Jul 24, 2019

ભાગવત રહસ્ય-૧૬

નારદજી કહે છે-કે- દુનિયામાં ક્યાંય મને શાંતિ જોવામાં આવી નહિ.કલિયુગના દોષ જોતા –ફરતાં ફરતાં તે વૃંદાવન ધામમાં આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.એક યુવતિ સ્ત્રી અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છા માં પડેલા જોયા.તે સ્ત્રી ચારે તરફ જોતી હતી.મને થયું કે –આ કોણ હશે ? પણ વિના કારણે કોઈ સ્ત્રી સાથે બોલવું યોગ્ય નથી—એમ માની હું આગળ ચાલ્યો.

સનાતન ધર્મની મર્યાદા છે કે-પુરુષ કોઈ સ્ત્રીને તાકીને જુએ નહિ.તેની સાથે વગર કારણે બોલે નહિ.સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય.તે સ્ત્રીએ મને કયું –હે સાધો -ઉભા રહો.

બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો.પ્રાણના ભોગે પણ જે બીજાનું કામ સાધી આપે એ સાધુ છે.

“તે સ્ત્રીએ મને બોલાવ્યો –એટલે હું તેની પાસે ગયો—તેણે કહ્યું- હું તમારો વધારે સમય માગતી નથી “

સંતોનો સમય બહુ કિંમતી હોય છે. સુવર્ણ કરતાં પણ સમયને કિંમતી ગણે તે સંત.
જેને સમયની કિંમત નથી તે અંતકાળે બહુ પસ્તાય છે. કોઈની એક ક્ષણ પણ બગાડો નહિ.

“ એને મને એક ક્ષણ ઉભા રહેવાનું કહ્યું.-મને તેની દયા આવી-મેં તેને પૂછ્યું—દેવી, તમે કોણ છો ? “
તે સ્ત્રીએ કહ્યું-મારી કથા આપને સંભળાવું છું.મારું નામ –ભક્તિ -- છે. અને આ –જ્ઞાન-અને –વૈરાગ્ય- નામે મારા બે પુત્રો છે.તેઓ વૃદ્ધ થઇ ગયા છે. --મારો જન્મ દ્રવિડ દેશમાં થયો.કર્ણાટકમાં મને પોષણ મળ્યું. હું વૃદ્ધિ પામી. ( ભક્તિના મહાન આચાર્યો  દ્રવિડ દેશ –દક્ષિણ ભારતમાં થયા છે. જેવાકે રામાનુજાચાર્ય,મધ્વાચાર્ય,વલ્લભાચાર્ય.દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે.)

આચાર વિચાર શુદ્ધ હોય તો જ ભક્તિ થઇ શકે છે.સદાચાર વિના સદ્વિચાર આવશે નહિ.સદાચાર વગર સદવિચાર બુદ્ધિમાં ટકશે નહિ. સદાચાર એટલે શાસ્ત્ર-સંમત આચાર.
શું કરવું-કે-શું ના કરવું તે મનને પુછશો નહિ પણ શાસ્ત્રને પૂછો.મન ખોટી સલાહ આપે છે. મન જીવને ખાડામાં નાખે છે.મન દગાખોર છે. તમારું અંતઃકરણ પ્રેરણા ના આપે તો –શાસ્ત્રને પૂછો-કોઈ સંતને પૂછો.
સદવિચાર અને સદાચારનો સાથ હોય તો જ ભક્તિ પ્રબળ બને છે. 

કર્ણાટકમાં આજ પણ આચાર શુદ્ધિ જોવા મળે છે.વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત નહોતો.પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું છે.કર્ણાટકમાં મધ્વાચાર્ય પંથના આચાર્યો છે. તેઓ નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી નહિ.મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે-તેવી ભાવના એકાદશીના દિવસે કરો.

ભક્તિ કહે છે-'મહારાષ્ટ્રમાં કોઈ કોઈ જગ્યાએ મારું સન્માન થયું.ગુજરાત માં મારા બે પુત્રો સાથે હું વૃદ્ધ થઇ.'
મહારાષ્ટ્રમાં ભક્તિને કોઈ કોઈ જગ્યાએ માન મળ્યું છે. પંઢરપુર જેવા સ્થળોમાં ભક્તિ જોવા મળે છે.
પૈસાના દાસ પ્રભુના દાસ થઇ શકતા નથી. ગુજરાતમાં પ્રધાનપણે કાંચનનો (પૈસાનો)મોહ લાગ્યો છે.
ભક્તિ તેથી છિન્ન ભિન્ન થઇ ગઈ છે. મનુષ્ય પોતાના મોજ શોખમાં કેટલું વાપરે છે તેનો હિસાબ રાખતો નથી પણ ઠાકોરજી માટે કેટલું વાપરે છે,તેનો હિસાબ રાખે છે.કલિયુગમાં ભક્તિ છે- પણ છિન્ન ભિન્ન થઇ ગઈ છે. ભક્તિનું એક એક અંગ છિન્ન ભિન્ન થયું છે.

ભક્તિના પ્રધાન નવ અંગ છે.
પહેલું શ્રવણ છે. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું.
મનન પછી નિદિધ્યાસન . મનન કરી જેટલું જીવનમાં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય.
ભાગવત સાંભળવાથી પાપ બળે છે,પરંતુ મનન કરવાથી અને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે.
શ્રવણ-ભક્તિ છિન્ન ભિન્ન થઇ છે કારણ કે મનન રહ્યું નથી. મનન વગર શ્રવણ સફળ થતું નથી.

કીર્તન –ભક્તિ રહી નથી.જીવનમાં કીર્તિનો મોહ અને કંચન નો લોભ આવ્યો, ત્યારથી કીર્તન-ભક્તિ બગડી.
ભગવાન અતિ ઉદાર છે,તે નાસ્તિકનું પણ પોષણ કરે છે. જે ઈશ્વરમાં માનતા નથી તેવા નાસ્તિકનું પણ પોષણ જો તે કરતા હોય તો જે ભાગવત સેવા કરે છે,કીર્તન કરે  છે,તેનું પોષણ શું પરમાત્મા નહિ કરે ?

જ્ઞાની પુરુષોને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે.ધનનો લોભ છુટવા કરતાં પણ કીર્તિનો મોહ છૂટવો કઠિન છે.કીર્તિનો મોહ જ્ઞાનીની ને પણ પજવે છે.જ્યાં સુધી તમે તમારા મનને સમજાવશો નહિ,તે માનશે નહિ.કથા કીર્તનમાં અનાયાસે જગત ભુલાય છે,મનુષ્ય જયારે સર્વ છોડી માળા લઈને બેસે ત્યારે જગત યાદ આવે છે.કથામાં બેસો ત્યારે સંસાર-વ્યવહારના વિચારો કાઢી નાખો. હું મારા શ્રીકૃષ્ણના ચરણમાં બેઠો છું-એવી ભાવના કરો.કીર્તનભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તુલસીદાસજીએ કહ્યું છે કે-મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું સુખ મળે છે –તેની મને ખબર નથી. પણ મારા મનને આનંદ મળે છે તેથી કથા કરું છું.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE