Oct 28, 2019

ભાગવત રહસ્ય-૯૩

જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠાનો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-ને અતિસાવધ રહેવાથી કામને જીતી શકાય છે.પણ દ્રવ્યત્યાગ અને કામત્યાગ કર્યા પછી –કેટલાંક મહાત્માઓને-માયા-એ- કીર્તિમાં ફસાવે છે.
સાધુ મહાત્માઓને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.


મોટા મોટા રાજાઓને જગત ભૂલી ગયું છે,તો મારી પાછળ મારું નામ રહે તે -આશા રાખવી વ્યર્થ છે.મઠ-મંદિર અને આશ્રમની આસક્તિ –એ ભક્તિમાં વિઘ્ન કરનારી છે.જ્ઞાની પુરુષો પરમાત્માના દ્વાર સુધી પહોંચે છે-પણ જો કીર્તિમાં ફસાય તો ત્યાંથી નીચે ગબડી પડે છે.
મનુષ્યને પણ કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે-અનિલનિવાસ. પણ અનિલભાઈ તેમાં કેટલા દિવસ રહેવાના? ઘરને ઠાકોરજીનું નામ આપો.

ચેલાઓ વખાણ કરે એટલે-ગુરુને લાગે કે હું બ્રહ્મ રૂપ થઇ ગયો છું. પછી સેવા-સ્મરણમાં ઉપેક્ષા જાગે-અને પતન થાય છે.યોગીઓને સિદ્ધિ મળે-એટલે તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. સિદ્ધિના ઉપયોગથી પ્રસિદ્ધિ વધે-એટલે પતન થાય છે.ક્રોધ કરવાથી સનતકુમારોને ભગવાનના સાતમાં દરવાજેથી પાછા વળવું પડ્યું.
સનતકુમારોનો ક્રોધ સાત્વિક છે-(દ્વારપાળો ભગવદદર્શનમાં વિઘ્ન કરે છે-તેથી ક્રોધ આવ્યો છે)
એટલે ભગવાન અનુગ્રહ કરીને બહાર આવીને દર્શન દીધાં.પરંતુ સનતકુમારો ભગવાનના મહેલમાં દાખલ થઇ શક્યા નહિ.કર્મમાર્ગમાં વિઘ્ન કરનાર-કામ-છે.-કશ્યપ-દિતિને કામે વિઘ્ન કર્યું.
ભક્તિમાર્ગ માં વિઘ્ન કરનાર લોભ છે. જ્ઞાનમાર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે.-સનતકુમારોને ક્રોધે વિઘ્ન કર્યું.

એકનાથજી મહારાજે-ભાવાર્થ રામાયણમાં લખ્યું છે-કે-કામી-લોભી-ને તત્કાળ કદાચ થોડો લાભ થાય છે.કામી,કામસુખ ભોગવે છે અને લોભી પૈસા ભેગા કરે છે-પણ ક્રોધ કરનાર ને તો કાંઇ મળતું નથી-માટે ક્રોધ છોડવો જોઈએ.ગીતામાં પણ કહ્યું છે-પુરુષનો નાશ કરનાર ત્રણ નરકના દ્વાર છે-માટે એ ત્રણ કામ,ક્રોધ અને લોભનો તરત ત્યાગ કરવો જોઈએ (ગીતા-૧૬-૨૧)
(ક્રોધ ની કોઈ વ્યાખ્યા નથી. ક્રોધ એ –કામ અને લોભની એક સાઈડ-નિપજ-By product છે. કામ- એટલે જે પોતાની પાસે નથી તે પામવાની ઈચ્છા.- અને- લોભ -એટલે પોતાની પાસે જે છે તે નહિ ગુમાવવાની ઈચ્છા. આ બંને 'ઈચ્છા' પૂરી ન થાય એટલે ક્રોધ આવે છે) 

ભક્તિમાર્ગમાં લોભ વિઘ્ન કરે છે.ઘણા બાબાનો શુટ બનાવવો હોય તો-સો રૂપિયે વારનું કાપડ લાવે –અને ઠાકોરજીના વાઘા માટે દશ રૂપિયે વારનું કપડું લાવે.ઠાકોરજી માટે ફૂલ લેવા નીકળે –અને ગુલાબ મોંઘુ હોય તો ચાર આનાના કરેણના ફૂલ લાવે-પણ જો ઘરવાળીએ કીધું હોય –કે આજે મારી માટે સારી વેણી લાવજો-તો-ગમે તેટલાં રૂપિયા ખર્ચી વેણી લઇ આવે.સત્યનારાયણની કથામાં પાંચસોનું પીતાંબર પહેરી બેસે-અને જયારે ઠાકોરજીને પીતાંબર પહેરાવવાનું આવે ત્યારે કહેશે-કે-પેલું નાડું લાવ્યા હતા તે ક્યાં ગયું ?નાડું (નાડાછડી) લાવજો. ભગવાન કહે છે-બેટા,હમ સબ સમજતે હૈ.હું પણ તને એક દિવસ લંગોટી પહેરાવીશ. 
મેં પણ તારા માટે લંગોટી પહેરવા કંદોરાનું નાડું તૈયાર રાખ્યું છે.
આવું બધું ના કરો. લોભ રાખ્યા વગર-ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરો.
૨૫૨- ભક્તોની વાર્તાઓમાં –જમનાદાસ ભક્તનું એક દ્રષ્ટાંત આવે છે.
જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજી માટે બજારમાં ફૂલ લેવા નીકળ્યા. ફૂલવાળાની દુકાને એક સારું કમળનું ફૂલ જોયું .અને જમનાદાસજી એ વિચાર્યું કે આ સુંદર કમળ જ ઠાકોરજી માટે લઇ જઈશ.
બરોબર એજ વખતે એક યવનરાજા ત્યાં આવે છે-તેને પોતાની રખાત વેશ્યા માટે ફૂલ જોઈતું હતું.
જમનાદાસ માળીને ફૂલની કિંમત પૂછે છે. માળી પાંચ રૂપિયા કિંમત જણાવે છે. તે જ વખતે યવન રાજા વચ્ચે કુદી પડે છે.અને કહે-કે હું દશ રૂપિયા આપવા તૈયાર છું. 

જમનાદાસ માળીને કહે છે-કે હું પચીસ રૂપિયા આપવા તૈયાર છું. પછી તો ફૂલ –લેવા હરીફાઈ ચાલે છે.જમનાદાસની છેવટની બોલી-એક લાખ થઇ ગઈ. યવન રાજા વિચારે છે કે-એક લાખ રૂપિયા હશે તો બીજી સ્ત્રી મળશે. ત્યારે જમનાદાસજીને મન તો ઠાકોરજી સર્વસ્વ હતા.તેમનો પ્રેમ સાચો-શુદ્ધ હતો. યવન રાજાને તો વેશ્યા તરફ સાચો પ્રેમ નહોતો-તે તો મોહ હતો.પોતાની સઘળી મિલકત વેચીને –એક લાખ રૂપિયા કિંમત આપી-ફૂલ ખરીદી-ઠાકોરજીની સેવામાં અર્પણ કરે છે.
ઠાકોરજીના માથા પરથી આજે મુગુટ નીચે પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે છે-કે-ભક્તના આ કમળનું વજન મારાથી સહન થતું નથી.

સનતકુમારોએ ક્રોધમાં –જય-વિજયને શાપ આપ્યો છે. કહે છે-ભગવાન સર્વમાં સમભાવ રાખે છે. પણ તમારા માં વિષમતા છે. અમને સાધારણ બાળકો સમજીને અટકાવો છો. અમારી લાયકાત ના હોત તો અમે અહીં સુધી કેવી રીતે આવી શક્યા હોત ? વિષમતા તો રાક્ષસો કરે છે. માટે જાવ તમે રાક્ષસો થાવ.
દૈત્યકુળમાં તમારે ત્રણ વખત જન્મ લેવા પડશે.

    
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE