Feb 16, 2020

ભાગવત રહસ્ય-૧૯૧

કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા કરવા ગયા છે.અદિતિ ઘરમાં એકલાં છે.પરમ પવિત્ર વિજયાદ્વાદશી નો દિવસ છે.માતા અદિતિ સમક્ષ વામન-ભગવાન પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ પડ્યો. કશ્યપને ખબર પડી-દોડતા દોડતા વામન ભગવાનનાં દર્શન કરવા આવ્યા છે.માતપિતાને ભાન કરાવવા ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે. દર્શન કર્યા કે-ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અદૃશ્ય થયું અને સાત વર્ષના બટુક વામન ભગવાન રૂપે પ્રગટ થયા છે. સુંદર લંગોટી પહેરી છે-દિવ્ય તેજ છે.

વામનજી મહારાજના દર્શન કરવા બ્રહ્માદિ –દેવો પધાર્યા છે.તેમણે કશ્યપને ધન્યવાદ આપ્યા.
“તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો.આજે તમે જગતના પિતાના પણ પિતા બન્યા છો.”
વામનજીની બાળલીલા બિલકુલ નથી. પ્રગટ થયા ત્યારે સાત વર્ષના હતા.
સાત વર્ષના બટુક વામનજીને જનોઈ આપવાનો નિર્ણય કર્યો છે.

જનોઈથી બ્રાહ્મણ નો નવો જન્મ થાય છે-ત્યારે તેનો બ્રહ્મ સંબંધ થાય છે.
જનોઇના મંત્રમાં –પિતા પુત્ર ને કહે છે-કે-આજથી તું મારો નહિ.આજથી તું ઈશ્વરનો થયો છે.
તે દિવસે છેલ્લું માતા સાથે ભોજન કરવામાં આવે છે.જનોઈ આપ્યા પછી મા-બાપ બદલાય છે.
પિતા થાય છે-સૂર્યનારાયણ અને માતા બને છે-ગાયત્રીમાતા.
જનોઈ એ વેદોએ આપેલી ચપરાશ છે.એક એક દેવની સ્થાપના જનોઈમાં કરવામાં આવે છે.

જનોઈ-યજ્ઞોપવિત - એ એક સંસ્કાર છે.આજકાલ બધા સંસ્કારો ભૂલાઈ ગયા છે-માત્ર લગ્ન-સંસ્કાર જબાકી રહ્યો છે-કારણ એના વિના ચેન પડતું નથી. ઋષિઓએ સંસ્કારો આપણા કલ્યાણ માટે બનાવ્યા છે.
જનોઈ કેવી રીતે તૈયાર કરવી? તે તૈતરીય આરણ્યકમાં બતાવ્યું છે.
જનોઈ હાથેથી બનાવવી જોઈએ.સુતરને ૯૬ વખત લપેટવું પડે છે.


વેદ ના મંત્રો એક લાખ છે-૮૦ હજાર મંત્રો કર્મકાંડ ના અને ૨૦ હજાર મંત્રો ઉપાસનાકાંડના.
તેમાં ૯૬ હજાર મંત્ર નો અધિકાર બ્રાહ્મણને આપ્યો છે-અને ચાર હજાર મંત્રો સન્યાસી માટે છે.
જનોઈ આપવાથી-વેદ ના ૯૬ હજાર મંત્રો ભણવાનો અધિકાર બ્રાહ્મણને મળે છે. 
માટે સુતરને ૯૬ વખત લપેટવામાં આવે છે.

જનોઈને બનાવનાર બ્રહ્મા અને તેને ત્રિગુણાતીત કરનાર વિષ્ણુ છે.
જનોઈને ગાંઠ આપનાર શિવજી છે અને અભિમંત્રિત કરનાર ગાયત્રીદેવી છે. આ દિવ્ય તેજ છે.
જનોઈ સાતમે વર્ષે આપવાની હોય છે-વધુમાં વધુ ૧૧ વર્ષ સુધી ની છૂટ આપી છે.

એક એક ધાગામાં એક એક દેવની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
તેથી તે જનોઈને અપવિત્ર જગાનો સ્પર્શ ન થાય કે લોઢાનો પણ સ્પર્શ ન થાય.
આજના બ્રાહ્મણો જનોઈ એ ચાવી લટકાવે છે. ચાવી લટકાવવાથી દેવો વિદાય થાય છે.

વેદો કે વેદોના પુસ્તકો –કે વેદોના પુસ્તકો ના ફોટા પણ અત્યારના જમાનામાંથી વિદાય થયા છે.
સાચા બ્રાહ્મણો પણ બહુ જ ઓછા જોવા મળે છે-કે જેમણે વેદોનું અધ્યયન કર્યું હોય.
પણ આજકાલ લોકો માત્ર ચર્ચા જ કરે છે-કે માત્ર બ્રાહ્મણો ને જ વેદનો અધિકાર કેમ આપ્યો?
પહેલાં વેદો ક્યાં પડ્યા છે ? તે તો ખોળો !! તે જાણવાની યે કોઈને ફુરસદ નથી.
અરે! વેદો નું નવનીત (માખણ) ગીતા છે-તે વંચાય તો પણ ઘણું......

તે જમાનામાં સંસ્કૃતમાં લખાયેલા –ઘણી ગોપનીયતા અને ઉચ્ચ ભાષાથી ભરેલા વેદો ભણવામાં 
અત્યારે મોટા મોટા સંસ્કૃતના પંડિતો ગોથાં મરે છે-તો પછી આપણા જેવા-સામાન્ય માણસનું ગજું કેટલું ?
કશું પણ સમજ્યા વગર-ગીતાના સંસ્કૃતના શ્લોકો કડકડાટ વાંચનારા આજકાલ મળે છે-કશું પણ ના કરે તેના કરતા –તે સારું છે. પણ વધુ સારું તો તે શ્લોકોના અર્થ સમજવાનું છે.
ગીતાના શ્લોકોનો અર્થ સમજીને તેની પાછળનું રહસ્ય સમજે તેનો બેડો પાર છે.
      PREVIOUS PAGE    
       NEXT PAGE               
    INDEX PAGE