Aug 18, 2019

ભાગવત રહસ્ય-૩૬

નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ-આનું ઉદાહરણ છે.
ગોપીઓને મુક્તિની ઈચ્છા નહોતી. શ્રીકૃષ્ણનું સુખ એજ અમારું સુખ-એવો -પ્રેમનો આદર્શ હતો.શુદ્ધ પ્રેમમાં પ્રિયતમના સુખનો જ વિચાર કરવાનો-પોતાના સુખનો નહિ.
એક ગોપીએ ઉદ્ધવને સંદેશો આપ્યો છે કે-કૃષ્ણના વિયોગમાં અમારી દશા કેવી છે, તેનો –ઉદ્ધવજી –આપે અનુભવ કર્યો છે,મથુરા ગયા પછી,શ્રીકૃષ્ણને કહેજો –કે-

આપ મથુરામાં આનંદથી બિરાજતા હો-તો અમારા સુખ માટે-વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહિ-અમારો પ્રેમ- જાતને સુખી કરવા માટે નહિ પણ-શ્રીકૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ-વિલાપ કરીએ છીએ-પરંતુ અમારા વિરહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો-સુખી રહે.અમારા સુખ માટે તેઓ અહીં ના આવે-પરંતુ તેઓને પોતાના સુખ માટે આવવું હોય તો ભલે આવે.

શાંડિલ્ય મુનિએ પોતાના ભક્તિ-સૂત્રમાં લખ્યું છે-કે-
બીજાના સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે(તત્સુખે સુખીત્વમ પ્રેમ લક્ષણમ)
ધન્ય છે-ગોપીઓને-વ્રજ ભક્તો ને!!

ગોકુલ અને મથુરા વચ્ચે કંઈ લાંબુ અંતર નથી-તેમ છતાં શ્રીકૃષ્ણને મળવા ગયા નથી.
એક ગોપી(સખી) વિચારે છે-હું ત્યાં (મથુરા) મળવા જઈશ.—પણ—હું મળવા જાઉં અને લાલાને કાંઇક 
પરિશ્રમ થાય તો ?તેઓને સંકોચ થાય તો ? ના-મારા લીધે મારા લાલાને પરિશ્રમ ના થવો જોઈએ.
લાલાના દર્શન કરતાં –મને તો આનંદ થશે-પણ મને જોતાં કદાચ મારાં લાલાને સંકોચ થાય કે –
આ ગામડાની ગોવાલણો સાથે હું રમતો હતો ? ના-મારે મથુરા જવું નથી.

મારાં પ્રેમમાં જ કોઈ ખામી હશે-એટલે તેઓ મને છોડીને ગયા છે. એ મારો જ દોષ છે.
મારો પ્રેમ સાચો હશે તો –જરૂર તેઓ ગોકુલ આવશે. ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ.
લાલાના વિયોગમાં આંસુ પાડવામાં –યે-ઘણું સુખ મળે છે. લાલાના વિયોગમાં તેનું સ્મરણ કરતાં-
તેના મિલન જેટલો જ આનંદ મળે છે.લાલાનો વિયોગ હોય તો –બધું હોવા છતાં દુઃખ છે.

ગોપીઓનો પ્રેમ આવો છે. નિષ્કામ પ્રેમ-લાલાનોં આશ્રય લે –તે નિષ્કામ બને છે.
તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે-મને ગોકુલમાં ગોપીઓ સાથે જે આનંદ મળ્યો તે દ્વારકામાં નથી.
ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણમાં રહ્યાં છે.
આ ગોપી-પ્રેમનો મહિમા-(એક ઉત્કૃષ્ટ ઉદાહરણ) –જોવા જેવો છે.(લાલા પ્રત્યેનો ઉત્કૃષ્ટ ભાવ)

શ્રી કૃષ્ણ –એક વાર બિમાર પડ્યા.(પ્રભુ બિમાર શું પડે? બિમાર પડવાનું નાટક રચ્યું)
નારદજી ત્યાં આવ્યા છે. પૂછે છે કે –બિમારીની દવા શું ?
પ્રભુએ કહ્યું- દવા છે –પણ મળતી નથી. કોઈ પ્રેમી ભક્ત તેના ચરણની –રજ(ધૂળ) આપે –તો-જ 
મારો રોગ સારો થાય.

નારદજીએ પટરાણીઓ પાસે અને મહેલમાં બધે –ચરણરજની માગણી કરી.સઘળી રાણીઓ –આંચકો અનુભવે છે-પ્રાણનાથને (માલિકને)ચરણ રજ આપીએ-તો મોટું પાપ લાગે –
(માલિક ની ચરણ રજ લેવાય-અપાય નહિ)-નરક માં જવું પડે-નરક માં કોણ જાય ?
કોઈ પણ પદ-રજ આપવા તૈયાર થયા નહિ.

નારદજી થાકીને (પોતે તો હતા પરમ ભક્ત પણ-પોતાની ચરણ રજ પણ આપી નહિ!!) વ્રજમાં આવ્યા.
ગોપીઓએ વાત સાંભળી-કે-મારો લાલો બિમાર છે-(ગોપીઓ હાંફળી-ફાંફળી થઇ ગઈ છે)
અમારા લાલાજી સારા થતાં હોય તો – લઇ જાઓ અમારી- ચરણ રજ.તેના બદલામાં જે દુઃખ ભોગવવાનું આવશે –તે અમે ભોગવીશું.જો અમારો લાલો સુખી થતો હોય-સાજો થતો હોય તો-અમે નરકની યાતનાઓ સહન કરવા તૈયાર છીએ !!!! ગોપીઓએ ચરણ રજ આપી અને નારદજી તે લઇ દ્વારકા આવ્યા.
શ્રી કૃષ્ણનો રોગ સારો થયો. પટરાણીઓ લજવાઈ ગઈ !!! નિષ્કામ પ્રેમ ની પરીક્ષા થઇ !!!

નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે.(અને ગોપીઓ આનું ઉદાહરણ છે) નિષ્કામ ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ના મળે.જ્ઞાન વગર ભક્તિ આંધળી છે-અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે.

ભાગવતનો અધિકાર સર્વને આપ્યો છે.છતાં બતાવ્યું છે કે-શુદ્ધ અંતઃકરણવાળા માનવોને જાણવા યોગ્ય –પરમાત્માનું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે.નિર્મત્સર (ઈર્ષા વગરના)-શુદ્ધ અંતઃ કરણવાળા થઇને કથા સાંભળવાની –(તો જ પરમાત્મા ને જાણી શકાય).મત્સર (ઈર્ષા) એ મનુષ્યનો મોટા માં મોટો શત્રુ છે. મત્સર બધાને પજવે છે. જ્ઞાની અને યોગીને પણ-જ્ઞાનેશ્વર અને ચાંગદેવનું ઉદાહરણ જાણીતું છે.



      PREVIOUS PAGE
       NEXT PAGE               
     INDEX PAGE