Dec 24, 2011

ભાગવત-૯

સ્કંધ-૩-ભાગ-૩ -

   PREVIOUS PAGE             INDEX PAGE                           


અધ્યાય-૨૧-૨૨-૨૩-૨૪ -માં કર્દંબ ઋષિ ની તપશ્ચર્યા થી હરિ પ્રસન્ન થાય છે,અને તેમના કહેવાથી મનુ તેની પુત્રી દેવહુતિ ને કર્દંબ જોડે પરણાવે છે.અને બંને થી નવ કન્યા ઓ નો જન્મ થાય છે.પછી જયારે કર્દંબ સંન્યાસ લેવા તૈયાર થાય છે ત્યારે દેવહુતિ પુત્ર ની માગણી કરે છે,કર્દંબ ને ભગવાને અંશ રૂપે તેમના ત્યાં જન્મ લેવાના વરદાન ની યાદ આવે છે.બંને પતિ પત્ની હરદિન હરિ નું ભજન કરતાં હતાં.સમય આવ્યે કપિલદેવ નો જન્મ થાય છે,અને કર્દંબ સંન્યાસ ધારણ કરે છે.

અધ્યાય-૨૫-અધ્યાય-૨૫ થી અધ્યાય-૩૩ સુધી માતા (દેવહુતિ ને) ને દીકરો (કપિલ) સાંખ્યજ્ઞાન આપે છે.જેને 'કપિલગીતા' પણ કહે છે.

માતા દેવહુતિ,દીકરા કપિલ ના શરણે જાય છે. (કપિલ નારાયણ નો અંશાવતાર છે)અને કહે છે કે-
"મને સુખ દુઃખ માં થી નિવૃત થવાનો અને મારો મોહ અને વાસના દૂર કરવાનો રસ્તો બતાવો.મને મોક્ષ(જીવન મુક્તતા) નું જ્ઞાન સમજાવો. "

ત્યારે કપિલ માતાને સમજાવતા કહે છેકે------
--અધ્યાત્મ યોગ (પરમાત્મા વિષયક યોગ) જ મનુષ્યોના આત્યંતિક કલ્યાણ નું સાધન છે.એમાં સુખ-દુઃખ ની સર્વથા નિવૃત્તિ થાય છે(૧૩)
--આ 'જીવ'ના બંધન અને મોક્ષ નું કારણ 'મન' ને જ માનવામાં આવ્યું છે.મન જો વિષયોમાં આશક્ત થાય તો બંધન અને તે જ મન જો    પરમાત્મા માં આશક્ત થાય તો મોક્ષ.(૧૫)
--'બ્રહ્મ' પણું (મોક્ષ) પામવા માટે-સમગ્ર આત્મા (પરમાત્મા) -પ્રતિ 'ભક્તિ' જેવો કલ્યાણ કારક કોઈ માર્ગ નથી (૧૯)
--સંસાર પ્રતિ વૈરાગ્ય દ્રઢ કરવા સત્પુરુષો નો સત્સંગ કરવા યોગ્ય છે. કારણ કે તેઓ સર્વ ત્યાગી, હરિ માં ચિત્ત સ્થાપ્યું હોય છે(૨૪)
--જ્ઞાન અને વૈરાગ્ય થી યુક્ત,તીવ્ર,નિષ્કામ,અને અનન્ય ભક્તિ સર્વદા,સર્વ ને માટે યોગ્ય છે.(૪૪)

અધ્યાય-૨૬ માં કપિલ પુરૂષ અને પ્રકૃતિ નો ભેદ દર્શાવવા -સર્વ પદાર્થો (જગત) ની ઉત્પત્તિ અને તેના લક્ષણો બતાવે છે.
--આ જગત જે દેખાય છે તે પુરૂષ(પરમાત્મા) અને પ્રકૃતિ (માયા-શક્તિ) ના સંયોગ થી બનેલું છે.
--અનાદિ પરમાત્મા 'પુરૂષ' છે.જે નિર્ગુણ,પ્રકૃતિ થી જુદો(પર),જ્ઞાન  સ્વરૂપ ,અને સ્વયંપ્રકાશ છે.
--પ્રકૃતિ કે જેનું કોઈ સ્પષ્ટ સ્વરૂપ નથી,તે,ત્રણ ગુણો વાળી,શક્તિ વાળી અને માયામય છે,જે લીલા થી પુરૂષ ની નજીક જાય છે.
--પુરૂષ,પ્રકૃતિ ને સ્વેચ્છા એ સ્વીકારે છે.અને 'મોહ' પામી વિકાર (અહમ) ને પ્રાપ્ત થાય છે.
--આ બંને -પુરૂષ અને પ્રકૃતિ ના સંયોગ થી ૨૪ તત્વો નું સર્જન થાય છે.જેમાં 'શક્તિ' નો સંચાર થવાથી તે 'કાર્ય'કરવા લાગે છે અને   વિરાટ પુરૂષ  નું સર્જન થાય છે જેમાં સકલ જગત સમાયેલું છે.
--આ માં ૨૫-મા તત્વ તરીકે 'કાળ'(સમય) ને કેટલાક પ્રકૃતિ ની અવસ્થા કહે છે તો કેટલાક પરમેશ્વર નો પ્રભાવ કહે છે.  જે 'કાળ' થી અહંકાર થી મૂઢ થયેલા -પ્રકૃતિ ધર્મને પામેલા 'જીવ' ને 'ભય' લગાડે છે.(સંહાર કાળ પણ કહી શકાય) (૧૫-૧૬)
--છેલ્લે કહે છે કે-એટલેજ ભક્તિ ,વૈરાગ્ય અને જ્ઞાન દ્વારા આત્મા(જે ક્ષેત્રજ્ઞ) છે તેનું ચિંતન કરવું જોઈએ.(૭૨)

અધ્યાય-૨૭ માં પ્રકૃતિ અને પુરૂષ ના 'વિવેક' થી મોક્ષ પ્રાપ્તિ ની રીત નું વર્ણન છે.
--પુરૂષ જયારે પ્રકૃતિના 'ગુણો' માં આશક્ત થાય છે,ત્યારે 'હું'-'મારું' એવા 'અભિમાન' થી 'સ્વ'રૂપ -જ્ઞાન ને ભૂલે છે.
--આ મિથ્યાભાન થી જ તે મોક્ષ થી દૂર જઈ પુનર્જન્મ ના ચક્કર માં ભટક્યા કરે છે.
--આ 'આશક્ત' થયેલા ચિત્ત ને -વિવેક થી-તીવ્ર ભક્તિ યોગ અને તીવ્ર વૈરાગ્ય થી વશ કરી યોગ માર્ગ થી વારંવાર 'એકાગ્ર' કરવું.

દેવહુતિ પૂછે છે કે-પ્રકૃતિ અને પુરૂષ એ બંને ને એક બીજાનો આશ્રય છે અને નિત્ય છે તો મોક્ષ કેવી રીતે થાય?

કપિલ કહે છે કે-
--'જ્ઞાન' (કે જે પુરૂષ અને પ્રકૃતિ નું સત્ય સ્વરૂપ દર્શાવે છે),તીવ્ર "ભક્તિ'થી,અતિશય બળવાન 'વૈરાગ્ય' અને તીવ્ર 'આત્મ ધ્યાન' થી પુરૂષ ની પ્રકૃતિ રાત દિવસ બળતી જાય છે અને ધીરે ધીરે અદ્રશ્ય થાય છે.(૨૧-૨૩)

અધ્યાય-૨૮ માં અષ્ટાંગ યોગથી સર્વ ઉપાધિ(માયા) થી મુક્ત 'સ્વ'રૂપ નું જ્ઞાન દર્શાવ્યું છે.
--આ અષ્ટાંગ યોગ-ના આઠ અંગ છે.યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ.
--હરિના જુદા જુદા અંગો પર ધારણા અને ધ્યાન કરવાનું માર્ગ દર્શન છે.
--'જીવ' નું 'સ્વ'રૂપ છુપાવી દેનાર-અત્યંત શક્તિવાળી,અચિંત્ય, અને માયામય પ્રકૃતિ ને 'પરમાત્મા'ની 'કૃપા' થી જીતીને --એ પ્રકૃતિ થી પર થઇ ને આત્મ સ્વરૂપ માં સ્થિર થવાય છે.(૪૪)

અધ્યાય-૨૯ માં ભક્તિયોગ ના ભેદ,કાળ(સમય) નું બાલ અને ઘોર સંસાર નું વર્ણન છે.
--મનુષ્યના સ્વભાવ રૂપ જુદા જુદા ગુણો ની જુદી જુદી વૃત્તિઓ થી -ફળ અને સકલ્પ -ના ભેદ થી ભક્તિ ના ત્રણ ભેદ છે.
--ભેદ દ્રષ્ટિથી,હિંસા,ક્રોધ,દંભ અને મત્સર ભાવ નો 'સંકલ્પ' થી કરેલી -તામસ ભક્તિ છે.
--ભેદ દ્રષ્ટિ થી મન માં વિષયો,યશ,અને ઐશ્વર્ય નો સંકલ્પ કરી પ્રભુ ની પ્રતિમા ઓ પુજે તે -રાજસ ભક્તિ છે.
--ભેદ દ્રષ્ટિ થી -યજ્ઞ(ભક્તિ) કરવો એ મારી ફરજ છે એમ સમજી કરેલી ભક્તિ-સાત્વિક ભક્તિ છે.
--આ તેને કરતાંય શ્રેષ્ઠ 'નિર્ગુણ ભક્તિ' છે.જેમાં કોઈ 'ભેદ' નથી,'સંકલ્પ' નથી અને 'સેવા સિવાય કશું યે પામવાની ઈચ્છા નથી.
--સર્વ પ્રાણી ઓ માં રહેલા 'પરમાત્મા' ને અવગણીને કેવળ દેખાવ રૂપ મૂર્તિ ની પૂજા કરવી તે પરમાત્મા ની મશ્કરી સમાન છે(૨૧)
--અષ્ટાંગ યોગ કે ભક્તિ યોગ --બે માંથી કોઈ પણ -એક- નો આશ્રય કરવાથી પરમેશ્વર ને પામી શકાય છે.(૩૫)
--દૈવ(બ્રહ્મ) થી પ્રેરણા પામેલા 'કર્મ'ને લીધે જાત જાત ની સૃષ્ટિ પેદા થાય છે,
  આ દૈવ જ કાળ(સમય) છે,જે પ્રત્યેક વસ્તુ માં ફેરફાર થવામાં કારણરૂપ છે.
--આ કાળ 'ભય' છે, જે 'ભય' થી વાયુ વાય છે,સૂર્ય તપે છે અને સૃષ્ટિ કાર્યરત થાય છે.
--આ કાળ 'પોતે'(બ્રહ્મ) અંત વગરનો હોવાથી,તે સર્વ નો અંત કરનાર છે.
--'મૃત્યુ રૂપી'સંહાર શક્તિ દ્વારા સર્વ નો અંત કરનાર 'યમરાજ' ને પણ આ 'કાળ' મારી ને તેનો અંત કરી દે છે.(૪૫)

અધ્યાય-૩૦ માં કામી(દેહ માં આશક્ત) પુરુષોની કેવી તામસી અધોગતિ થાય છે તેનું વર્ણન છે.
--જીવ પોતાના સુખ માટે જે પદાર્થ ને મહાદુઃખ થી મેળવે છે તેનો કાળ નાશ કરે છે,અને જીવ તેના માટે શોક કરે છે.
શરીર અને જગત માં બધું જ નાશવંત છે,પણ જીવ ને વૈરાગ્ય આવતો નથી અને પાપકર્મો કર્યે જાય છે.
--પછી માનવીની જીવન ની જુદી જુદી અવસ્થાઓ ,વૃદ્ધત્વ અને મૃત્યુ પછીની અધોગતિ અને પુનર્જન્મ ની વેદના ઓ નું વર્ણન છે.

અધ્યાય-૩૧ માં ગર્ભાવાસ માં જીવ કેવી રીતે બંધાય છે અને તે કેવો અનુભવ કરે છે,તેનું અદભૂત વર્ણન છે !!!!!!!!!!!
--ગર્ભાવસ્થા ના પાંચમાં દિવસે ગર્ભ પરપોટા જેવડો થાય છે,એક મહિને મસ્તક,બે મહિને હાથ-પગ,ત્રણ મહિને નાખ,રુંવાડા,હાડકાં,ચામડી અને જાતિ (પુરૂષ કે સ્ત્રી નું ચિહ્ન)ઉત્પન્ન થાય છે.ચાર મહિને સાત ધાતુઓ,પાંચ મહિને ભુખ-તરસ,છ મહિને ઓર થી વીંટળાઈ ને કુખ માં ફરકે છે.(પુત્ર હોય તો જમણી કુખમાં-પુત્રી હોય તો ડાભી કુખમાં).મા ની નાડી જોડે ગર્ભ ની નાડી જોડાય છે,માતા એ ખાધેલા તીખા,ખાટા,ખારા ખોરાક થી ગર્ભના અંગ ને વેદના થાય છે.નાનકડી જગા માં મૂત્ર અને વિષ્ટા થી ભરપુર જગા માં તેને રહેવું પડે છે.અનેક જીવ જંતુ તેને કરડે છે.સાતમે મહિને માથું નીચે અને પગ ઉપર થાય છે.આઠમાં મહિને પૂર્વ જન્મ નું જ્ઞાન થાય છે,અને તે નરકવાસ માં થી મુક્ત થવાની પ્રભુ ને પ્રાર્થના કરે છે.પ્રસવ પીડા વખતે તેને માં કરતાંય હાજર ગણી વેદના થાય છે,અને પુનર્જન્મ ની સ્મરણશક્તિ નાશ પામે છે,પ્રસવ કરનાર વાયુ જયારે એકદમ ,એકાએક ધક્કો મારી ધકેલે છે ત્યારે એ ભાન ભૂલી ઉંધા મસ્તકે બહાર નીકળે છે,અને ભૂમિ પર લોહી અને મૂત્ર માં પડે છે.
--આ રીતે ગર્ભાવસ્થા અને નરકવાસ એક છે તેવું વર્ણન કર્યું  છે.
--આના પછી જીવ આ નરકવાસ ની અવસ્થાને ભૂલી,બાળપણ,યુવાવસ્થા,અને વૃદ્ધત્વ ની અવસ્થામાં જુદી જુદી જગ્યાએ જેવી કે,સ્ત્રી,પુત્ર માં પ્રેમ કરી આશક્ત થાય છે અને પરમાત્મા ને ભૂલી મોત ને ભેટી પુનર્જન્મ ના ચક્કર માં ફસાય છે.

અધ્યાય-૩૨ માં સાત્વિક ધર્મો થી ઉપરના લોક માં કેવી રીતે ગતિ થાય છે, અને તત્વજ્ઞાન વિનાના મનુષ્ય નું  ફરી ફરી સંસારમાં આગમન થાય છે તે દર્શાવ્યું છે.અને ફરી એક વખત જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય થી આ જન્મ મરણ ના ચક્કર થી છૂટી શકાય છે,તેવું પ્રસ્થાપિત કર્યું છે.

અધ્યાય-૩૩ માં દેવહુતિ કહે છે કે--"આ જ્ઞાન થી મારો 'મોહ' નિર્મૂળ થયો છે".ત્યારે કપિલ કહે છે કે-
"મા,સર્વ મોહ,લોભ,મમતા છોડી અધ્યાત્મ માર્ગ મા જાતે જ આગળ વધવાનું છે,આ માર્ગ એકલાનો છે."
આમ કહી માતાની સંમતિ લઇ કપિલ ચાલી નીકળે છે.
દેવહુતિ પછી સંપૂર્ણ વાસના ઓ ત્યજીને નિસ્પૃહ બને છે.આત્મા નું ધ્યાન કરી બુદ્ધિ ને પરમાત્મા મા સ્થિર કરે છે.ત્યારે શરીરનું ભાન ભૂલાઈ જઈ મોક્ષ ની (જીવનમુક્ત ની)અવસ્થા પ્રાપ્ત કરે છે.
 

   PREVIOUS PAGE             INDEX PAGE