Photo-By-Anil Shukla |
એક દેશમાં રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે. નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી.એક દિવસ મુનીમે કહ્યું-ચંદનના લાકડાં સડે છે,કોઈ બગડેલો માલ લેતું નથી, જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે.
ચંદન જેવું કિંમતી લાકડું રાજા સિવાય બીજું કોણ લે ? નગરશેઠને ધંધા માટે સ્વાર્થનો વિચાર આવ્યો છે, આ રાજાનું કંઈક થઇ જાય તો સારું. રાજા મરી જાય તો –બાળવા માટે ચંદનની જરૂર પડે-ને મારું સઘળું ચંદન વેચાઈ જાય. નગરશેઠના મન માં રાજા પ્રત્યે કુભાવ આવ્યો-તે જ વખતે રાજાના મનમાં પણ સેવા કરતાં વિચાર આવ્યો. આ શેઠ તિલક કરે છે-ભક્તિનો ડોળ કરે છે,તેને મારવો જોઈએ. શેઠ નિસંતાન છે,એટલે
તેનું ધન રાજ ખજાનામાં આવશે. રાજાને ભક્તિમાં આજ આનંદ આવતો નથી.
રાજા ફરીથી વિચારે છે-કે આજે આવો વિચાર કેમ આવ્યો? મનમાં પાપ છુપાવીશ તો પાપ વધશે. રાજા સત્સંગી વૈષ્ણવ હતા.તેમણે શેઠ આગળ –આ ખરાબ વિચારની હકીકત જાહેર કરી.શેઠે પણ –બોલતાં પણ શરમ આવે તેવી હકીકત રાજાને કહી.રાજાએ શેઠને ઠપકો આપ્યો. આવા ખરાબ વિચાર વૈષ્ણવને શોભે નહિ. એવું કેમ ના વિચાર્યું કે રાજા –ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવે –કે રાજા મહેલના દરવાજા ચંદન ના બનાવે.!! બંનેના મન શુદ્ધ થયા અને એકબીજા પ્રત્યે સારી ભાવના રાખી,બંને સુખી થયા.
જગતના કોઈ પણ જીવ માટે વિરોધ ના કરવો. શુદ્ધ ભાવના વગર કરેલું સત્કર્મ નકામું છે. તેથી ઘણીવાર-ધર્મ,અધર્મ બને છે.દક્ષપ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો-તેથી તેમનો ધર્મ,અધર્મ થયો છે. તેનો યજ્ઞ તેને મારનારો થયો.સર્વમાં સદભાવ-સમભાવ રાખવો તે ઉત્તમોઉત્તમ ધર્મ છે.
મહાભારતમાં જોઈએ છીએ કે -કેટલીક વાર શ્રીકૃષ્ણ અધર્મ કરે છે,પણ તેમના મનમાં સર્વ પ્રત્યે સદભાવ છે.
સર્વમાં સદભાવ રાખી અધર્મ કરવામાં આવે તો તે-અધર્મ પણ ધર્મ બને છે.(ધર્મની ગતિ સૂક્ષ્મ છે)
મહાભારત ના કર્ણપર્વ અને દ્રોણપર્વમાં આ બાબતનાં દ્રષ્ટાંતો છે.
કર્ણ જે વખતે રથનું પૈડું જમીનમાંથી કાઢતો હતો-અને નિશસ્ત્ર હતો ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું-
તું આ કર્ણ ને માર.કર્ણ કહે છે-તમે વીર છો, યુદ્ધશાસ્ત્રને જાણો છો. નિશસ્ત્રને મારવો અધર્મ છે.
ભગવાન કર્ણને કહે છે-તમે આજ સુધી ધર્મનું પાલન કેટલું કર્યું છે ? મૂરખાને હવે અક્કલ આવે છે ?
હવે ધર્મ સુઝે છે? સોળ વર્ષના અભિમન્યુ ને તમે બધાં એ ભેગા થઇ માર્યો-ત્યારે ધર્મ ક્યાં ગયો હતો ?
ભરી સભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું ત્યારે ધર્મ ક્યાં ગયો હતો ?
તેં ધર્મ નું પાલન કર્યું નથી અને બીજાને ઉપદેશ આપે છે ?
યુદ્ધમાં દ્રોણાચાર્ય પાંડવસેનાનો કચ્ચરઘાણ વાળે છે. શ્રીકૃષ્ણે વિચાર્યું-આ ડોસો નહિ મરે તો અનર્થ થશે.તેવામાં અશ્વસ્થામા નામનો હાથી મરાયો. શ્રીકૃષ્ણને થયું-જો દ્રોણાચાર્યને કહેવામાં આવે-કે-તમારો પુત્ર મરાયો છે-તો પુત્રશોકને કારણે તે યુદ્ધ બંધ કરશે.ધર્મરાજા જો દ્રોણાચાર્યને કહે તો જ તે સાચું માનશે.એટલે ધર્મરાજાને શ્રીકૃષ્ણે કહ્યું-બોલો કે અસ્વસ્થામાં મરાયો.ધર્મરાજાએ કહ્યું-મારા ગુરુએ મને આજ્ઞા કરી છે-સત્યં વદ-ધર્મ ચર. મારાથી અસત્ય કેમ બોલાય ? મને પાપ લાગશે.
ભગવાન કહે-સર્વનું કલ્યાણ થાય તે-સત્ય.યુદ્ધ કરવું એ બ્રાહ્મણનો ધર્મ નથી. દ્રોણાચાર્ય અધર્મ કરી રહ્યા છે. માટે હું કહું છું કે-બોલો-અશ્વસ્થામા હતઃ(અશ્વસ્થામા મરાયો છે). પ્રભુના આગ્રહથી ધર્મરાજા તેમ બોલે છે.પણ ખોટું બોલવાનું પાપ ના લાગે –એટલે-ધીમે થી બોલ્યા-નરો વા કુંજરો વા.(માણસ કે હાથી).
પણ આ છેલ્લા શબ્દો કોઈને ના સંભળાય એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો.
દક્ષ પ્રજાપતિનો યજ્ઞરૂપ –ધર્મ –શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી –તે અધર્મરૂપ બની,દક્ષને મારનારો થયો.જ્યારે શ્રીકૃષ્ણનો અસત્ય ભાષણ રૂપ- અધર્મ –પણ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી-ધર્મરૂપ ગણાયો.સર્વના કલ્યાણ માટે કરેલો અધર્મ પણ ધર્મ બને છે.