પ્રકરણ-૧૫
॥ अष्टावक्र उवाच ॥
यथातथोपदेशेन कृतार्थः सत्त्वबुद्धिमान् । आजीवमपि जिज्ञासुः परस्तत्र विमुह्यति ॥ १॥
અષ્ટાવક્ર કહે છે-કે-
એક સત્વ-બુદ્ધિ-વાળો પુરુષ માત્ર થોડા ઉપદેશથી જ કૃતાર્થ (ધન્ય) થઇ જાય છે,જયારે,
--અસત્ બુદ્ધિવાળો બીજો,જીવનપર્યંત જિજ્ઞાસુ હોવા છતાં,મોહને પામે છે. (૧)
मोक्षो विषयवैरस्यं बन्धो वैषयिको रसः । एतावदेव विज्ञानं यथेच्छसि तथा कुरु ॥ २॥
વિષયોમાંથી રસ જતો રહેવો (વૈરાગ્ય)–એ જ-મોક્ષ છે,
--વિષયોમાં રસ હોવો (રાગ કે મોહ)-એ જ –બંધન છે,
--ટૂંકમાં આ આટલું જ માત્ર “જ્ઞાન-વિજ્ઞાન” છે,તે સમજી તારી ઈચ્છામાં આવે તેમ કર.(૨)
वाग्मिप्राज्ञामहोद्योगं जनं मूकजडालसम् । करोति तत्त्वबोधोऽयमतस्त्यक्तो बुभुक्षभिः ॥ ३॥
આ તત્વજ્ઞાન અત્યંત બોલવાવાળા,પ્રવૃત્તિ મય,મહાજ્ઞાની પંડિત પુરુષને
--મૂંગો,પ્રવૃત્તિ વગરનો(જડ),અને જગતને તે બહારથી આળસુ દેખાય તેવો કરી નાખે છે,
--આથી જગતના ભોગાભિલાષી (ભોગોની ઈચ્છાવાળા) મનુષ્યો વડે તે તત્વજ્ઞાન ત્યજાયેલું છે.(૩)
न त्वं देहो न ते देहो भोक्ता कर्ता न वा भवान् । चिद्रूपोऽसि सदा साक्षी निरपेक्षः सुखं चर ॥ ४॥
તું દેહ નથી કે દેહ તારો નથી,તું ભોક્તા (ભોગવનાર) નથી કર્તા (કર્મો નો કરનાર) નથી,
--તું શુદ્ધ ચૈતન્ય-રૂપ (આત્મા-રૂપ) અને સાક્ષી-રૂપ છે,એટલે (અને તને કોઈ ઈચ્છા પણ નથી)
--કોઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર સુખપૂર્વક વિચર.(સુખી થા) (૪)
रागद्वेषौ मनोधर्मौ न मनस्ते कदाचन । निर्विकल्पोऽसि बोधात्मा निर्विकारः सुखं चर ॥ ५॥
રાગ અને દ્વેષ (દ્વૈત) એ તો મનના ધર્મો છે,તારા (આત્માના) નહિ,
--અને (એટલે) મન તો તારું કદી છે જ નહિ,પણ તું તો,
--નિર્વિકલ્પ (વિકલ્પ વગરનો) નિર્વિકાર,અને બોધ (જ્ઞાન) સ્વ-રૂપ છે,માટે સુખપૂર્વક વિચર (૫)
सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि । विज्ञाय निरहङ्कारो निर्ममस्त्वं सुखी भव ॥ ६॥
સર્વ ભૂતોમાં (જીવોમાં) પોતાના આત્માને અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને (જીવોને) જાણીને,
--અહંકાર અને મમત્વ (મમતા-આસક્તિ) વગરનો થઇને તું સુખી થા. (૬)
विश्वं स्फुरति यत्रेदं तरङ्गा इव सागरे । तत्त्वमेव न सन्देहश्चिन्मूर्ते विज्वरो भव ॥ ७॥
સમુદ્રમાં જેમ તરંગો થાય છે, તેમ આ જગત સ્ફૂરે(બને) છે,(જગત એ સમુદ્રના તરંગ જેવું છે)
--અને એ જ તું છે,(તું જ એ સમુદ્ર અને એ સમુદ્રનું તરંગ પણ છે-બંને જુદા નથી)
--માટે,હે,ચૈતન્ય-સ્વ-રૂપ તું સંતાપ વગરનો થા.(૭)
श्रद्धस्व तात श्रद्धस्व नात्र मोऽहं कुरुष्व भोः । ज्ञानस्वरूपो भगवानात्मा त्वं प्रकृतेः परः ॥ ८॥
હે પ્રિય (તાત-સૌમ્ય) તું શ્રદ્ધા રાખ, તું શ્રદ્ધા રાખ,અને અહીં (જગતમાં) મોહ ના પામ,(કારણ કે),
--તું જ્ઞાન-સ્વ-રૂપ, આત્મા (પરમાત્મા) સ્વ-રૂપ છે અને પ્રકૃતિથી પર છે (૮)
गुणैः संवेष्टितो देहस्तिष्ठत्यायाति याति च । आत्मा न गन्ता नागन्ता किमेनमनुशोचसि ॥ ९॥
ગુણો (સત્વ-રજસ-તમસ) થી લપટાયેલો (ઢંકાયેલો) આ દેહ,
--ક્યારેક સ્થિત,તો ક્યારેક આવે અને જાય છે,પણ
--આત્મા તો નથી આવતો કે નથી જતો,તો શા માટે તું તેનો શોક કરે છે ?(૯)
देहस्तिष्ठतु कल्पान्तं गच्छत्वद्यैव वा पुनः । क्व वृद्धिः क्व च वा हानिस्तव चिन्मात्ररूपिणः ॥ १०॥
ચાહે આ શરીર કલ્પ (સમયનું એક માપ) ના અંત સુધી રહે કે આજે જ પડે, પણ
--તું કે જે ચૈતન્ય-માત્ર-સ્વ-રૂપ છે,તેની શી વૃદ્ધિ છે કે શી હાનિ છે ? (૧૦)
त्वय्यनन्तमहाम्भोधौ विश्ववीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न ते वृद्धिर्न वा क्षतिः ॥ ११॥
તારા-રૂપી અનંત મહાસાગરમાં જગત-રૂપી તરંગ આપોઆપ (સ્વ-ભાવથી),
--ઉદય થાય (બને) કે અસ્ત થાય (નાશ પામે) પણ તેથી,
--તારી વૃદ્ધિ પણ થતી નથી કે નાશ પણ થતો નથી. (૧૧)
तात चिन्मात्ररूपोऽसि न ते भिन्नमिदं जगत् । अतः कस्य कथं कुत्र हेयोपादेयकल्पना ॥ १२॥
હે પ્રિય, તું ચૈતન્યમાત્ર-સ્વ-રૂપ (આત્મા) છે,અને આ જગત તારાથી ભિન્ન (જુદું) નથી,તો પછી,
--ત્યાજ્ય (ત્યાગવું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવું) ની કલ્પના,
--કોને,કેવી રીતે અને ક્યાંથી હોઈ શકે ? (૧૨)
एकस्मिन्नव्यये शान्ते चिदाकाशेऽमले त्वयि । कुतो जन्म कुतो कर्म कुतोऽहङ्कार एव च ॥ १३॥
તું “એક”,”નિર્મળ”, “શાંત”,“અવ્યય” (અવિનાશી),“ચિદાકાશ”(ચૈતન્ય-રૂપ-આકાશ) છે,
--અને આવા તારામાં જન્મ ક્યાંથી? કર્મ કયાંથી? અને અહંકાર પણ ક્યાંથી?(હોઈ શકે ?) (૧૩)
यत्त्वं पश्यसि तत्रैकस्त्वमेव प्रतिभाससे । किं पृथक् भासते स्वर्णात् कटकाङ्गदनूपुरम् ॥ १४॥
જે જે તું જુએ છે ત્યાં ત્યાં તું એકલો જ ભાસમાન (દેખાય) થાય છે, વધુ શું કહું ?
--સોનાના બાજુબંધ અને સોનાના ઝાંઝર,શું સોનાથી ભિન્ન (જુદાં) ભાસે (દેખાય) છે ખરા ? (૧૪)
अयं सोऽहमयं नाहं विभागमिति सन्त्यज । सर्वमात्मेति निश्चित्य निःसङ्कल्पः सुखी भव ॥ १५॥
જે “આ” છે તે “હું” છું, કે “હું” નથી-એવા ભેદભાવ (દ્વૈત) ને છોડી દે,અને,
--બધું ય “આત્મા” (અદ્વૈત) છે-એમ નિશ્ચય કરી,સંકલ્પ વગરનો થઇ સુખી થા. (૧૫)
तवैवाज्ञानतो विश्वं त्वमेकः परमार्थतः । त्वत्तोऽन्यो नास्ति संसारी नासंसारी च कश्चन ॥ १६॥
તારા અજ્ઞાનથી જ આ જગત ભાસે (દેખાય) છે, પરંતુ,
--વસ્તુતઃ તો (સાચમાં તો) તું એકલો જ (એક-અદ્વૈત) છે અને તારાથી જુદો કોઈ
--સંસારી (બંધન વાળો) અને અસંસારી (મુક્ત) છે જ નહિ. (૧૬)
भ्रान्तिमात्रमिदं विश्वं न किञ्चिदिति निश्चयी । निर्वासनः स्फूर्तिमात्रो न किञ्चिदिव शाम्यति ॥ १७॥
આ સંસાર એ ભ્રાંતિમાત્ર છે,બીજું કંઇ નહિ,એવો નિશ્ચય કરનાર,
--વાસનાઓ વગરનો અને કેવળ ચૈતન્ય-રૂપ મનુષ્ય,'જગતમાં જાણે કાંઇ છે જ નહિ',
--એમ સમજીને શાંત બને છે (૧૭)
एक एव भवाम्भोधावासीदस्ति भविष्यति । न ते बन्धोऽस्ति मोक्षो वा कृत्यकृत्यः सुखं चर ॥ १८॥
સંસાર-સાગરમાં એક તું જ છે,હતો,અને હોઈશ.તને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી,
--માટે તું કૃતાર્થ (ધન્ય) હોઈ,સુખી થા.(૧૮)
मा सङ्कल्पविकल्पाभ्यां चित्तं क्षोभय चिन्मय । उपशाम्य सुखं तिष्ठ स्वात्मन्यानन्दविग्रहे ॥ १९॥
હે,ચૈતન્ય-રૂપ જનક,સંકલ્પ-વિકલ્પથી તારા ચિત્તને (મનને) ક્ષોભિત (દુઃખી) ના કર,પણ,
--મનને શાંત કરી,આનંદ રૂપ પોતાના આત્મામાં સ્થિર થા (૧૯)
त्यजैव ध्यानं सर्वत्र मा किञ्चिद् हृदि धारय । आत्मा त्वं मुक्त एवासि किं विमृश्य करिष्यसि ॥ २०॥
ધ્યાન (મનન)નો સર્વત્ર ત્યાગ કર અને હૃદયમાં કાંઇ પણ ધાર (ધારણા) કર નહિ,
--તું આત્મા હોઈ મુક્ત જ છે,પછી વિચારો કરીને શું કરવાનો છે ? (૨૦)
પ્રકરણ-૧૫-સમાપ્ત