Oct 29, 2019

ભાગવત રહસ્ય-૯૪

સનતકુમારો(સનકાદિ) ઋષિઓએ જય-વિજયને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી તેઓ મારા ધામમાં આવવા માટે લાયક નથી. (ભગવાન પ્રથમ પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠમાં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી સનકાદિને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.સનતકુમારો વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી.

જેનાં કપડાં મેલાં હોય-જેનું ચારિત્ર્ય સારું ના હોય તો તેની સામે આપણને પણ જોવાની ઈચ્છા થતી નથી.
ભગવાન નજર એટલા માટે નથી આપતા કે-મારો કહેવડાવે છે-અને પાપ છોડતો નથી. મારો પટ્ટો (કંઠી) ગળામાં રાખે છે,વૈષ્ણવ છે-તેમ કહેવડાવે છે-અને ક્રોધ કરે છે-તને જોતાં મને શરમ આવે છે.
બાકી-જો- અગર ખુદા નજર દે-તો-સબ સુરત ખુદા કી હૈ...........

સનતકુમારો એ જોયું-કે પ્રભુ આજ હસતા નથી-નજર આપતા નથી. પોતાના દોષ (સ્વ-દોષ) નું ભાન થયું. પરમાત્માને વંદન કરી કહ્યુંકે- અમારા અપરાધની ક્ષમા કરો,તમારાં પાર્ષદોને અમે સજા કરી છે-હવે તમે અમને સજા કરો.‘ જબ લગ નહિ દીનતા,તબ લગ ગિરિધર કૌન ? કૃપા ભઈ તબ જાનિએ, જબ દિખે અપનો દોષ ‘
સનકાદિને સ્વ-દોષ નું ભાન થયું. વિચારે છે-કે પ્રભુ હજી તેમના ધામમાં બોલાવતા નથી,નજર આપતા નથી, અમારે વધુ તપશ્ચર્યા કરવાની જરૂર છે-હજુ ક્રોધ અમારામાંથી ગયો નથી.---સનકાદિ ત્યાંથી પાછા બ્રહ્મલોક માં પધારે છે.

ભાગવત ઉપર ઉત્તમ ટીકા –શ્રીધર સ્વામી ની છે.ગંગાકિનારે માધવરાયના ચરણમાં બેસીને શ્રીધરસ્વામીએ ટીકા લખી છે. ટીકા પર માધવરાયે સહી કરી છે.“શ્રીધરસ્વામીએ –જે- લખ્યું છે તે બધું મને માન્ય છે.”
આ પ્રસંગ પર શ્રીધરસ્વામીએ બહુ વિચાર કર્યો છે. કહ્યું છે-કે-
--જે સતત બ્રહ્મચિંતન કરે –તેને ક્રોધ આવે નહિ-સનતકુમારોને ક્રોધ આવે તે અનુચિત છે.(યોગ્ય નથી)
--પ્રભુના પાર્ષદો માં પ્રભુ જેવા જ ગુણો હોય છે-પણ જય-વિજય માં સનતકુમારો ને ઓળખી નહિ શકવાનું અજ્ઞાન અને તેમને અટકાવવા -તે અનુચિત છે.
--વૈકુંઠમાં આવનારનું પતન થતું નથી, પણ જય-વિજય નું વૈકુંઠમાંથી પતન થવું તે અનુચિત છે.
--જય-વિજય એ પ્રભુના આશ્રિત છે,આશ્રિતનો ભગવાન ત્યાગ કરે –તે ભગવાન માટે –અનુચિત છે.
આ ચારેય યોગ્ય નથી.

પણ પછી વિચાર કરીને ટીકામાં લખ્યું છે-કે-ના-ના- આ બધું જ બરાબર છે –યોગ્ય છે.
પરમાત્માની લીલા-માનવનું આકર્ષણ કરવા માટે છે. ઘણા સમયથી વૈકુંઠમાં નારાયણ આરામ કરતા હતા. તેમને કુસ્તી કરવાની ઈચ્છા થઇ. ભગવાન જોડે –વૈકુંઠમાં કોણ કુસ્તી કરી શકે ?
ભગવાને વિચાર્યું-કે-મારા પાર્ષદો –પૃથ્વી પર જાય તો –તેમની સાથે હું કુસ્તી કરી શકું.
તેથી ભગવદ-ઈચ્છાથી જય-વિજયમાં અજ્ઞાન આવ્યું છે.
સનતકુમારોને ક્રોધ આવે નહિ.પણ ભગવદ-ઇચ્છાથી –તેઓમાં ક્રોધ આવ્યો છે.
જયવિજયનું વૈકુંઠમાંથી પતન થયું નથી- ત્રણ જન્મ પછી –ફરી તેમનો વૈકુંઠ વાસ થયો છે.
આ બધું જ ભગવદ-ઈચ્છાથી થયું છે. ભગવાનને અવતાર લેવાની –ઈચ્છા-થાય –એટલે ભગવાન આવું-કારણ- ઉભું કરે છે.ભગવાન આપણા માટે લીલા કરે છે. લીલાની કથાઓ આપણું કલ્યાણ કરવા માટે છે.

જય-વિજયને સાંત્વના આપી પ્રભુ કહે છે-કે-
તમારાં ત્રણ અવતારો થશે-(૧) હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ (૨) રાવણ-કુંભકર્ણ (૩) શિશુપાલ-દંતવક્ત્ર
અને તમારો ઉદ્ધાર કરવા-હું પણ અવતાર લઈશ.
સનતકુમારોના શાપથી-જય-વિજય, -અનુક્રમે- હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ –તરીકે અવતર્યા છે.

શુકદેવજી વર્ણન કરે છે-સનકુમારોએ જય-વિજયને શાપ આપ્યો.તે જ સમયે કશ્યપ-દિતિનો સંબંધ થયો છે. દિતિના ગર્ભમાં જય-વિજય આવ્યા છે. દિતિને બે બાળકોનો જન્મ થયો છે-તેમના નામ રાખ્યા છે- હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ.કુસમયે કરેલા કામોપભોગથી દિતિ-કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો છે.
મહાપ્રભુજીએ –આ ચરિત્રની સમાપ્તિ કરતાં કશ્યપ પર ત્રણ દોષો નાંખેલા છે-
કર્મત્યાગ-મૌનત્યાગ-સ્થાનત્યાગ.
  
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE