Apr 2, 2012

નરસિંહ મહેતા



૧. આજ રે શામળિયે વહાલે – નરસિઁહ મહેતા
આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;
રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે. આજ….
શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હીંડું જોતી રે;
રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે. આજ…
જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે;
વેરણ નિદ્રા મુને આવી, ‘હરિ હરિ’ કરીને ઊઠી રે. આજ…
ધમાણ મંગાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે;
આજ તો મારા હર કાજે નારદને તેડાવું રે. આજ….
રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે;
આપો રે, હરિ ! હાર અમારો, નહિતર જીવડો જાય રે. આજ…
થાળ ભરી શગ મોતી મંગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે;
ભલે રે મળ્યો નરસૈંયાનો સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે. આજ….
૨. સુખ દુ:ખ મનમા ન આણિયે
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.. સુખદુઃખ
નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી.. સુખદુઃખ
પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી.. સુખદુઃખ
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી.. સુખદુઃખ
રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લુંટાણી.. સુખદુઃખ
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી.. સુખદુઃખ
શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી.. સુખદુઃખ
એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે.. સુખદુઃખ
સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી.. સુખદુ:ખ
૩. હળવે હળવે…
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.
૪. વારિ જાઉં સુંદર શ્યામ…
લટકે ગોકુળ ગૌ ચારિ, ને લટકે વાયો વંશ રે,
લટકે જઇ દાવાનળ પિધોં,લટકે માર્યો કંસ રે. વારિ જાઉં સુંદર શ્યામ…
લટકે રઘુપતિ રુપ ધરિને તાત ની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ માર્યો, લટકે ને લટકે સીતા વાળી રે. વારિ જાઉં સુંદર શ્યામ…
એવા એવા લટકા છે ઘનેરા,લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસિંહ નો સ્વામિ, હિંડે મોઢા મોઢ રે. વારિ જાઉં સુંદર શ્યામ…
૫. રામ સભામાં અમે
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની રેલી
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો, ચોથે પિયાલે પ્રભુજી જેવી… રામ સભામાં
રસ બસ એકરૂપ થઇ રસિયા સાથે, વાત ન સુઝે બીજી વાટે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે, તે મારા મંદિરીયામાં મ્હાલે રે… રામ સભામાં
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી, દાસી પરમ સુખ પામી રે… રામ સભામા
૬. રાત રહે જ્યાહરે..
રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત
જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત
સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત
આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી … રાત
૭. મેહુલો ગાજે ને માધવ નાચે
મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.
પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે. મે.
ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..મેહુલો ગાજે ને માધવ નાચે….
૮. મારી હુંડી સ્વીકારો મહારાજ રે
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા,
વળી ધરીયું નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી
ગજને વા’લે ઉગારીયો,
વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી
પાંડવની પ્રતિજ્ઞા પાળી,
વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી
રેહવાને નથી ઝુંપડી,
વળી ખાવા નથી જુવાર,
બેટો-બેટી વળાવીયા રે
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી
ગરથ મારું ગોપીચંદન,
વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી
તિરથવાસી સૌ ચાલીયા
વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી
હૂંડી લાવો હાથમાં
વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી
હૂંડી સ્વીકારી વા’લે શામળે
વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
૯. ભોળી રે ભરવાડણ
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે,
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.
શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે
નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.
વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી
૧૦. ભૂતળ ભક્તિ પદારથ
ભૂતળ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે
હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે
ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે
ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે
૧૧. બાપજી પાપ મેં..
બાપજી પાપ મેં કવણ કીધાં હશે,
નામ લેતાં તારું નિંદ્રા આવે;
ઉંઘ આળસ આહાર મેં આદર્યાં,
લાભ વિના લવ કરવી ભાવે … બાપજી
દિન પૂઠે દિન તો વહી જાય છે,
દુર્મતિનાં મેં ભર્યાં રે ડાળાં;
ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી,
ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાં … બાપજી
દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં,
ભીડ-ભંજન તારું નામ સાચું;
ફરી ફરી વર્ણવું, શ્રી હરિ તુજને
પતિત-પાવન તારું નામ સાચું …. બાપજી
તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા
કળ અને અકળનું બળ ન ફાવે;
નરસૈંયા રંકને ઝંખના તાહરી,
હેડ બેડી ભાગ્યો શરણ આવે … બાપજી
૧૨. પ્રેમરસ..
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર,
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમ
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે. પ્રેમ
૧૩. પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ધાવું રે,
તપ તીરથ વૈકુંઠ તજીને,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે… પ્રાણ થકી
અંબરીષ મુજને અતિઘણા વ્હાલા,
દુર્વાસાએ મન ભંગ કીધા,
મેં મારું અભિમાન તજીને,
દશવાર અવતાર લીધો રે… પ્રાણ થકી
ગજ તજી વહારે તમે પાદે ધાયા,
સેવકની સુધ લેવા,
ઊંચનીચ કુલ હું નવ જાણું,
મને ભજે સો મમ જેવા… પ્રાણ થકી
મારો બાંધ્યો મારો વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવનો બાંધ્યો વૈષ્ણવ છૂટે,
ક્ષેણું એક વૈષ્ણવ મુજને બાંધે,
તો ફિર ઉત્તર નવ સુઝે… પ્રાણ થકી
બેઠો ગાવે ત્યાં ઉભો સાંભળું,
ઉભા ગાવે ત્યાં નાચું,
વૈષ્ણવ જનથી ક્ષેણું ન અળગો,
માન નરસૈયા સાચું… પ્રાણ થકી
૧૪. પઢો રે પોપટ રાજા રામ ના
પઢો રે પોપટ રાજા રામ ના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રુડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….
પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનુ રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….
પોપટ તારે કારણે શીશી રસોઇ રંધાવું,
સાકર ના કરી ને ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….
પાંખ રે પીળી ને પગ એના પાડુંરા,
કોઠે કાઠલો કાળો, નરસૈયાના સ્વામી ને ભજો રાગ, તાણી ને રુપાળો…
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….
૧૫. નાથને નીરખી..
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.
જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;
પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.
વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.
કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,
સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.
ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;
ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.
અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.
૧૬. નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ!
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી… નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા… નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય… નાગર નંદજીના લાલ !
વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર… નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર… નાગર નંદજીના લાલ !
૧૭. ધ્યાન ધર હરિતણું
ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ,
જે થકી જન્મનાં દુઃખ જાયે;
અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે
માયા દેખાડીને મૃત્યુ વહાયે.
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં,
શરણ આવે સુખ પાર ન્હોયે;
અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,
કૃષ્ણનું નામ તું રાખ મોંએ.
પટક માયા પરી, અટક ચરણે હરિ,
વટક મા વાત સુણતાં જ સાચી;
આશનું ભવન આકાશ સુધી રચ્યું,
મૂઢ એ મૂળથી ભીંત કાચી.
અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું,
તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના,
લીંબુ લહેકાવતાં રાજ લેવું.
સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,
તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી,
અવર વેપાર નહીં ભજન તોલે.
૧૮. જ્યાં લગી આત્મા તત્વ
જ્યાં લગી આત્મા તત્વ ચીન્ધે નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લોચન કીધે ?
શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજળ પાન કીધે ?
શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ જાણ્યે ?
શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?
એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
૧૯. જે ગમે જગત ગુરુ..
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેહને તે પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
૨૦. જાગને જાદવા..
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
૨૧. જળકમળ છાંડી જાને બાળા
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો
રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો
મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો
બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો
નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે
બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને
થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો
૨૨. જશોદા! તારા કાનુડાને
જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.
શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.
ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.
વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.
‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.
શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.
૨૩. ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ વસંત આવ્યો વન વેલ ફૂલી,
મૂલીયા અંબ કોકિલા-લ વે કદમ્બ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝુલી.
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…
પહેર શણગાર ને હાર ગજગામિની, ક્યારની કહું છું જે ચાલી ઊઠી,
રસિક મુખ ચુંબિએ, વળગિયે ઝુંબીએ, આજ તો લાજની દુહાઇ છુટી.
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…
હેતે હરિ વશ કરી લાહવો લે ઉર ધરિ, કરગ્રહિ કૃષ્ણજી પ્રિતે મળશે,
નરસૈયો રંગમા અંગ ઉન્મત થયો, ખોયેલા દિવસોનો ખંગ વળશે.
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…
૨૪. ઘડપણ કોણે મોકલ્યું?
ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ – ઘડપણ. – ટેક.
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. — ઘડપણ
નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ, ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ. — ઘડપણ
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. — ઘડપણ
પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય, ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય. — ઘડપણ
દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ, દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ. — ઘડપણ
નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ, બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ.– ઘડપણ
આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર, પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર. — ઘડપણ
એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ, પરઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ. — ઘડપણ
એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર, ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈં ઊતર્યો ભવપાર. – ઘડપણ
૨૫. ગિરી તળેટી ને કુંડ દામોદર
ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ
ઢેઢ વરણમા દ્રઢ હરી ભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ—-
કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ
મહાંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન… ગિરિ –
પ્રેમ પદારથ અમો રે પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ
કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈશ્નવ પરમ દયાળ… ગિરિ—-
- નરસિંહ મહેતા