો પછી આવશે નહિ.ભલે જાય પણ એકલાં જાય તે ઠીક નથી. શિવગણોને આજ્ઞા કરી છે-કે-તમે પણ સાથે જાવ. સતી નંદિકેશ્વર પર સવાર થયાં છે. શિવજીએ સતીની સાડી વગેરે પોટલામાં બાંધ્યું. અને આપ્યું.હવે પછી આવવાની નથી તો,તેની કોઈ પણ યાદ કૃષ્ણ ભજનમાં વિક્ષેપ કરશે.

સતી યજ્ઞ મંડપમાં આવે છે.શિવજીનાં અર્ધાંગિની-આદ્યશક્તિ જગદંબાને સર્વ ઋષિઓ માન આપે છે.
સતી પિતાને વંદન કરે છે, દક્ષ મુખ ફેરવી લે છે. સતી ફરીથી પ્રણામ કરે છે. સતીને જોતાં દક્ષને ક્રોધ થયો છે.
અત્રે શા માટે આવી હશે ? દક્ષ-દક્ષ નથી અદક્ષ છે.
શ્રીધર સ્વામી એ લખ્યું છે-દક્ષ ,ક્રિયાદક્ષ નહિ પણ ક્રિયાઅદક્ષ-મૂર્ખ હતો.

સતી વિચારે છે-પિતા મારી સામે પણ જોતા નથી, હું ઘેર જઈશ. સભામાંડપમાં ફરે છે-જોયું તો ઈશાન 
દિશામાં શિવજીનું આસન ખાલી હતું.સર્વ દેવને ભાગ આપવામાં આવ્યો હતો પણ શિવજીને નહિ. પિતાએ પોતાનું અપમાન કર્યું તે સતી સહન કરી ગયાં-પણ પતિનું અપમાન તેમનાથી સહન થતું નથી. 
અતિદુઃખ થયું છે. જગદંબાને ક્રોધ આવ્યો છે,માથે બાંધેલ વેણી છૂટી ગઈ છે.
દેવો ગભરાયા અને માતાજી ને વંદન કરે છે,માતા ક્રોધ કરો નહિ.
સતી કહે છે-તમે ગભરાશો નહિ, આ શરીરથી મેં પાપ કર્યું છે,શિવજીની આજ્ઞા નું ઉલ્લંઘનકર્યું છે. હવે આ શરીરને હું બાળી દઈશ.સભામાં જગદંબાએ ૧૩ શ્લોકનું ભાષણ કર્યું છે.
અરે-તારા જેવો વિષયી –શિવતત્વને શું જાણે ? જે શરીરને આત્મા ગણે છે –તે શિવતત્વને શું જાણે ? મોટા મોટા દેવો –શંકરના  ચરણનો આશ્રય લે છે, શિવકૃપા વગર બ્રહ્મજ્ઞાન થતું નથી, શિવકૃપા વગર કૃષ્ણ ભક્તિ મળતી નથી.પ્રવૃત્તિ-નિવૃત્તિથી પર થઇ સ્વ-સ્વરૂપમાં લીન રહેનારા શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે.
મને દુઃખ થાય છે-શિવનિંદા કરનારા દક્ષની હું કન્યા છું. મને કોઈ દક્ષપુત્રી કહેશે તો મને દુઃખ થશે.

સતી ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠા છે. માતાજીએ શરીર માં અગ્નિ-તત્વની સ્થાપના કરી છે.અંદરથી ક્રોધાગ્નિ બહાર આવ્યો છે. શરીર બળી ને ભસ્મ થયું છે. (આદ્યશક્તિ(મૂળ શક્તિ)નો નાશ ના થાય-સતી ગુપ્ત રીતે શિવમાં મળી ગયાં છે) માતાજીનું અપમાન થયું છે-હવે દક્ષનું કલ્યાણ નથી.
નારદજી કૈલાસમાં આવી શંકરને કહે છે-તમે વિધુર થયા, આપ આ લોકોને શિક્ષા કરો.
શિવજી કહે-મારે કોઈને સજા કરવી નથી.

ગંગાજી માથે રાખે તેને ક્રોધ કેવી રીતે આવે ? બહુ સરળ થઈએ તો જગતમાં લોકો દુર્બળ માને છે.
નારદજી એ જયારે કહ્યું-કે-તમારાં ગણોને પણ માર પડ્યો છે-ત્યારે શિવજીને થોડો ક્રોધ થયો. 
જટા પછાડી-જટામાંથી વીરભદ્ર પ્રગટ થયો છે. 
વીરભદ્રને શંકરે કહ્યું-કે- દક્ષ પ્રજાપતિના યજ્ઞનો યજમાન સહિત તું વિનાશ કર.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE