Aug 25, 2019

ભાગવત રહસ્ય-૪૩

ભગવાન વ્યાસે-ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ –ભાગવત -નામનું પુરાણ બનાવ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણ, ધર્મ-જ્ઞાન વગેરે સાથે જયારે સ્વધામ પધાર્યા-ત્યારે –આ કળિયુગમાં અજ્ઞાનરૂપી –અંધકારથી –લોકો આંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્યરૂપ(અજવાળા રૂપ) છે.

સૂતજી કહે છે કે-શુકદેવજીએ –પરીક્ષિતરાજાને આ કથા સંભળાવેલી-તે વખતે હું ત્યાં હાજર હતો. હું હાથ જોડીને ઉભો હતો.ગુરુદેવે કૃપા કરીને મને બોલાવ્યો. મને પરીક્ષિત પાસે બેસાડ્યો. યથામતિ આ પુરાણકથા હું તમને સંભળાવું છુ.
શૌનક્જીએ પૂછ્યું કે-વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો? શુકદેવજીની જન્મથી જ બ્રહ્માકારવૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે.

શુકદેવજીના ખુબ વખાણ કર્યા છે. શુકદેવજીની દેવ-દૃષ્ટિ હતી-દેહ-દૃષ્ટિ ન હતી..
એક વખત એવું બન્યું કે-એક સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. ત્યાંથી (નગ્ન અવસ્થામાં) શુકદેવજી પસાર થયા.અપ્સરાઓએ પૂર્વવત સ્નાન ચાલુ રાખ્યું અને કાંઇ લજ્જા અનુભવી નહિ.
થોડીવાર પછી વ્યાસજી ત્યાંથી પસાર થયા. (વ્યાસજીએ તો કપડાં પણ પહેરેલા હતા.) પરંતુ વ્યાસજીને જોઈ અપ્સરાઓને સંકોચ થયો. તેઓએ તરત કપડાં પહેરી લીધા. વ્યાસજીએ દુરથી આ જોયું. અપ્સરાઓને તેનું કારણ પૂછ્યું.તેઓએ જણાવ્યું-આપ જ્ઞાની છો-આપ વૃદ્ધ છો-પૂજ્ય છો-પિતા જેવા છો-પરંતુ આપના મનમાં આ પુરુષ છે અને આ સ્ત્રી છે-એવો ભેદ છે. જયારે શુકદેવજીના મનમાં તેવો કોઈ ભેદ નથી.

મનમાં શું ભર્યું છે-તે આંખને જોવાથી ખબર પડે છે.સંતોની આંખ-પરમાત્માનાં સ્વરૂપમાં સ્થિર હોય છે. આંખમાં કાળાશ દેખાય તો સમજવું કે-તેના મનમાં -કામ છે-રતાશ દેખાય તો સમજવું કે તેના મનમાં ક્રોધ છે. પીળાશ દેખાય તો સમજવું-તેના મનમાં લોભ છે.
અપ્સરાઓ કહે છે-કે-તમારા મનમાં કામ છુપાયેલો છે. તમારા પુત્રની આંખ મંગલમય છે.

શુકદેવજી કેવળ બ્રહ્મ જ્ઞાની નથી.પણ બ્રહ્મ દૃષ્ટિ રાખીને ફરે છે. તેમની –અભેદ દૃષ્ટિ સિદ્ધ થઇ છે. તેમને ખબર નથી કે-આ સ્ત્રી છે કે આ પુરુષ છે. તેમને અપ્સરા પણ બ્રહ્મ રૂપ દેખાય છે.
આવા શુકદેવજીની પર નજર પડી તો અપ્સરાઓની બુદ્ધિ સુધરી છે. શુકદેવજીના દર્શન થયા પછી અપ્સરાઓને પણ પોતાના વિલાસી જીવન પ્રત્યે ધૃણા આવી છે. સંતને જોનારો પણ નિર્વિકાર બને છે.
અપ્સરાઓને થયું છે-કે-ધિક્કાર છે અમને-આ મહાપુરુષને જુઓ-પ્રભુ-પ્રેમમાં કેવા પાગલ બન્યા છે!!!!

જનકરાજાના દરબાર માં એક વખત શુકદેવજી અને નારદજી પધારેલા.શુકદેવજી બ્રહ્મચારી છે-અને જ્ઞાની છે. નારદજી પણ બ્રહ્મચારી છે અને ભક્તિમાર્ગના આચાર્ય છે. બંને મહા-પુરુષો છે.
પરંતુ આ-બે- માંથી શ્રેષ્ઠ કોણ ? જનકરાજા સમાધાન કરી શક્યા નહિ. પરીક્ષા વગર તે શી રીતે નક્કી થઇ શકે ? જનકરાજાની પત્ની-સુનયનાએ બીડું ઝડપ્યું-કે- હું બંનેની પરીક્ષા કરીશ.

સુનયનાએ બંનેને પોતાના મહેલમાં બોલાવ્યા.અને હિંડોળા પર બેસાડ્યા. બાદમાં સુનયના શણગાર સજીને આવ્યા અને બંનેની વચ્ચે આવીને બેસી ગયા.આથી નારદજીને સહેજ સંકોચ થયો”.હું બાળ બ્રહ્મચારી- તપસ્વીને આ સ્ત્રી અડકી જશે-અને મારાં મનમાં કદાચ વિકાર આવશે તો ?” તેથી તેઓ સહેજ દૂર ખસ્યા.
ત્યારે શુકદેવજીને તો અહીં કોણ આવી ને બેઠું –તેનું કોઈ ભાન જ નથી.તેઓ દૂર ખસતા નથી.સુનયના રાણીએ નિર્ણય આપ્યો-કે શુકદેવજી શ્રેષ્ઠ છે. એમને સ્ત્રીત્વ-કે પુરુષત્વનું પણ ભાન નથી.(બ્રહ્મ-દૃષ્ટિ સ્થિર છે) 

સ્ત્રી-પુરુષનું ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. ભક્તિ સિદ્ધ થતી નથી. સર્વમાં બ્રહ્મ ભાવ થવો જોઈએ.જગતમાં બ્રહ્મ-જ્ઞાની ઘણા મળે છે-પણ બ્રહ્મ-દૃષ્ટિ સ્થિર થઇ હોય-તેવા મળતા નથી.
એક કમળાના રોગમાં એવી શક્તિ છે-કે-તે જેને થયો હોય તેણે બધું પીળું દેખાય છે.
તો બ્રહ્મ-દૃષ્ટિ રાખનાર ને આખું જગત બ્રહ્મ-રૂપ દેખાય –એમાં નવાઈ શું ?

આંખ ઉઘાડી હોય અને જેનું મન સ્થિર રહે છે-તેનું જ્ઞાન સાચું છે. આંખ બંધ કર્યા પછી-જેનું મન સ્થિર રહે-તેનું જ્ઞાન કાચું છે.શુકદેવજી જેવા –બ્રહ્મ-દૃષ્ટિ રાખનારા મળતા નથી.( બ્રહ્મ-દૃષ્ટિ રાખવી કઠણ છે.) આવા શુકદેવજી જેવા પુરુષને ભાગવત –ભણવાની જરૂર નથી-તો પછી –તે ભાગવત ભણવા ગયા શા માટે ?
શૌનકજી પૂછે છે-કે-
શુકદેવજી ભિક્ષાવૃત્તિ માટે બહાર નીકળે છે-ત્યારે પણ –ગોદોહન કાળથી (એટલે છ મિનીટ થી )વધારે ક્યાંય થોભતા નથી.તેમ છતાં –સાત દિવસ એક આસને બેસી-તેમણે પરીક્ષિતને આ કથા કહી કેવી રીતે ? 
અમે સાંભળ્યું છે કે –પરીક્ષિત-ભગવાન તો મોટો પ્રેમી ભક્ત હતો. તેણે શાપ થયો શા માટે ? તે અમને કહો.
   
      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE