Nov 1, 2011

PAGE-3

આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
     INDEX PAGE

જેમ પાણી માં જુદાજુદા રસો (ખારા-મીઠા વગેરે) કે રંગો (લાલ-લીલો વગેરે) મિશ્ર (આરોપિત) થવાથી,
તે પાણી તે ઉપાધિઓ (રસ-રંગ) થી ખારું,લીલું-વગેરે થાય છે,(તેમ છતાં પાણી તો પાણી જ છે),

તેમ,આત્મામાં જાતિ,નામ,આશ્રમ-વગેરે જુદીજુદી “દેહ-રૂપ” ઉપાધિઓને લીધે,(ઉપાધિઓ આરોપિત થવાથી)
તે જુદો દેખાય છે. પણ છતાં આત્મા એ આત્મા જ છે.   (૧૧)

પંચીકરણ કરેલાં મહાભૂતો (પંચ મહાભૂતો=આકાશ,વાયુ,જળ,અગ્નિ,પૃથ્વી-નાં- પંચીકરણ થયેલાં મહાભૂતો) થી જન્મેલું, અને જન્માંતર ના કર્મો થી આવી મળેલું,
આ “સ્થૂળ શરીર”,એ સુખ અને દુઃખ ભોગવવાનું સ્થાન કહેવાય છે. (૧૨)
(પ્રત્યેક મહાભૂતના પ્રથમ બે-બે ભાગ થયા છે,તેમાંનો એક-એક ભાગ અલગ રહે છે.અને બાકીના ભાગમાંથી ચાર-ચાર ભાગ થઇ,પોતપોતાના અલગ રહેલા ભાગ સિવાય-બીજા ચાર-ચાર ભાગોમાં એક-એક ભાગ મળે છે તે પંચીકરણ કહેવાય છે.)

પંચીકરણ નહિ પામેલાં મહાભૂતો માંથી ઉત્પન્ન થયેલું, અને
પાંચ પ્રાણ,મન,બુદ્ધિ,અને દશ ઇન્દ્રિયો થી બનેલું,
આ “સૂક્ષ્મ શરીર” એ ભોગો ભોગવવાનું સાધન કહેવાય છે.  (૧૩)

જેનું વર્ણન કરવું અશક્ય છે,એવી અનાદિ,અવિદ્યા (માયા) તે જ “કારણ શરીર” કહેવાય છે.
અને આ ત્રણે શરીર (સ્થૂળ-સૂક્ષ્મ-કારણ), ત્રણે ઉપાધિઓથી,આત્મા જુદો જ છે તેમ નિશ્ચય કરવો.   (૧૪)

જેમ સ્ફટિકમર્ણિ પોતે શુદ્ધ હોવાં છતાં,તે જે રંગ ના વસ્ત્ર પર મુકવામાં આવે તેવા રંગ નો દેખાય છે,
તેમ આત્મા શુદ્ધ હોવાં છતાં,પાંચ કોશો –વગેરે ના સંબંધ થી, તે –તે મય થયો હોય તેમ જણાય છે. (૧૫)

પાંચ કોશો-
(૧) અન્નમય કોશ-પૃથ્વીના અન્નરસ થી બની,વધી,પૃથ્વીમાં જ લય પામનાર
(૨) પ્રાણમય કોશ-પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિયો થી બનેલો.
(૩) મનોમય કોશ-મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો થી બનેલો.
(૪) વિજ્ઞાનમય કોશ-બુદ્ધિ  અને પાંચ જ્ઞાનેન્દ્રિયો થી બનેલો.
(૫) આનંદમય કોશ- અવિદ્યા અને અનાદિ –માયામય કારણ શરીરથી બનેલો.



     INDEX PAGE