निवृत्तिरपि मूढस्य प्रवृत्ति रुपजायते । प्रवृत्तिरपि धीरस्य निवृत्तिफलभागिनी ॥६१॥
મૂઢ (અજ્ઞાની) ની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ જ બને છે,જયારે,
--ધીર પુરુષની પ્રવૃત્તિ પણ નિવૃત્તિનું ફળ આપે છે. (૬૧)
परिग्रहेषु वैराग्यं प्रायो मूढस्य दृश्यते । देहे विगलिताशस्य क्व रागः क्व विरागता ॥ ६२॥
ઘર,સ્ત્રી વગેરેમાં (પરિગ્રહોમાં) (દેખીતો) વૈરાગ્ય વિશેષ કરીને મૂઢ (અજ્ઞાની) નો જ દેખાય છે,પણ,
--દેહમાંથી યે જેની આશા ક્ષીણ (નાશ) થઇ ગઈ છે તેવા જ્ઞાની ને રાગ શું કે વૈરાગ્ય શું ? (૬૨)
भावनाभावनासक्ता दृष्टिर्मूढस्य सर्वदा । भाव्यभावनया सा तु स्वस्थस्यादृष्टिरूपिणी ॥ ६३॥
મૂઢ (અજ્ઞાની) ની દૃષ્ટિ,સર્વદા દૃશ્ય (સંસાર) ની ભાવના અને અભાવનામાં લાગેલી રહે છે,
--પરંતુ શાંત (જ્ઞાની) મનુષ્યની દૃષ્ટિ,દૃશ્યની ભાવના કરવા છતાં,અ-દૃષ્ટિ-રૂપ જ રહે છે. (૬૩)
सर्वारम्भेषु निष्कामो यश्चरेद् बालवन् मुनिः । न लेपस्तस्य शुद्धस्य क्रियमाणेऽपि कर्मणि ॥ ६४॥
જે મુનિ (જ્ઞાની) સર્વ આરંભોમાં (ક્રિયાઓમાં) બાળકની જેમ નિષ્કામપણે વર્તે છે,
--તે શુદ્ધ મુનિને કરાતાં કર્મોમાં પણ લેપ થતો નથી. (૬૪)
स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः । पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन्निस्तर्षमानसः ॥ ६५॥
તે આત્મજ્ઞાની ધન્ય છે કે જે સર્વભૂતોમાં સમાન દૃષ્ટિ રાખે છે અને જે,
-સાંભળતા,સ્પર્શતો,સુંઘતો,ખાતો છતાં તૃષ્ણા (આશા-આસક્તિ) વગરનો છે.(૬૫)
क्व संसारः क्व चाभासः क्व साध्यं क्व च साधनम् । आकाशस्येव धीरस्य निर्विकल्पस्य सर्वदा ॥ ६६॥
હંમેશાં આકાશની જેમ નિર્વિકલ્પ (વિકલ્પ વગરના) જ્ઞાનીને,
--સંસાર શું કે સંસારનો આભાસ શું ?સાધ્ય શું અને સાધન શું ? (૬૬)
स जयत्यर्थसंन्यासी पूर्णस्वरसविग्रहः । अकृत्रिमोऽनवच्छिन्ने समाधिर्यस्य वर्तते ॥ ६७॥
તે કર્મફળના ત્યાગવાળો અને પૂર્ણ આનંદ-સ્વરૂપ મહાત્મા જય પામે છે,
--જેની સ્વભાવિક (અકૃત્રિમ) સમાધિ તેના પૂર્ણ સ્વ-રૂપમાં હોય છે.(૬૭)
बहुनात्र किमुक्तेन ज्ञाततत्त्वो महाशयः । भोगमोक्षनिराकाङ्क्षी सदा सर्वत्र नीरसः ॥ ६८॥
અહીં વધુ કહી ને શું ફાયદો? જેણે તત્વને જાણ્યું છે,તેવો મહાત્મા,
--ભોગ અને મોક્ષ બંને પ્રત્યે નિસ્પૃહ (આકાંક્ષા વગરનો) અને હંમેશ બધે રસ-હીન હોય છે.(૬૮)
महदादि जगद्द्वैतं नाममात्रविजृम्भितम् । विहाय शुद्धबोधस्य किं कृत्यमवशिष्यते ॥ ६९॥
મહત્-તત્વથી શરુ થયેલું,આ જગત (દ્વૈત), નામ-માત્રથી જ ઉભું થયેલું છે,
--તે જગતની કલ્પના છોડ્યા પછી,શુદ્ધ જ્ઞાન-સ્વ-રૂપ બનેલા ને શું કર્મ બાકી રહે ? (૬૯)
भ्रमभूतमिदं सर्वं किञ्चिन्नास्तीति निश्चयी । अलक्ष्यस्फुरणः शुद्धः स्वभावेनैव शाम्यति ॥ ७०॥
આ બધું જગત “ભ્રમ-રૂપ” હોઈ કાંઇ જ નથી,એવા નિશ્ચયવાળો,અને બ્રહ્મનું જેણે સ્ફુરણ થયું છે તેવો,
--શુદ્ધ પુરુષ સ્વ-ભાવ વડે જ (સ્વ-ભાવથી જ) શાંત બની જાય છે. (૭૦)
शुद्धस्फुरणरूपस्य दृश्यभावमपश्यतः । क्व विधिः क्व च वैराग्यं क्व त्यागः क्व शमोऽपि वा ॥ ७१॥
શુદ્ધ આત્મ-સ્વ-રૂપના સ્ફુરણ- રૂપ,અને દૃશ્ય-ભાવ (જગત-માયા)ને ન જોનારને,
--વિધિ (કર્મોની વિધિ) શું અને વૈરાગ્ય શું ?ત્યાગ શું અને શમ (નિવૃત્તિ) શું ?(૭૧)
स्फुरतोऽनन्तरूपेण प्रकृतिं च न पश्यतः । क्व बन्धः क्व च वा मोक्षः क्व हर्षः क्व विषादिता ॥ ७२॥
અનંત-રૂપે સ્ફૂરતા અને પ્રકૃતિ (માયા) ને ના જોતા યોગીને,
--બંધન શું? અને મોક્ષ શું ? હર્ષ (સુખ) શું કે વિષાદ (દુઃખ) શું ? (૭૨)
बुद्धिपर्यन्तसंसारे मायामात्रं विवर्तते । निर्ममो निरहङ्कारो निष्कामः शोभते बुधः ॥ ७३॥
બુદ્ધિ પર્યંત (બુદ્ધિથી) જોતાં,આ જગત માયા-માત્ર જ દેખાય છે,(આવું સમજનાર)
--યોગી મમતા-રહિત,અહંકાર રહિત,અને નિષ્કામ બનીને શોભે છે.(૭૩)
अक्षयं गतसन्तापमात्मानं पश्यतो मुनेः । क्व विद्या च क्व वा विश्वं क्व देहोऽहं ममेति वा ॥ ७४॥
આત્માને અવિનાશી અને સંતાપ-રહિત (શોક રહિત) જોનારા મુનિને,
--વિદ્યા શી? કે વિશ્વ શું ? દેહ શો? કે અહંતા-મમતા શી ? (૭૪)
निरोधादीनि कर्माणि जहाति जडधीर्यदि । मनोरथान् प्रलापांश्च कर्तुमाप्नोत्यतत्क्षणात् ॥ ७५॥
(પણ) જો જડ-બુદ્ધિવાળો (મૂઢ-અજ્ઞાની) મનુષ્ય,ચિત્ત નિરોધ વગેરે,જેવાં કર્મો ત્યાગી દે,
--તો તે ક્ષણથી જ તેના મનોરથો વધે છે,અને તે વાણીના પ્રલાપો કરવાનો પ્રારંભ કરે છે. (૭૫)
मन्दः श्रुत्वापि तद्वस्तु न जहाति विमूढताम् । निर्विकल्पो बहिर्यत्नादन्तर्विषयलालसः ॥ ७६॥
મૂઢ (અજ્ઞાની) એ “પરમ વસ્તુ” ને સાંભળીને પણ મૂઢતા છોડતો નથી,જો કે ભલે એણે ,
--બહારના પ્રયત્નો કરી ને નિર્વિકલ્પ (સંકલ્પ વગરની) સ્થિતિ પ્રાપ્ત કરી હોય,
--તેમ છતાં અંદરથી તે વિષય વાસના વાળો જ રહે છે. (૭૬)
ज्ञानाद् गलितकर्मा यो लोकदृष्ट्यापि कर्मकृत् । नाप्नोत्यवसरं कर्त्रुं वक्तुमेव न किञ्चन ॥ ७७॥
જે જ્ઞાન વડે “ક્ષીણ (નાશ) બનેલા કર્મ” વાળો છે, અને માત્ર “લોક-દૃષ્ટિ” થી કર્મ કરવાવાળો છે,
--તેને કાંઇ પણ કરવાનો કે કાંઇ બોલવાનો પ્રસંગ જ પ્રાપ્ત થતો નથી.(૭૭)
क्व तमः क्व प्रकाशो वा हानं क्व च न किञ्चन । निर्विकारस्य धीरस्य निरातङ्कस्य सर्वदा ॥ ७८॥
હંમેશ નિર્વિકાર અને નિર્ભય ધીર પુરુષ માટે અંધકાર શું કે પ્રકાશ શું ?કે હાનિ (નુકશાન) શું ? (૭૮)
क्व धैर्यं क्व विवेकित्वं क्व निरातङ्कतापि वा । अनिर्वाच्यस्वभावस्य निःस्वभावस्य योगिनः ॥ ७९॥
અનિર્વાચ્ય સ્વભાવ વાળા અને સ્વભાવ-રહિત યોગીને માટે,ધૈર્ય શું?વિવેક શું? કે નિર્ભયતા શું? (૭૯)
न स्वर्गो नैव नरको जीवन्मुक्तिर्न चैव हि । बहुनात्र किमुक्तेन योगदृष्ट्या न किञ्चन ॥ ८०॥
સ્વર્ગ કે નર્ક કશું નથી,કે જીવન- કે મુક્તિ પણ નથી,
--અહીં વધુ કહી ને શું કામ? યોગ-દૃષ્ટિથી કશું પણ નથી. (૮૦)