પ્રકરણ-૧૭
॥ अष्टावक्र उवाच ॥
तेन ज्ञानफलं प्राप्तं योगाभ्यासफलं तथा । तृप्तः स्वच्छेन्द्रियो नित्यमेकाकी रमते तु यः ॥ १॥
અષ્ટાવક્ર કહે છે-કે-
જે પુરુષ સંતોષી અને શુદ્ધ ઇન્દ્રીયોવાળો છે અને સદાય એકલો (અસંગ) તથા આનંદમાં રહે છે,
--માત્ર તેણે જ જ્ઞાનનું અને યોગાભ્યાસનું ફળ પ્રાપ્ત કર્યું છે. (૧)
न कदाचिज्जगत्यस्मिन् तत्त्वज्ञो हन्त खिद्यति । यत एकेन तेनेदं पूर्णं ब्रह्माण्डमण्डलम् ॥ २॥
તત્વ (સત્ય) ને જાણનારો આ જગતમાં કદી ખેદ ને પામતો નથી, તે વાત સાચી છે,કેમ કે,
--તેના એકલાથી જ સમસ્ત બ્રહ્માંડ-મંડળ વ્યાપ્ત છે.(તેના સિવાય બીજું કશું છે જ નહિ) (૨)
न जातु विषयाः केऽपि स्वारामं हर्षयन्त्यमी । सल्लकीपल्लवप्रीतमिवेभं निम्बपल्लवाः ॥ ३॥
શલ્લકીનાં (એક જાતની મધુર રસવાળી વનસ્પતિનાં) પાન ખાઈને આનંદિત થયેલા હાથીને,
--જેવી રીતે લીંબડાનાં કડવા પાન આનંદ (હર્ષ) પમાડતાં નથી,તેમ,
--“આત્મા” રામ પુરુષને કોઈ વિષયો હર્ષ પમાડતા નથી.(૩)
यस्तु भोगेषु भुक्तेषु न भवत्यधिवासितः । अभुक्तेषु निराकाङ्क्षी तदृशो भवदुर्लभः ॥ ४॥
જે મનુષ્ય ભોગવાયેલા ભોગોમાં આસક્ત થતો નથી અને,
--ના ભોગવાયેલા ભોગો પ્રત્યે આકાંક્ષા રાખતો નથી,તેવા મનુષ્ય સંસારમાં દુર્લભ છે.(૪)
बुभुक्षुरिह संसारे मुमुक्षुरपि दृश्यते । भोगमोक्षनिराकाङ्क्षी विरलो हि महाशयः ॥ ५॥
અહીં સંસારમાં ભોગેચ્છુ (ભોગોની ઈચ્છા વાળા) અને મોક્ષેચ્છુ (મોક્ષની ઈચ્છાવાળા) દેખાય છે,
--પરંતુ ભોગ અને મોક્ષ –એ બંને પ્રત્યે આકાંક્ષા વગરના વિરલા મહાત્મા કોઈક જ છે.(૫)
धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदारचित्तस्य हेयोपादेयता न हि ॥ ६॥
કોઈ ઉદાર મન (બુદ્ધિ) વાળાને જ પુરુષાર્થો (ધર્મ,અર્થ,કામ,મોક્ષ) પ્રત્યે અને,
--જીવન તથા મરણ ને માટે ત્યાજ્ય (ત્યાગનો) કે ગ્રાહ્યભાવ (ગ્રહણ કરવાનો) હોતો નથી. (૬)
वाञ्छा न विश्वविलये न द्वेषस्तस्य च स्थितौ । यथा जीविकया तस्माद् धन्य आस्ते यथा सुखम् ॥ ७॥
જગતના વિલયની (નાશની) જેને ઈચ્છા નથી કે તે જગત રહે તો પણ જેને દુઃખ નથી,એવો,
--ધન્ય (કૃતાર્થ) પુરુષ,સહજ મળતી આજીવિકા વડે સુખપૂર્વક (સંતોષમાં) રહે છે (૭)
कृतार्थोऽनेन ज्ञानेनेत्येवं गलितधीः कृती । पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन्नास्ते यथा सुखम् ॥ ८॥
સત્ય જ્ઞાનને પામેલો અને જે જ્ઞાનને પામવાથી,જેની બુદ્ધિ (જ્ઞાનમાં) લય પામી ગઈ છે,
--તેવો કૃતાર્થ (ધન્ય) પુરુષ,ઇન્દ્રિયો ના વિષયો (જોતો,સંભાળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો)
--ભોગવતો હોવાં છતાં (તે વિષયો પ્રત્યે અનાસક્ત હોવાથી) સુખપૂર્વક રહે છે.(૮)
शून्या दृष्टिर्वृथा चेष्टा विकलानीन्द्रियाणि च । न स्पृहा न विरक्तिर्वा क्षीणसंसारसागरे ॥ ९॥
જયારે સંસારરૂપ સાગર ક્ષીણ થાય (સંસાર જતો રહે) ત્યારે દૃષ્ટિ શૂન્ય બને છે,
--સર્વ ક્રિયાઓ (કર્મો) નિરર્થક બને છે,ઇન્દ્રિયો ક્ષુબ્ધ બને છે, અને
--નથી આસક્તિ રહેતી કે નથી વિરક્તિ રહેતી (૯)
न जागर्ति न निद्राति नोन्मीलति न मीलति । अहो परदशा क्वापि वर्तते मुक्तचेतसः ॥ १०॥
અહો,મનથી મુક્ત થયેલાની કેવી ઉત્કૃષ્ટ દશા છે !! કે,જે,
--નથી જાગતો,નથી સૂતો,નથી આંખ બંધ કરતો કે નથી આંખો ખોલતો.(૧૦)
सर्वत्र दृश्यते स्वस्थः सर्वत्र विमलाशयः । समस्तवासना मुक्तो मुक्तः सर्वत्र राजते ॥ ११॥
બધી વાસનાઓથી મુક્ત બનેલો,જ્ઞાની મુક્ત પુરુષ,સર્વ ઠેકાણે સ્વસ્થ (શાંત) દેખાય છે,
--સર્વત્ર નિર્મળ અંતઃકરણ વાળો રહે છે અને સર્વત્ર શોભે છે. (૧૧)
पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन् गृण्हन् वदन् व्रजन्।ईहितानीहितैर्मुक्तो मुक्त एव महाशयः ॥१२॥
ઇચ્છાઓ અને અનિચ્છાઓ (ને રાગ-દ્વેષ) થી મુક્ત એ મહાત્મા,ભલે,
--જોતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો,ગ્રહણ કરતો,બોલતો કે ચાલતો હોય છતાં મુક્ત જ છે. (૧૨)
न निन्दति न च स्तौति न हृष्यति न कुप्यति । न ददाति न गृण्हाति मुक्तः सर्वत्र नीरसः ॥ १३॥
તે નથી કોઈની નિંદા કરતો, કે નથી કોઈની સ્તુતિ (વખાણ) કરતો ,
--નથી ખુશ થતો કે નથી નાખુશ (ક્રોધિત) થતો,
--નથી કોઈને આપતો કે નથી કોઈની પાસેથી લેતો,અને સર્વત્ર રસ વગરનો થઈને રહે છે. (૧૩)
सानुरागां स्त्रियं दृष्ट्वा मृत्युं वा समुपस्थितम् । अविह्वलमनाः स्वस्थो मुक्त एव महाशयः ॥ १४॥
પ્રીતિયુક્ત (સુંદર) સ્ત્રી જેની પાસે આવે કે,મૃત્યુ પાસે આવે,પણ તેને જોઈને જે મહાત્માનું મન,
--વિહવળ થતું નથી,પણ સ્વસ્થ રહે છે,તે મુક્ત જ છે. (૧૪)
सुखे दुःखे नरे नार्यां सम्पत्सु च विपत्सु च । विशेषो नैव धीरस्य सर्वत्र समदर्शिनः ॥ १५॥
આવા,બધેય સમદર્શી,ધીરજવાન પુરુષને,સુખમાં કે દુઃખમાં,સ્ત્રીમાં કે પુરુષમાં,
--સંપત્તિમાં કે વિપત્તિમાં કશો જ ફરક હોતો નથી. (૧૫)
न हिंसा नैव कारुण्यं नौद्धत्यं न च दीनता । नाश्चर्यं नैव च क्षोभः क्षीणसंसरणे नरे ॥ १६॥
જેનો (જેના મનમાં) સંસાર નાશ પામ્યો છે-તેવા મનુષ્યમાં,
--નથી હિંસા કે નથી કરુણા,નથી ઉદ્ધતાઈ કે નથી નમ્રતા,નથી આશ્ચર્ય કે નથી ક્ષોભ (૧૬)
न मुक्तो विषयद्वेष्टा न वा विषयलोलुपः । असंसक्तमना नित्यं प्राप्ताप्राप्तमुपाश्नुते ॥ १७॥
મુક્ત પુરુષ,નથી વિષયોમાં આસક્ત થતો કે નથી વિષયોને ધિક્કારતો, પણ
--સદા અનાસક્ત થઇ પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુઓનો ઉપભોગ કરે છે.(૧૭)
समाधानसमाधानहिताहितविकल्पनाः । शून्यचित्तो न जानाति कैवल्यमिव संस्थितः ॥ १८॥
જેનું મન નાશ પામ્યું છે,તે સમાધાન કે અસમાધાન,હિત કે અહિત,વગેરેની
--કલ્પનાને પણ જાણતો નથી,પરંતુ,તે કેવળ કૈવલ્ય (મોક્ષ)માં જ સ્થિર રહે છે.(૧૮)
निर्ममो निरहङ्कारो न किञ्चिदिति निश्चितः । अन्तर्गलितसर्वाशः कुर्वन्नपि करोति न ॥ १९॥
મમતા વગરનો,અહંતા (અભિમાન) વગરનો,અને જગતમાં કાંઈજ નથી (જગત મિથ્યા) એવા,
--નિશ્ચયવાળો,અને અંદરથી જેની બધી આશાઓ લય (નાશ) પામી ગઈ છે,
--તેવો મનુષ્ય કર્મ કરે છતાં તે કર્મથી (કર્મના બંધનથી) લેપાતો નથી.(૧૯)
मनःप्रकाशसंमोहस्वप्नजाड्यविवर्जितः । दशां कामपि सम्प्राप्तो भवेद् गलितमानसः ॥ २०॥
જેનું મન ક્ષીણ બન્યું છે, અને જે મનના પ્રકાશ-અંધકાર,સ્વપ્ન અને જડતા (સુષુપ્તિ)થી
--રહિત છે (વગરનો છે), તે કોઈ અવર્ણનીય દશાને પ્રાપ્ત થાય છે.(૨૦)
પ્રકરણ-૧૭-સમાપ્ત