Oct 19, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬-Gita Rahasya-Gnaneshvari-6-Adhyaya-2

હવે જેના વિષે વિચારવાનું-કે સમજવાનું છે-
તે-આત્મા છે-તેને સમજવાની જ કડાકૂટ આ ગીતામાં છે.આત્મા દેખી શકાય તેવો નથી.
એટલે તેને સમજાવવામાં પુસ્તકોની થપ્પીઓની થપ્પીઓ છે.
તર્કથી આત્માને સમજી કે સમજાવી શકાય તેમ નથી જ.
જેને નરી આંખે દેખી ન શકાય-તેને સમજાવી કેમ શકાય ? તેનું વર્ણન કેમ થાય ?
પણ તેને થોડોક પણ સમજ્યા વગર ગીતાનું આત્મજ્ઞાન સમજી શકાય તેવું નથી.

અને આ આત્માને –થોડોક - પણ સમજવા માટે એક જાણીતું ઉદાહરણ જોઈએ.
માટીનો એક ખાલી ઘડો છે. પણ તે ખાલી નથી –તે ઘડાની અંદર જે આકાશ છે-તેને ઘડાકાશ કહે છે.
અને ઘડાની બહાર જે અનંત આકાશ છે તેને મહાકાશ કહે છે.
ઘડાની અંદર રહેલું આકાશ (ઘડાકાશ) અને બહારનું આકાશ (મહાકાશ)- બંને એક જ આકાશ છે.
પણ ઘડાની ઉપાધિ (માયા) ને લીધે બે જુદાં આકાશ થયા છે.

હવે જો ઘડો ફૂટી જાય તો અંદરનું આકાશ એ બહારના આકાશમાં મળી જાય છે.
અને એક અખંડ આકાશ જ બાકી રહે છે.
અને આ અખંડ આકાશ તે પરમાત્મા છે-ઘડામાં પુરાયેલું આકાશ તે આત્મા છે.

વાંચવાનું અહીં બંધ કરી-આંખો બંધ કરી –આ વાત સમજી લેવી જરૂરી છે.
ને તો જ આગળ વાંચવામાં રસ પડશે. અને આ ન સમજાય તો –કોઈ જાણકાર જોડે સમજી લેવું.
અને આ થોડુંક પણ સમજ્યા પછી જ આગળ વાંચવું. તો ગીતા વિષે કંઈક પણ સમજાશે.રસ પડશે.
પણ અહીં જો સમજવું ન જ હોય તો અહીંથી આગળ વાંચવાનો કોઈ અર્થ નથી.
જે વિચારવાનું છે-તે આ જ છે-ગીતાનું બીજ આ-જ છે.

ભલે કર્મયોગ હોય,ભક્તિયોગ હોય કે જ્ઞાનયોગ હોય –પણ આ જો ના સમજાય તો –
આગળની ભેજાફોડી વ્યર્થ છે. અહીંથી આગળ વાંચવાનું પણ વ્યર્થ છે.
ગીતા વિશેની કુતુહુલતાથી-ગીતા વાંચી ને-ગીતા વિષે- જે જાણવાનું છે તે જાણી લીધું છે-એમ માની-
અને આટલું જ વાંચી ને-અત્યારે લોકોની જે બૂમો સંભળાય છે--આત્મા અને પરમાત્મા એક છે-
તેવી પાંડિત્યથી (જ્ઞાનથી) ભરપૂર બૂમોમાં  ખાલી સામેલ જ થઇ જવાનું બાકી રહે છે.

કોઈ પ્રખર પંડિતની જેમ ઘણા લોકો પાસેથી –કર્મણ્યેવાધિકારસ્તે-સાંભળવાનું  સામાન્ય થઇ ગયું છે.
“ફળની આશા રાખ્યા વગર કામ કરે જવાનું” આવી સાંભળવામાં આવતી વાત પણ સામાન્ય થઇ ગઈ છે.
પણ સાચું કેટલા સમજ્યા હશે તે તો ભગવાન જાણે?!!
ફળની આશા ના રાખો તે બહુ સારી વાત છે. 

પણ હકીકતમાં-કર્મ થાય એટલે ફળ તો મળે જ છે.
ભલે ને પછી તે ફળ સારું હોય કે ખરાબ હોય. પણ ફળ તો જરૂર મળે જ છે.
ફળ સારું હોય તો લોકો રાજી થઇ ખાવા માંડે છે-સુખી થઇ જાય છે.
અને જો ફળ ખરાબ હોય તો ખાઈ શકતા નથી અને દુઃખી થઇ જાય છે.

કર્મયોગની કથામાં ઉપરના ઉદાહરણથી કંઈક સમજી શકાય તેવું છે.
'ફળ ઉપર આપણો અધિકાર નથી'-આ વાત જેને સાચી રીતે  સમજાય- અને જે સમજે એનો બેડો પાર છે.

અને ભક્તિ યોગમાં પણ ઉપરના ઉદાહરણ થી ઘણું સમજી શકાય છે-
ભક્તિની શરૂઆત માં હું અને મારો હરિ-એમ ભેદ રાખવામાં આવે છે. પણ સમય આવ્યે હું અને હરિ 
એક થઇ જાય છે. અને પછી હું,હરિ અને દુનિયાનો દરેક આત્મા હરિ થઇ જાય છે.

અહીં જ્ઞાનયોગમાં પણ કમસે કમ ફરીથી એટલું સમજી લઈએ કે-માટીમાંથી જેમ ઘડો બને છે-
અને ઘડો નરી આંખે દેખાય છે.અને જેવી રીતે ઘડાની ઉત્પત્તિ દેખાય છે. તેવી જ રીતે –
કૃષ્ણ કહે છે-કે-હે અર્જુન, પંચમહાભૂતોમાંથી એક શરીર બને છે. ત્યારે શરીરની ઉત્પત્તિ દેખાય છે.
શરીર દેખાય છે.અને આ શરીર એક જ છે-પણ સમયની સાથે સાથે તે શરીર બાળપણમાં નાનું, 
યુવાનીમાં મોટું અને ઘડપણ માં વૃદ્ધ થાય છે. 

પરંતુ આવા બાળપણ,યુવાની અને ઘડપણના શરીરના પ્રત્યેક ફેરફાર સાથે-
તે શરીરનો કંઈ નાશ થતો નથી, વળી તે જ પ્રમાણે આત્મા -અસંખ્ય  શરીરો બદલ્યા કરે છે.
અને આ જે જાણે છે-આ જે સમજે છે-તેને તારી પેટે દુઃખ થતું નથી.” (૧૩)
આ આત્માની અને સુખ-દુઃખની વાત મનુષ્યના લક્ષમાં આવતી નથી, તેનું એક કારણ છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)

     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE