Jul 12, 2019

ભાગવત રહસ્ય-૪

સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I
તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II
(જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશનો હેતુ છે,તથા જે ત્રણે પ્રકારના તાપો નો નાશ કરવાવાળા છે,એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ)

પરમાત્માનાં ત્રણ સ્વરૂપો શાસ્ત્રમાં કહેલા છે.—સત્—ચિત્—આનંદ .
સત્- પ્રગટ -રૂપે સર્વત્ર છે. ચિત્(જ્ઞાન) અને આનંદ –અપ્રગટ છે.
જડ વસ્તુઓમાં સત્ છે પણ આનંદ નથી,જીવમાં સત્ પ્રગટ છે,પણ–આનંદ અપ્રગટ (અવ્યક્ત) છે.
આમ આનંદ પોતાનામાં જ છે ,પણ મનુષ્ય આનંદ બહાર શોધે છે.સ્ત્રીમાં-પુરુષમાં-ધનમાં કે જડ પદાર્થોમાં આનંદ નથી.જીવમાં આનંદ ગુપ્ત છે.જીવ પરમાત્માનો અંશ હોવાથી તેમાં આનંદ રહેલો છે.
દૂધમાં જેમ માખણ ગુપ્ત રીતે રહેલું છે,તેમ જીવમાં આનંદ ગુપ્ત રૂપે છે.

દૂધમાં માખણ રહેલું છે પણ દેખાતું નથી,પણ દહીં બનાવી ,છાસ કરી મંથન કરવાથી માખણ દેખાય છે,
તેવી રીતે,માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો હોય છે.
દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી,તેમ ઈશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી.
જીવ ઈશ્વરનો છે,પણ તે ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી,તેથી તેને આનંદ મળતો નથી.
આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે,આનંદ એ આપણું પણ સ્વરૂપ છે. આનંદ અંદર જ છે.
એ આનંદ ને જીવન માં કેવી રીતે પ્રગટ કરવો તે ભાગવત શાસ્ત્ર બતાવશે.

આનંદના ઘણા પ્રકાર તૈતરીય ઉપનિષદમાં બતાવ્યા છે.
પરંતુ તેમાં બે મુખ્ય છે.—સાધન જન્ય આનંદ –અને સ્વયં સિદ્ધ આનંદ.
સાધનજન્ય—વિષયજન્ય આનંદ –એ સાધન અને વિષયનો નાશ થતા તે આનંદનો પણ નાશ થશે.
સ્વયં સિદ્ધ આનંદ -અંદરનો ખોળેલો(પ્રગટ થયેલો) આનંદ છે.યોગીઓ પાસે કશું કંઈ હોતું નથી તેમ છતાં તેઓને આનંદ છે.યોગીઓનો આનંદ- કોઈ- વસ્તુ પર આધારિત નથી.

પરમાત્મા પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે.ઈશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે.ઈશ્વરનો અંશ –જીવાત્મા –અપૂર્ણ છે.જીવમાં ચિત્ –અંશ છે પણ પરિપૂર્ણ નથી.મનુષ્યમાં જ્ઞાન આવે છે-પરંતુ તે જ્ઞાન ટકતું નથી.
પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે.શ્રી કૃષ્ણને સોળ હાજર રાણીઓ સાથે વાત કરતાં પણ એ જ જ્ઞાન અને દ્વારિકાનો વિનાશ થાય છે—ત્યારે પણ એ જ જ્ઞાન.--શ્રી કૃષ્ણનો આનંદ રાણીમાં કે દ્વારિકામાં નથી.સર્વનો વિનાશ થાય પણ શ્રી કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી.

સત્-નિત્ય છે,ચિત્ એ જ્ઞાન છે,ચિત્ શક્તિ એટલે જ્ઞાન શક્તિ.
(નોધ-આ ચિત્ત -શબ્દ ને ઊંડાણથી સમજવા જેવો છે.યોગની વ્યાખ્યા-છે-કે -ચિત્ત વૃત્તિ નિરોધ)
મનુષ્ય પોતાના સ્વ-રૂપમાં સ્થિત નથી-એટલે તેને આનંદ મળતો નથી.મનુષ્ય બહાર વિવેક રાખે છે તેવો ઘરમાં રાખતો નથી.મનુષ્ય એકાંતમાં પોતાના સ્વ-રૂપમાં સ્થિત રહેતો નથી.
ઉત્પત્તિ,સ્થિતિ અને સંહારની લીલામાં ઠાકોરજીના સ્વરૂપમાં ફેરફાર થતો નથી.
પરમાત્મા ત્રણેમાં આનંદ માને છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે.

જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે,તે આનંદ રૂપ થાય.
જીવ ને આનંદરૂપ થવું હોય, તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે.
આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી,ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી,આનંદ મળતો નથી.
મનુષ્ય રાજા થાય,સ્વર્ગનો દેવ થાય,તો પણ તે અપૂર્ણ છે.જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી અશાંતિ છે.

સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઇ શકતો નથી.પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે.આ નારાયણને જે ઓળખે,અને તેની સાથે મનને જે તદાકાર બનાવે,તેનું મન નારાયણ સાથે એક બને છે.તે જીવાત્મા- નારાયણ રૂપ- બની પરિપૂર્ણ થાય છે.ત્યારે જીવનું જીવન સફળ થાય છે.
જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી તેને શાંતિ મળતી થતી નથી.
જીવ જયારે ઈશ્વરને મળે છે-અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે,ત્યારે તે પૂર્ણ થાય છે.

જ્ઞાનીઓ –જ્ઞાન-થી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે,ત્યારે ભક્તો(વૈષ્ણવો) –પ્રેમ-થી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે.ઈશ્વર જયારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે,ત્યારે જીવ પૂર્ણ થાય છે.ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે,નારાયણ એ પરિપૂર્ણ છે.સાચી શાંતિ નારાયણમાં છે.
નર એ નારાયણનો અંશ છે,એટલે નર તે નારાયણમાં સમાઈ જવા માગે છે.
નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન તે-- ભાગવત શાસ્ત્ર.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE