Oct 23, 2019

ભાગવત રહસ્ય-૮૮

આ બાજુ પ્રભુએ દ્વારિકાનો ઉપસંહાર કરવાનો નિશ્ચય કર્યો છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને ભાગવત-ધર્મના જ્ઞાનનો ઉપદેશ કર્યો.અને કહ્યું-ઉદ્ધવ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે.તારાથી આ બધો ઉપસંહાર જોવાશે નહિ. તું બદ્રીકાશ્રમ જા.
ઉદ્ધવ કહે છે –કે-મને એકલા જતાં બીક લાગે છે,તમે મારી સાથે આવો. તમે મને છેવટ સુધી સાથ આપો.

શ્રીકૃષ્ણ કહે છે-ઉદ્ધવ તું મને બહુ વહાલો છે,પણ કાયદો ના પાડે છે. જીવ એકલો જ આવે છે- અને એકલો જ જાય છે.આ સ્વરૂપે હું તારી સાથે નહિ આવી શકું. પણ ક્ષેત્રજ્ઞ રૂપે-ચૈતન્ય રૂપે હું તારા માં જ રહેલો છું. મારું સ્મરણ કરીશ એટલે હું હાજર થઇ જઈશ.તું એવી હંમેશા ભાવના રાખજે-કે હું તારી સાથે જ છું.
ઉદ્ધવજી પ્રાર્થના કરે છે-નાથ, ભાવના –આધાર વગર ના થઇ શકે-મને કોઈ એવો આધાર આપો-જેમાં હું તમારી ભાવના કરું.કૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ તે મારી બહુ સેવા કરી છે.અત્યારે હું તને શું આપું ?
મારી ચરણપાદુકા લઇ જા.રામાયણમાં ભરતજીને અને ભાગવતમાં ઉદ્ધવજીને ચરણપાદુકા પ્રભુએ આપી છે.

ઉદ્ધવજી એ ચરણપાદુકા મસ્તક પર ધારણ કરી છે. મસ્તક એ બુદ્ધિપ્રધાન છે.તેમાં પ્રભુને પધરાવો તો મનમાં કોઈ વિકાર આવશે નહિ.જે એકલો ફરે તે દુઃખી થાય છે,પણ પરમાત્માને સાથે રાખી ને ફરે છે-તે સુખી થાય છે. પરમાત્માને સાથે રાખો તો બધું શક્ય છે,પરમાત્મા વગર બધું અશક્ય છે.

શુકદેવજી વર્ણન કરે છે-ઉદ્ધવ બદ્રીકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાજીનાં-વ્રજભૂમિનાં દર્શન થયાં.ઉદ્ધવજીએ યમુનાજીમાં સ્નાન કર્યું છે.પરમાનંદ થયો છે.ઉદ્ધવજી વિચારે છે-આ તો માલિકની લીલાભૂમિ-નાના હતા ત્યારે અહીં રમ્યા છે. અહીં થોડા દિવસ રહીશ.કોઈ સંત મળશે તો સત્સંગ કરીશ. કોઈ પ્રભુનો લાડીલો મળી જાય તો જ બોલવું છે-નહીતર મૌન રાખીશ.

વૃંદાવનમાં ગુપ્ત રીતે અનેક સાધુઓ –રાધાકૃષ્ણની લીલાઓનાં દર્શન કરતાં આજ પણ ફરે છે.
યમુના કિનારે રમણરેતીમાં વિદુરજી બેઠા છે,પંચકેશ વધ્યા છે,બાલકૃષ્ણની માનસી સેવામાં તન્મય છે, અષ્ટાક્ષર મંત્રનો જપ કરે છે.‘શ્રીકૃષ્ણ શરણં મમ’-આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે.ઉદ્ધવજીની દૃષ્ટિ પડી અને ઓળખી ગયા. છત્રીસ વર્ષની યાત્રામાં –વિદુરજીને ઓળખાનાર એક ઉદ્ધવ –જ નીકળ્યા. ઉદ્ધવને આનંદ થયો –અને ત્યાં રમણરેતીમાં જ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. તેજ વખતે –વિદુરજીએ આંખો ઉઘાડી છે.કહ્યું-મને વંદન કરો તે યોગ્ય નથી. વિદુરજી-ઉદ્ધવ ને વંદન કરે છે.ઉદ્ધવજીએ વિદુરજીને ઉઠાવી લીધા છે. બે પરમ વૈષ્ણવોનું મિલન થયું છે.

કોઈ વંદન કરે તે પહેલાં વંદન કરો.વંદન માગે તે વૈષ્ણવ નહિ,સર્વને વંદન કરે તે વૈષ્ણવ.(સકળ લોક માં સહુને વંદે) સંતોનું મિલન કેવું હોય છે? 
ચાર મિલે-ચોસઠ ખીલે-વીસ રહે કર જોડ---હરિજન સે હરિજન મિલે –તો બિહસે સાત કરોડ.
(ચાર=ચાર આંખો, ચોસઠ=ચોસઠ દાંતો, વીસ=હાથ પગ ના આંગળા, સાત કરોડ=સાત કરોડ રુંવાટીઓ, હરિજન=હરિના લાડીલા જન)

વિદુર અને ઉદ્ધવ નો દિવ્ય સત્સંગ થાય છે. સાયંકાળે –બંને મળ્યા –આખી રાત કૃષ્ણ લીલાઓનું –ભગવદવાર્તાઓનું વર્ણન કર્યું છે. શ્રીકૃષ્ણ કથા કરતાં –ઉદ્ધવજી -તન્મય થયા છે. આખી રાત લાલાની વાતો કરી છે.ઉદ્ધવજીના જીવનમાં આવું જ પહેલાં પણ એક વાર બનેલું.ઉદ્ધવજી જયારે નંદ-યશોદાને આશ્વાસન આપવા ગયેલા,ત્યારે નંદ –યશોદાએ આખી રાત લાલાની વાતો કરી હતી.

સવાર થયું-એટલે યમુનામાં સ્નાન કરી ઉદ્ધવજી આવ્યા. અને વિદુરજીને કહે છે-કે-મને પ્રભાસમાં પ્રભુએ –ભાગવતધર્મનો ઉપદેશ કર્યો અને બદ્રીકાશ્રમમાં જવાની આજ્ઞા આપી છે. તમારાં દર્શન-સત્સંગથી ઘણો
આનંદ થયો છે,પણ મારે બદ્રીકાશ્રમ જવું છે.મને રજા આપો.વિદુરજી કહે છે-પ્રભુએ જે ભાગવતધર્મનો તમને ઉપદેશ કર્યો-તે સાંભળવાની મને ઈચ્છા છે. હું લાયક તો નથી,પણ પ્રભુએ કૃપા કરીને –આ- સાધારણ જીવને એક વખતે અપનાવ્યો હતો. આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો.

વિદુરજીનું દૈન્ય જોઈને ઉદ્ધવજીને આનંદ થયો છે-કહે છે-તમે ભલે એવું બોલો કે હું લાયક નથી, પણ તમે કોણ છો,તે હું જાણું છું.વિદુરજી તમે સાધારણ નથી,તમે મહાન છે. વધારે તો શું કહું? મને જયારે ભાગવતધર્મ નો ઉપદેશ કર્યો-ત્યારે મૈત્રેયજી ત્યાં બેઠેલા હતા,બીજા કોઈને ય નહિ પણ તમને ત્રણ વાર પ્રભુએ યાદ કરેલા. કહેતા હતા-“મને બધા મળ્યા પણ મારો વિદુર મને મળ્યો નહિ, મેં એક વખત વિદુરના ઘરની ભાજી ખાધેલી,તેની મીઠાશ હજુ સુધી ભુલાતી નથી.”વિદુરજી- “મારો” શબ્દ મેં પરમાત્મા ના મુખમાંથી નીકળેલો કદી સાંભળ્યો નથી, પણ તમારાં માટે “મારો વિદુર” એવું બોલેલા.

ભગવાનને બધાં કહે છે-કે-પ્રભુ હું તમારો છે,પણ જ્યાં સુધી ભગવાન કહેતાં નથી-કે-હું તારો છું. ત્યાં સુધી સંબંધ કાચો.ભગવાન જેને –મારો- કહે તેનો બેડો પાર છે. ઠાકોરજી બહુ પરીક્ષા કરશે-પછી કહેશે –કે તું મારો છે.જીવ મંદિરમાં જઈ ભગવાન ને કહેશે –કે-મારું સર્વસ્વ તમને અર્પણ કરું છું,હું તમારો છું. અને ઘેર આવીને –બબલીની બા ને કહેશે-કે-હું તારો છું,તારા વિના મને ચેન પડતું નથી.
ભગવાન કહે-કે-બેટા તારું સર્વસ્વ શું છે-તે હું જાણું છું.
ભગવાનને બધા કહે છે-હું તમારો છું,પણ કોઈ એમ કહેતા નથી-કે હું તમારો છું અને બીજા કોઈનો નથી.

તુલસીદાસ –રામજી સાથે વાતો કરે છે-કહે છે-હું યુવાનીમાં કામી હતો, મારા જેવા કામીને “તુલસી મારો છે” એમ કહેતાં –તમને શરમ આવે તે સ્વાભાવિક છે,પણ નાથ,હું એવું નથી કહેતો કે હું તમારો છું,તમારો ભક્ત છું. પણ હું તો તમારે આંગણે રહેનારો એક કૂતરો છું.મને તમારાં આંગણમાં રહેવા દેજો, મને અપનાવજો.
“તુલસી કુત્તા રામકા,મોતિયા મેરા નામ, કાંઠે દોરી પ્રેમકી,જીત ખેંતો ઉત જાય.” મેં તમારો પટ્ટો (કંઠી) ગળામાં રાખી છે.

વિદુરજી ભાવમય થયા આંખમાં આંસુ આવ્યા છે –ઉદ્ધવને કહે છે-મારા ભગવાને મને યાદ કરેલો?
ઉદ્ધવજી કહે છે-વિદુરજી તમે ભાગ્યશાળી છો,પરમાત્માએ તમારો સ્વીકાર કર્યો છે. ભગવાને એક વખત નહિ પણ ત્રણ વખત તમને યાદ કરેલા, મૈત્રેયજીને તેમણે કહેલું –કે-મેં વિદુરજીના ઘરની ભાજી એક વખત ખાધેલી, હું તેના ઋણ માં છું, બધાને મેં આપ્યું છે,પણ વિદુરજીને કાંઇ આપ્યું નહિ, માટે જયારે તમને મારો વિદુર મળે ત્યારે –આ ભાગવતધર્મનું જ્ઞાન તેને આપજો.ગંગાકિનારે મૈત્રેયઋષિનો આશ્રમ છે-ત્યાં તમે જાવ.—આમ કહી ઉદ્ધવજીએ બદ્રીકાશ્રમ પ્રતિ પ્રયાણ કર્યું.ભગવાને –પરમધામ જવાના સમયે-મને યાદ કરેલો-એવું જાણીને,અને ઉદ્ધવજીના ચાલ્યા જવાથી-વિદુરજી-પ્રેમથી વિહવળ થઇ રડવા લાગ્યા.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE