Oct 24, 2019

ભાગવત રહસ્ય-૮૯

દુર્જનનો –સંયોગ- દુઃખ આપે છે, જયારે વૈષ્ણવનો –વિયોગ-દુઃખ આપે છે.
ઉદ્ધવજી બદ્રીકાશ્રમ પધાર્યા અને વિદુરજી –ગંગા કિનારે આવેલા મૈત્રેયઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા.યમુનાજીએ કૃપા કરી –નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન ,વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી,ગંગાજી જ્ઞાન- વૈરાગ્યનું દાન કરે છે.યમુનાજીને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા-કિનારાનો બહુ મોટો મહિમા છે.

ગંગાજીને વંદન કરી,સ્નાન કર્યું છે.ગંગા કિનારાના પથ્થરો ઉપર પગ મુકતાં પણ વિદુરજીને સંકોચ થાય છે. કેવાં કેવાં મહાત્માઓની ચરણરજ –આ પથ્થરો પર પડેલી હશે!! તે ચરણરજ પર મારાથી પગ કેમ મુકાય ? આ પથ્થરો કેટલા ભાગ્યશાળી છે !! પથ્થરોને જોતાં-વિદુરજીને પરમાત્મા યાદ આવે છે.પ્રત્યેક પદાર્થને જોતાં જેને પરમાત્મા યાદ આવે તો સમજવું કે આ છેલ્લો જન્મ છે. વિદુરજીનો આ છેલ્લો જન્મ છે.

દાસબોધના છેલ્લા પ્રકરણમાં રામદાસ સ્વામીએ –છેલ્લા જન્મના કેટલાંક લક્ષણો બતાવ્યા છે.
જેની બુદ્ધિમાંથી કામ નીકળી જાય, કે જેને બાલ્યાવસ્થાથી જ ભક્તિનો રંગ લાગે,કે જેને ચોવીસ કલાક ભક્તિ નો રંગ લાગેલો રહે-તેનો –તે છેલ્લો જન્મ છે,પણ જો કોઈ વખત ભગવતભાવ અને કોઈ વખત સંસારના ભાવ જાગે તો માનવું,કે હજુ જન્મ લેવાનો છે.

હરદ્વાર પાસે-કુશાવર્ત તીર્થમાં મૈત્રેયઋષિનો આશ્રમ છે. આશ્રમમાં આવી વિદુરજી- મૈત્રેયઋષિને સાષ્ટાંગ પ્રણામ કરે છે.મૈત્રેયઋષિએ તેમનું સ્વાગત કર્યું અને કહે છે-કે- વિદુરજી તમને હું ઓળખું છું.આપ ભલે મને વંદન કરો,પણ તમે મહાન છો.એક દિવસ એવો આવે છે-કે-જીવ તમારી પાસે હાથ જોડીને આવે છે. તમે યમરાજાનો અવતાર છે.માંડવ્યઋષિના શાપથી તમારો આ દાસીપુત્ર તરીકે શુદ્રને ત્યાં જન્મ થયો છે.

માંડવ્યઋષિની કથા એવી છે કે-એક વખત કેટલાક ચોરો-રાજાના ખજાનામાંથી ચોરી કરી નાઠા. પાછળ સૈનિકો પડ્યા,એટલે ડરથી, રસ્તામાં આવતા માંડવ્યઋષિના આશ્રમમાં બધું ઝવેરાત ફેંકી –નાસી ગયા. સૈનિકો માંડવ્યઋષિને પકડી રાજા પાસે લાવ્યા-રાજાએ માંડવ્યઋષિને શૂળી પર ચઢાવવાની આજ્ઞા કરી. માંડવ્યઋષિ શૂળીની અણી પર ગાયત્રી મંત્રનો જાપ કરે છે, ચોવીસ કલાક થયા પણ ઋષિના શરીરમાં 
શૂળીનો પ્રવેશ થયો નથી. ઋષિનું દિવ્ય તેજ જોઈ રાજા ને લાગ્યું કે –આ કોઈ ચોર નથી પણ પવિત્ર તપસ્વી મહાત્મા લાગે છે.ઋષિ ને શૂળી પર થી નીચે ઉતરાવ્યા.સઘળી હકીકત જાણી,રાજાને દુઃખ થયું, અને ઋષિની માફી માંગે છે.માંડવ્યઋષિ કહે છે-રાજન,તને ક્ષમા આપીશ –પણ યમરાજને હું માફ નહિ કરું. મેં પાપ નથી કર્યું તો મને આવી સજા કેમ ?

માંડવ્યઋષિ યમરાજના દરબારમાં આવી યમરાજને પૂછે છે-મને કયા પાપની સજા કરવામાં આવી છે ?
યમરાજાએ જોયું તો ઋષિના નામે કોઈ પાપ જમા ના મળે. યમરાજ ગભરાણા છે.યમરાજાએ વિચાર્યું-કે-ભૂલ થઇ છે-એમ કહીશ તો શાપ આપશે, એટલે કહ્યું છે કે-તમે ત્રણ વર્ષના હતા-ત્યારે એક પતંગિયાને કાંટો ભોંકેલો-તેની આ સજા છે.

માંડવ્યઋષિ કહે છે-શાસ્ત્રમાં આજ્ઞા છે-કે કોઈ મનુષ્ય અજ્ઞાનાવસ્થામાં કાંઇ પાપ કરે તો તેની સજા જાગૃત અવસ્થામાં નહિ,સ્વપ્નાવસ્થામાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો, અને કરેલા પાપની સજા સ્વપ્નામાં કરવી જોઈતી હતી,તમે ગેરવાજબી પણે ખોટી સજા કરી છે, ધર્મરાજાના પવિત્ર આસન પર બેસવા તમે લાયક નથી, તેથી હું તમને શાપ આપું છું-કે –જાઓ, શૂદ્રયોનિમાં તમારો જન્મ થાઓ.
આ પ્રમાણે માંડવ્યઋષિના શાપ થી –યમરાજા –વિદુર તરીકે દાસીને ઘેર જન્મ્યા.

વિદુરજી વિચારે છે-એકવાર મારી ભૂલ થઇ અને દેવનો મનુષ્ય બન્યો,હવે હું અસાવધ રહીશ તો પશુ બનીશ. હવે મારા હાથે કોઈ પુણ્ય ના થાય તો વાંધો નહિ-પણ પાપ તો ના જ થાય. પાપ ના કરે એ જ મહાપુણ્ય છે.
પીપા ભગતે કહ્યું છે-પીપા પાપ ના કીજીએ, તો પુણ્ય કિયા સો બાર.

તે પછી-વિદુરજી-મૈત્રેયજીને અનેક પ્રશ્નો પૂછે છે.
ભગવાન અકર્તા હોવા છતાં-કલ્પ ના આરંભમાં આ સૃષ્ટિની રચના તેમણે કેવી રીતે કરી ?
સંસારના લોકો સુખ માટે પ્રયત્ન કરે છે પણ ના તેમને સુખ મળે છે-કે ના તેમના દુઃખ દૂર થાય છે.
આનો જવાબ મળે એવી કથા કહો. તેમજ ભગવાનની લીલા ઓનું વર્ણન કરો.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE